ભાસ્કર એક્સક્લૂઝિવ:હાથીજણ પાસે 701 વર્ષથી વધુ જૂનો વડલો, વડવાઈઓ પણ દોઢ વીઘામાં પથરાયેલી છે

અમદાવાદ23 દિવસ પહેલા
  • કૉપી લિંક

અમદાવાદનું સૌથી પ્રાચીન વૃક્ષ હાથીજણ પાસેના લાલગેબી આશ્રમ ખાતે આવેલું વડનું વૃક્ષ છે. લગભગ દોઢ વિઘામાં પ્રસરેલો આ વડ 701 વર્ષ અને 3 મહિના જૂનો હોવાનું સ્થાનિક નાગરિકોનું કહેવું છે. પુરાતત્ત્વ વિભાગના સૂત્રોએ પણ આ વડ 700થી વધુ વર્ષ જૂનો હોવાની વાત સ્વીકારી છે. વડની વડવાઇઓ પથરાઈ ગઈ છે. આને કારણે સમગ્ર વડલો એટલે ઘેઘૂર બની ગયો છે કે, વડનું અસલ થડ પણ શોધવું અશક્ય બની ગયું છે. હાથીજણના લાલગેબી આશ્રમ ખાતે આવેલું આ વૃક્ષ લાલ બાપુની ધાર્મિક પૂજા સાથે પણ સંકળાયેલું છે. ત્યારે અતિપ્રાચીન વડને સાચવવા માટે ખાસ કરીને જ્યાં વડવાઇઓ જમીનને અડે ત્યાં ખાડો કરીને તેના મૂળ આ ખાડામાં રોપી લેવામાં આવે છે જેથી આ વડવાઇઓ પણ થડ જેવી મજબૂત બની જતાં વડ આગળ વધે છે.

પર્યાવરણ જતનનું કોઈ પણ એક કાર્ય કરનારાને મ્યુનિ. સર્ટિફિકેટ આપશે
વિશ્વ પર્યાવરણ દિનના ઉપક્રમે 5મી જૂનથી એક સપ્તાહ માટે મ્યુનિ. ક્લાઇમેટ વોરિયર સ્પર્ધા શરૂ કરાઇ રહી છે. જેમાં પર્યાવરણ બચાવવા કોઈપણ વ્યક્તિએ પર્યાવરણ માટે કરેલી કામગીરીને મ્યુનિ.ના સોશિયલ મીડિયામાં ટેગ કરી હશે તો તેમાં પસંદ પામેલાને સર્ટિફિકેટ અપાશે.

મ્યુનિ.એ હાથ ધરેલા આ કેમ્પેઇનમાં પર્યાવરણ બચાવ માટે નાગરિકે કરેલી પ્રવૃત્તિની તસ્વીર સાથે તેમણે પર્યાવરણ બચાવવા માટે શું કર્યું? તેના અનુભવની લેખિત વિગત દર્શાવી આ સ્ટોરી તેમણે ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટ્રાગ્રામ પર મૂકવાની રહેશે. 5થી 12 જુલાઇ દરમિયાન કરેલી કામગીરી પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ ઉપરાંત મ્યુનિ.ના સોશિયલ મીડિયા એકાઉન્ટ જેવાં કે @Amdavadamc, @AMCommissioner, @SmartcityAHD,@CMOguj. પરે ટેગ કરવાનું રહેશે.દરરોજ એક શ્રેષ્ઠ કામગીરીને મ્યુનિ.ના વિવિધ એલઇડી સ્ક્રીન કે વીએમડી પર દર્શાવી સર્ટિફિકેટ અપાશે, જેથી પ્રોત્સાહન મળે. નાગરિકો પર્યાવરણ બચાવ માટે વૃક્ષારોપણ, સાકલિંગ, કાર પુલિંગ સહિતની અનેક પ્રવૃત્તિને પોતાની તસ્વીર અને સ્ટોરી સાથે સોશિયલ મીડિયા પર અપલોડ કરી શકશે.

અન્ય સમાચારો પણ છે...