શતાબ્દી મહોત્સવ... ફેસ્ટિવલ ઓફ ઇન્સ્પિરેશન:દિલ્હીના અક્ષરધામ જેવું જ આબેહૂબ ધામ પ્રમુખસ્વામી નગરમાં, માત્ર એક જ વર્ષમાં ઊભું કરાયું આખું અક્ષરધામ

અમદાવાદ4 મહિનો પહેલાલેખક: મનોજ કે. કારીઆ
  • કૉપી લિંક

અમદાવાદના આંગણે પ્રમુખસ્વામી શતાબ્દી મહોત્સવની ભવ્યાતિભવ્ય ઉજવણી કરવામાં આવશે. તા. 15 ડિસેમ્બરથી 15 જાન્યુઆરી એટલે કે, એક મહિના સુધી પ્રમુખસ્વામી શતાબ્દી મહોત્સવની ભવ્ય ઉજવણી થશે. તેના માટે મહત્તમ તૈયારીઓ પૂર્ણ થઈ ગઈ છે. 600 એકરમાં યોજાનાર મહોત્સવ માટે પ્રમુખસ્વામી નગરની રચના કરવામાં આવી છે. આ નગરમાં અનેકવિધ જોવાલાયક પ્રદર્શનોથી માંડીને પ્રમુખસ્વામીની 30 ફૂટ ઊંચી મૂર્તિ તેમ જ દિલ્હી સ્થિત અક્ષરધામ જેવા જ આબેહૂબ અક્ષરધામની રચના કરવામાં આવી છે. દિલ્હી સ્થિત અક્ષરધામ 5 વર્ષમાં બન્યું હતું. પરંતુ અમદાવાદના આંગણે નિર્માણ પામેલા અક્ષરધામ માત્ર એક જ વર્ષના અથાગ પ્રયત્નોથી ઊભું કરવામાં આવ્યું છે. આ અક્ષરધામનો બેઇઝ નક્કર અને પાક્કો બનાવવામાં આવ્યો છે. આ ઉપરાંત તેમાં સ્ટીલની ફ્રેમ, લાકડાંનો તેમ જ પી.ઓ.પી.નો ઉપયોગ કરવામાં આવ્યો છે. માત્ર એક જ મહિનાના ટૂંકા સમયગાળા માટે બનાવવામાં આવેલ અક્ષરધામ દિલ્હીના અક્ષરધામ જેવું જ લાગે છે. તેનું ક્ષેત્રફળ મર્યાદિત હોવાથી વધુ લોકો ભેગાં થઇ જશે તો તેમને ક્રમવાર દર્શન કરવા પડશે. ક્રાઉડ કંટ્રોલીંગ માટે સ્વયંસેવકો તૈનાત રાખવામાં આવશે.

હજારો લોકો એકસાથે દર્શન કરી શકશે
બોચાસણવાસી અક્ષરપુરષોત્તમ સ્વામિનારાયણ સંસ્થાન (બી.એ.પી.એસ.)ના લેખક, વક્તા અને સ્વામિનારાયણ બ્લીઝ નામના અંગ્રેજી ભાષાના મુખપત્રના સંપાદક સાધુ વિવેકજીવન સ્વામીએ દિવ્ય ભાસ્કરને જણાવ્યું હતું કે, છેલ્લાં એક વર્ષથી આ નગરની રચના સ્વયંસેવકો તથા સંતો દ્વારા કરવામાં આવી છે. અક્ષરધામ તે ટેમ્પરરી સ્ટ્રકચર છે. તેમાં સ્ટીલ ફ્રેમ, લાકડું, પી.ઓ.પી. મટીરિયલનો ઉપયોગ કરવામાં આવ્યો છે. અક્ષરધામના પ્લેટફોર્મનું બેઇઝ સોલીડ છે. હજારો લોકો એકસાથે દર્શન સારી રીતે કરી શકશે. આ અક્ષરધામ ઊભું કરવામાં હજારો સ્વયંસેવકો તથા સંતોનો પુરુષાર્થ રહ્યો છે.

નગરમાં સનાતન ધર્મના અવતારોના થશે દર્શન
સાધુ વિવેકજીવન સ્વામીએ કહ્યું કે, આ અક્ષરધામમાં જે ગર્ભગુહ છે તેમાં કોઇ વિશેષ વિધિ રાખવામાં આવી નથી. પણ મુખ્ય દ્વાર છે તેની અંદર ભગવાન સ્વામિનારાયણ ઉપરાંત સનાતન ધર્મના જે અવતારો છે જેમ કે, રાધા-કુષ્ણ, સીયાવર રામ ચંદ્ર ભગવાન, શિવ -પાર્વતીજી છે. આ બધાં અવતારોના દર્શન અનેક ભાવિક ભક્તો કરી શકે તો તે મૂર્તિઓ પધરાવામાં આવશે. તેની વિધિ કરવામાં આવશે. આ અક્ષરધામ બાંધવામાં આવ્યું છે તેમાં સંતો અને સ્વયંસેવકોની ડિઝાઇન છે. જે પણ કાંઇ આયોજન કરવામાં આવ્યું છે તે પૂર્વે તેની તૈયારી કરવામાં આવી છે પછી આ રિકન્ટ્રકટ કરવામાં આવ્યું છે.

