સાસરિયાંનો ત્રાસ:અમદાવાદની પરિણીતાને સસરાએ કહ્યું, લોકો 50 તોલા સોનું આપે છે, તારા બાપે 25 તોલા જ આપ્યું છે, ઘરમાં નોકરાણી બનીને રહેવું પડશે

અમદાવાદ24 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સાસુ પરિણીતાનાં માતા-પિતા સામે ગંદી ગાળો બોલીને વારંવાર ઝગડો કરતી
  • પરિણીતાએ પતિ અને સાસરિયાં સામે બાપુનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી

અમદાવાદમાં દહેજ અને કરિયાવરને લઈને થઈ રહેલા પારિવારિક ઝગડાઓ દિવસે દિવસે વધી રહ્યાં છે. શહેરમાં પોલીસ સ્ટેશનોમાં મહિલાઓ દ્વારા સાસરિયાં સામે થતી ફરિયાદોમાં વધારો થયો છે. ત્યારે ફરી એકવાર કરિયાવર માટે પરીણિતાને ગંદી ગાળો બોલીને મારઝૂડ કરતાં બાપુનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે. પરીણિતાએ તેના પતિ અને સાસરિયાં સામે માનસિક અને શારીરિક ત્રાસની ફરિયાદ નોંધાવી છે. તેણે ફરિયાદમાં જણાવ્યું છે કે સાસરિયાઓ વારંવાર મહેણાં ટોણાં મારતાં કે લોકો 50 તોલા સોનું આપે છે અને તારા બાપે 25 તોલા જ આપ્યું છે. તારા પિયરિયાઓએ કરિયાવરમાં કંઈ જ આપ્યું નથી.

સસરા કહેતા, તારા બાપે કરિયાવરમાં કંઈ નથી આપ્યું
પ્રાપ્ત વિગતો પ્રમાણે, 2016માં બાપુનગરમાં રહેતા પરિવારમાં મહિલાના લગ્ન થયાં હતાં. તેના પિતાએ સમાજને શોભે તેવું કરિયાવર પણ આપ્યું હતું. લગ્નના બે મહિના સુધી સાસરિયાઓએ મહિલાને સારી રીતે રાખી હતી. ત્યાર બાદ ઘરમાં પતિ અને સાસુ ઘરકામને લઈને ગમે તેવા શબ્દો બોલતા હતાં. ગંદી ગાળો બોલીને પતિ અને સાસુ પરીણિતાને માર મારતાં હતાં. પરીણિતાના સાસુ અને સસરા વારંવાર મહેણાં ટોણાં મારતાં હતાં કે તારા બાપે તને 25 તોલા જ સોનું આપ્યું છે. બીજા લોકો 50 તોલા આપે છે. તારા બાપે કરિયાવરમાં કંઈ આપ્યું નથી. જેથી તારે ઘરમાં રહેવું હોય તો નોકરાણી બનીને રહેવું પડશે.

પતિ નાની નાની વાતોમાં પત્નીને મારતો હતો ( પ્રતીકાત્મક તસવીર).
પતિ નાની નાની વાતોમાં પત્નીને મારતો હતો ( પ્રતીકાત્મક તસવીર).

સાસુ પરિણીતાને માતા-પિતા સામે ગંદી ગાળો બોલતાં
સાસુ અને સસરા પરિણીતાનાં માતા પિતાને ગંદી ગાળો બોલતા હતાં. પરિણીતા ગાળો બોલવાની ના પાડતી ત્યારે પતિ તેને માર મારતો હતો. પતિએ પરિણીતાને 2018માં ઘરમાંથી કાઢી મૂકતાં તે પિયરમાં રહેવા જતી રહી હતી. ત્યાર બાદ બંને પક્ષે સમજાવટ બાદ તે સાસરીમાં ફરીવાર રહેવા માટે આવી હતી. ત્યારે થોડા દિવસ સુધી સારી રીતે રાખીને ફરીવાર માનસિક ત્રાસ આપવાનું શરૂ કરવામાં આવ્યું હતું. પરિણીતા સંસાર બચાવવા મૂંગા મોઢે ત્રાસ સહન કરતી હતી.

કંટાળેલી પરિણીતાએ બાપુનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી ( ફાઈલ ફોટો)
કંટાળેલી પરિણીતાએ બાપુનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી ( ફાઈલ ફોટો)

પતિના આડાસંબંધોની મહિલાને જાણ થઈ
પરિણીતાને તેના પતિના બીજી કોઈ મહિલા સાથે આડાસંબંધો હોવાનું પરીણિતાને જાણવા મળ્યું હતું. જે બાબતે પરિણીતાએ પતિને સમજાવતા પતિ તેને માર મારતો હતો. તેણે કહ્યું કે તારી સાથે નથી રહેવું મને છૂટાછેડા આપી દે. એક વાર રસોડામાં પરિણીતા પૂરી તળતી હતી ત્યારે વાસણનો અવાજ આવતા ફરીવાર સાસુએ ઝગડો કરવાનો શરૂ કર્યો હતો. સાસુ પરિણીતાને કહેતી કે હું કહું એટલું જ કરવાનું. ત્યાર બાદ ઘરમાં ઝગડા વધી જતાં પરિણીતા પિયરમાં રહેવા જતી રહી હતી. તેણે બાપુનગર પોલીસ સ્ટેશનમાં પતિ તથા સાસરિયાં વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે.

(બાપુનગર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી ફરિયાદ મુજબ)

અન્ય સમાચારો પણ છે...