અમદાવાદ એરપોર્ટનો નવો રેકોર્ડ:દેશમાં સૌથી ઝડપી માત્ર 75 દિવસમાં 3.5 કિમીના રનવેનું કામકાજ પૂર્ણ કર્યાનો દાવો, 200 કિ.મીના રોડ જેટલો ડામર પથરાયો

અમદાવાદએક મહિનો પહેલા
  • દેશમાં સૌથી ઝડપી બ્રાઉન ફિલ્ડ રનવે તૈયાર કરાયો
  • રોજના 9 કલાક માટે રનવેના રીકાર્પેટીંગની કામગીરી કરાઈ
  • બાકીના 15 કલાક દરમિયાન સરેરાશ રોજની 160 ફ્લાઇટ્સ માટે રનવે ખુલ્લો રખાયો

અમદાવાદ એરપોર્ટના રન વેને અદ્યતન ટેકનોલોજી સાથે નવો રનવે બનાવવાની કામગીરી પૂર્ણ થઈ છે. સરદાર વલ્લભભાઇ પટેલ આંતરરાષ્ટ્રીય એરપોર્ટમાં સાડા ત્રણ કિ.મી.લાંબા રનવેના રીકાર્પેટીંગની કામગીરી માત્ર 75 દિવસના વિક્રમજનક ગાળામાં પૂર્ણ કરવામાં આવી છે. આ સમયગાળો ભારતના સમગ્ર બ્રાઉન ફિલ્ડ રનવેમાં સર્વશ્રેષ્ઠ છે. આ રનવે માટે 200 કિ.મી.ના રોડને લગોલગ જથ્થામાં ડામર પાથરવામાં આવ્યો છે જ્યારે 40 માળની ઇમારતમાં વપરાય તેટલી કોંક્રીટનો ડ્રેનેજ સિસ્ટમ માટે ઉપયોગ કરવામાં આવ્યો છે.

75 દિવસ, રોજ 9 કલાક રનવેનું કામ કરાયુું
અમદાવાદના સરદાર વલ્લભભાઇ પટેલ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર કોવિડના સમય પૂર્વે દરરોજની 200 ફ્લાઇટની અવરજવરથી ધમધમતું ગુજરાતનું સૌથી વ્યસ્ત એરપોર્ટ હતું. નિયત ફ્લાઇટ્સના સમયપત્રકને અસર કર્યા વિના રનવેના રીકાર્પેટીંગની કામગીરી ફક્ત નવ કલાક મુજબ કરાઈ હતી. આ પ્રોજેક્ટ પૂર્ણતાને આરે લઇ જવા માટે માત્ર 75 દિવસ કંપનીએ લીધા હતા. દિવસના બાકીના 15 કલાક દરમિયાન સરેરાશ રોજની 160 ફ્લાઇટ્સ માટે સરદાર વલ્લભભાઇ પટેલ આંતર રાષ્ટ્રીય એરપોર્ટ રનવે ખુલ્લો રાખવામાં આવ્યો હતો.

600 કર્મચારીઓની ટીમ જોડાઈ હતી
અગાઉ 10 નવેમ્બર 2021થી શરુ થયેલા આ પ્રોજેક્ટ માટે કામકાજના 200 દિવસમાં પૂરું કરવાનું આયોજન હતું. પરંતુ પ્રવાસીઓને હાલાકી ઓછી પડે તે બાબતને ટોચની અગ્રતા આપીને તેના 200 દિવસના લક્ષ્યને ઘટાડી સંસાધનોમાં ઉમેરો કરી અડધાથી પણ ઓછા દિવસમાં તેની કામગીરી પૂર્ણ કરાઈ. આ માટે 600 કર્મચારીઓની ટીમ અને 200 જેટલા અત્યાધુનિક સાધનોની મદદથી ફક્ત 75 દિવસમાં કામગીરી પૂર્ણ કરાઈ.

દેશના અન્ય એરપોર્ટ પાસે છે બ્રાઉન ફિલ્ડ એરપોર્ટ
અમદાવાદના સરદાર વલ્લભભાઇ પટેલ આંતર રાષ્ટ્રીય એરપોર્ટના રનવેના રીકાર્પેટીંગની વિક્રમરુપ કામગીરીનું અદકેરું મહત્વ એટલા માટે છે કે, ભારતના મુંબઇ, કોચી, નવી દિલ્હી, બેંગાલુરુ અને હૈદરાબાદ બ્રાઉન ફિલ્ડ એરપોર્ટ વધારાના રનવે હાથવગો હોવાથી તેઓ પાસે વધુ સમય ઉપલબ્ધ રહે છે.

2020માં અદાણી ગ્રુપે અરપોર્ટનું સંચાલન સંભાળ્યું હતું
અદાણી ગ્રુપે નવેમ્બર-2020માં એસવીપી આંતર રાષ્ટ્રીય એરપોર્ટનું સંચાલન સંભાળ્યું ત્યારે અદાણી એરપોર્ટ હોલ્ડીંગ લિ.ને રનવેની ગુણવત્તા ઉચ્ચ ધોરણને અનુરુપ નહીં હોવાનું તેમજ ડ્રેનેજ રનવેને અવરોધક હોવાનું ધ્યાનમાં આવ્યું હતું. રનવેના રીકાર્પેટીંગનો પ્રોજેકટ ઉદ્યોગોના ધોરણો અનુસાર ત્રણ કેલેન્ડર વર્ષમાં બે તબક્કામાં પૂર્ણ કરવાનો અંદાજ રાખવામાં આવ્યો હતો. પરંતુ કંપનીએ સમગ્ર કામગીરી શક્ય તેટલા ઓછા સમયમાં પૂરી કરવાનો પડકાર ઝીલી લીધો હતો.

લાઇટીંગ સિસ્ટમથી એરપોર્ટની શોભામાં વૃદ્ધિ કરી
વધુમાં એરપોર્ટ ખાતે અન્ય કામોનું અપગ્રેડેશન પણ પુરું કરવામાં આવ્યું છે. એરપોર્ટના રનવેથી લઇ ટેક્સી માર્ગોને સાંકળતી એરફિલ્ડ લાઇટીંગ સિસ્ટમનો ઝગમગાટ એક અલગ નજરાણું બનીને સરદાર વલ્લભભાઇ પટેલ આંતર રાષ્ટ્રીય એરપોર્ટની શોભામાં અભિવૃધ્ધિ કરે છે. આ લાઇટીંગ સમગ્ર જિલ્લાના 12થી 14 ગામોની વીજળી લાઇનની સમકક્ષ છે.

અન્ય સમાચારો પણ છે...