પ્રમુખસ્વામી મહારાજે દિલ્હી અક્ષરધામનું ઉદ્દઘાટન કર્યું
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, દિલ્હી અક્ષરધામની જમીન 2000ની સાલમાં મળી હતી. 2005માં પ્રમુખસ્વામી મહારાજે દિલ્હી અક્ષરધામનું ઉદ્દઘાટન કર્યું હતું. પાંચ વર્ષની અંદર નિર્માણ કરવામાં આવ્યું હતું. અહીંયા જે અક્ષરધામ જોઇએ છીએ તે પરમેનન્ટ જેવું લાગે છે. રીઅલ લાગે છે. કારણકે તેની ઊંચાઇ 67 ફૂટ છે. આપણને ખરેખર એવું લાગે કે રીઅલ અક્ષરધામ છે. દર્શન થાય છે. આપણે ખાસ સમજીએ કે આ ટેમ્પરરી અક્ષરધામ છે. એક મહિના માટે જ અક્ષરધામ છે. વર્ષ દરમિયાન આ અક્ષરધામની રચના કરવામાં આવી છે.

દિલ્હીના અક્ષરધામ જેવું જ આબેહૂબ અક્ષરધામ
દિલ્હી સ્થિત અક્ષરધામ અને અમદાવાદના આંગણે નિર્માણ પામેલા અક્ષરધારની સામ્યતા અંગે સાધુ વિવેકજીવન સ્વામીએ કહ્યું કે, બંનેની સામ્યતા એ છે કે બંનેના આકાર તેમ જ તેમાં જે મૂર્તિઓ પધરાવી છે તો એ જ પ્રકારના એકઝેટ અવતારો, મહાપુરુષો, આચાર્યો થઇ ગયા તેમની મૂર્તિઓ પધરાવવામાં આવી છે. આ અસલ દિલ્હીના અક્ષરધામ જેવું જ તૈયાર કરવામાં આવ્યું છે. વર્ષથી નગર તૈયાર કરી રહ્યાં છીએ. વર્ષમાં તેમાંય છેલ્લાં છ મહિનાની સખ્ત મહેનત છે. આ અક્ષરધામમાં સ્ટીલ ફ્રેમ, લાકડું, પીઓપી મુખ્યત્વે મટીરીયલ વાપર્યું છે. કારણ કે આ ટેમ્પરરી છે.

પાંચ વર્ષથી શતાબ્દી ઉત્સવ ઉજવી રહ્યાં છીએ
તેમણે વધુમાં જણાવ્યું કે, ઉત્સવો ચાલુ જ હોય છે. છેલ્લાં પાંચ વર્ષથી પ્રમુખસ્વામી મહારાજનો શતાબ્દી ઉત્સવ ઉજવી રહ્યાં છીએ. સુરત, રાજકોટ, આણંદ, મુંબઇની અંદર પણ ઉજવવામાં આવ્યો હતો. તો ઘણી બધી વસ્તુઓ જેમ કે ગેટ, પ્રદર્શનો હોય વગેરે મટીરિયલનો ફરીવાર ઉપયોગ અહીંયા પણ કરવામાં આવ્યો છે.

સ્વયંસેવકો દ્વારા ક્રાઉડ કંટ્રોલની વ્યવસ્થા
સાધુ વિવેકજીવન સ્વામીએ કહ્યું કે, જગ્યા મર્યાદિત હોવાના કારણે દર્શનાથીઓ માટે સ્વયંસેવકો દ્વારા ક્રાઉડ કંટ્રોલની વ્યવસ્થા રાખવામાં આવી છે. કારણ કે, ક્ષેત્રફળ અને જગ્યા મર્યાદિત છે. જેમ જેમ લોકો આવશે તેઓ સારી રીતે દર્શન કરી શકશે. બેઇઝ વર્ક સારી રીતે પાક્કુ કર્યું છે. પરંતુ જગ્યાના કારણે એકસાથે બધાં દર્શન ના કરી શકે. માટે તેમને ક્રમવાઇઝ મોકલવામાં આવશે. જેથી તેઓ સારી રીતે દર્શન કરી શકશે.

અન્ય સમાચારો પણ છે...