કેન્દ્ર સરકારના જલ મંત્રાલય દ્વારા જાહેર કરેલા આંકડાઓમાં પણ ગુજરાતની સરકારી સ્કૂલોમાં પાયાની સુવિધાનો અભાવ હોવાનું બહાર આવ્યું છે. સ્કૂલોનાં બાળકોને નળથી અપાતા પીવાના પાણીની સુવિધામાં ગુજરાતની સ્થિતિ દિલ્હી, જમ્મુ- કાશ્મીર સહિત 12 રાજ્ય - કેન્દ્ર શાસિત પ્રદેશોની સરકારી સ્કૂલો કરતાં પણ નબળી રહી છે.
જલશક્તિ મંત્રાલયે ‘નેશનલ જલ જીવન મિશન - હર ઘર જલ’ મિશન અંતર્ગત દરેક સરકારી સ્કૂલમાં નળથી પાણીની સુવિધા વધારવા અને ટોઇલેટમાં પણ નળથી પાણીની સુવિધા વધારવા અંગે માર્ગદર્શિકાનું પાલન કરવા જણાવાયું છે. રાજ્યોને કરેલા પરિપત્રમાં દેશનાં તમામ રાજ્યોની સરકારી સ્કૂલોના વિદ્યાર્થીઓને નળથી અપાતા પીવાના પાણી અને ટોઇલેટમાં નળથી અપાતી પાણીની સુવિધાના આંકડા મોકલ્યા છે.
રાજ્યોને મોકલાયેલા આંકડા જલશક્તિ મંત્રાલયે 2020-21ની સ્થિતિ હોવાનું જણાવ્યું છે. એ પ્રમાણે ગુજરાતની 78.1 % સરકારી સ્કૂલોમાં વિદ્યાર્થીઓ માટે પીવાનું પાણી નળથી અપાય છે, જ્યારે કે 21.9 % સરકારી સ્કૂલોમાં પીવાનું પાણી નળથી અપાતું નથી.
આ ઉપરાંત રાજ્યની માત્ર 37.1 % સરકારી સ્કૂલોનાં ટોઇલેટમાં જ નળના પાણીની સુવિધા છે, જ્યારે કે 62.9 % સરકારી સ્કૂલોનાં ટોઇલેટમાં નળથી પાણીની સુવિધા નથી. જો સ્કૂલોના આંકડા પર નજર કરીએ તો રાજ્યની કુલ 34,967 સરકારી સ્કૂલોમાંથી 27,315 સ્કૂલમાં પીવાનું પાણી નળથી અપાય છે, જ્યારે કે 7,652 સ્કૂલમાં અપાતું નથી. ઉપરાંત 12,966 સ્કૂલનાં ટોઇલેટમાં નળથી પાણીની સુવિધા છે, જ્યારે કે 22,001 સ્કૂલનાં ટોઇલેટમાં પાણીની સુવિધા નથી.
ચોટીલાથી ગ્રાઉન્ડ રિપોર્ટઃ બાળકો ઘરેથી પાણી ભરી લાવે, ખાલી થાય તો ફરી ઘરે દોડવું પડે
ચોટીલા વિદ્યાર્થીઓ એક-બે પુસ્તક લીધા વિના શાળાએ જાય તો ચાલે, પરંતુ ઘરેથી પાણીની બોટલ ન લઈ જાય તો આખો દિવસ તરસ્યા રહેવું પડે અને ઘરેથી ભરી લાવેલી બોટલ જો ખાલી થાય તો ફરી ઘરે દોડવું પડે એવી સ્થિતિ છે. ચોટીલા તાલુકાની 38 પ્રાથમિક શાળામાં ભરઉનાળે પાણીની અછતની આ સ્થિતિ છે. કુલ 132 સરકારી પ્રાથમિક શાળામાંથી 38 શાળાના 4000થી વધુ વિદ્યાર્થીઓ માટે ત્યાં પીવાના પાણીની વ્યવસ્થા જ નથી. અનેક શાળાઓમાં જૂના બોર બુરાઈ ગયા છે, કેટલીક શાળાઓ નર્મદાની લાઇનનું કનેક્શન છે, પણ અનિયમિતતાને કારણે પાણીનો પ્રશ્ન ઉદ્ભવે છે, કેટલાંક ગામોમાં પાણી પહોંચતું જ નથી, જ્યાં સૌથી વિકટ સમસ્યા છે.
રાજ્યોની સ્કૂલોમાં નળથી પીવાના પાણીની સ્થિતિ
રાજ્ય | નળથી પીવાનું પાણી મેળવતી સ્કૂલો |
ગુજરાત | 78.1 % |
દિલ્હી | 100 % |
આંધ્રપ્રદેશ | 84.3 % |
હરિયાણા | 80.8 % |
હિમાચલ પ્રદેશ | 97.5 % |
સ્કૂલનાં ટોઈલેટમાં નળથી પાણીની સુવિધાની સ્થિતિ
રાજ્ય | નળથી ટોઇલેટમાં પાણી |
ગુજરાત | 37.1 % |
દિલ્હી | 98.1 % |
પંજાબ | 99.00 % |
હરિયાણા | 51.6 % |
કેરળ | 62.3 % |
તામિલનાડુ | 45.6 % |
એક્સપર્ટ: સ્કૂલ મેનેજમેન્ટ કમિટીને પાવર આપવા પડશે
સરકારી સ્કૂલોના વિકાસ માટે સ્કૂલ મેનેજમેન્ટ કમિટીને પાવર આપવા પડશે. જ્યાં સુધી ગ્રાઉન્ડથી કામ નહીં થાય ત્યાં સુધી યોગ્ય પરિણામ મળશે નહીં.?> સુખદેવ પટેલ, શિક્ષણવિદ
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.