રાજ્યમાં કોરોના ઓસરતાં જ સ્કૂલો શરૂ થઈ ગઈ છે. તે ઉપરાંત RTE દ્વારા પણ એડમિશન પ્રક્રિયા અંતર્ગત કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. એડમિશન બાબતે રજૂઆત કરવા ગયેલા એક વાલીએ શિક્ષણ અધિકારી હિતેન્દ્રસિંહ પઢેરિયા પર આક્ષેપ કર્યો છે કે, તેમણે કહ્યું તમારે અહીં નહીં આવવાનું તમારુ કામ નહીં થાય. તેમના આ જવાબ બાદ મળતાંની સાથે જ વાલી તેમની કચેરીમાંથી બહાર નીકળી ગયાં હતાં.
હવે વાલીઓ કોની પાસે મદદની અપેક્ષા રાખશે
આ અંગે વાલી પ્રતીક સોનીએ દિવ્યભાસ્કર સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે મારા ભત્રીજાના તમામ ડોક્યુમેન્ટ સાથે હું DEO હિતેન્દ્રસિંહ પઢેરિયાને એડમિશન રિજેક્ટ થવા માટે રજૂઆત કરવા ગયો હતો ત્યારે તેમની કચેરીમાંથી જ જવાબ આપવામાં આવ્યો કે તમારું કામ નહી થાય,તમારે અહીંયા નહીં આવવાનું. આ જવાબ મળતા હું પરત આવ્યો હતો. આ પ્રકારનું વર્તન વાલી સાથે કરવામાં આવે તો વાલી કોની પાસે મદદની અપેક્ષા રાખશે. આ બાબતે દિવ્યભાસ્કરે DEO હિતેન્દ્રસિંહ પઢેરિયાનો પણ સંપર્ક કરવાનો પ્રયત્ન કર્યો હતો પરંતુ તેમણે કોઈ જવાબ આપ્યો નહતો.
સ્કૂલોની ફરિયાદ લઈને વાલીઓ અધિકારી પાસે જાય છે
વાલીઓ સ્કૂલ તરફથી જવાબ ના મળે કે મનમાની કરવામાં આવે ત્યારે આશા સાથે DEO કચેરીએ પહોંચે છે. પરંતુ તેમને ધક્કા ખાવા છતાં પણ કોઈ જવાબ મળતો નથી અને જવાબ મળે તો આ પ્રકારનો જવાબ મળે છે. જેથી વાલીઓ નિરાશ થઈને પરત ફરે છે ત્યારે શિક્ષણ વિભાવના જ અધિકારી શિક્ષણ મંત્રી જેવો વટ રાખીને સુવિધાયુક્ત કચેરીમાં બેસે છે. ત્યારે વાલીઓમાં પણ એવું કહી રહ્યાં છે કે સરકારની સાથે હવે અધિકારીઓ પણ શાળા સંચાલકોના ખોળામાં બેસી ગયાં છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.