સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે આવતાં દર્દીને સગાં પોતાની કાર પાર્ક કરીને પાછા ન આવે ત્યાં સુધી ઓપીડી બિલ્ડિંગની બહાર બેસી રહેવું પડે છે. હવે દર્દી અને તેની સાથે આવેલા લોકોને રાહ ન જોવી પડે તે માટે ઓપીડી બહારના અસ્મિતા ભવન પાસે સવારે 8.30થી સાંજના 4.30 દરમિયાન વેલે પાર્કિંગની સુવિધા ઊભી કરાઇ છે. જેમાં મુલાકાતીએ પોતાની કાર ડ્રાઈવરને આપવાની રહેશે અને તેઓ પાર્ક કરી આવશે તેવી જ રીતે જ્યારે તેઓ પરત આવશે ત્યારે તેઓ જ પાછી લાવી આપશે.
સિવિલ હોસ્પિટલ સુપરીટેન્ડેન્ટ ડો. રાકેશ જોષીએ જણાવ્યું હતું કે, પાર્કિંગ માટે દર્દીને ઓપીડી બિલ્ડીંગની બહાર બેસી રહેવું પડે છે, કેટલીકવાર ડોકટર નીકળી જતાં ધક્કો ખાવો પડે છે. આ તમામ તકલીફોને ધ્યાનમાં રાખીને ઓપીડી બિલ્ડિંગની બહાર વેલે પાર્કિંગની સુવિધા શરૂ કરી છે. આગામી દિવસોમાં ટ્રોમા સેન્ટર ખાતે પણ આ સુવિધા શરૂ કરવામાં આવશે.
વેલે પાર્કિગ માટે 4 ડ્રાઈવરની નિમણૂંક
વેલેટ પાર્કિગની સુવિધા માટે પ્રાથમિક તબક્કે 4 ડ્રાઇવરની નિમણૂંક કરાઇ છે, પણ જરૂર જણાતાં ડ્રાઈવરની સંખ્યા વધારવામાં આવશે. વેલેટ પાર્કિંગ પાસે વ્હીલચેર અને ટ્રોલીની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. જેથી દર્દીને લઇને આવતાં સગા વેલેટ પાર્કિગમાં કાર આપીને દર્દીને કારમાંથી ઉતારીને વ્હીલચેર કે ટ્રોલીમાં બેસાડીને ઓપીડીમાં લઇ જઈ શકશે.
ડ્રાઈવર કાર લઇ જશે અને પરત લાવશે
વેલેટ પાર્કિગ માટે આવતી કાર માટે હાલમાં પ્રાયોગિક ધોરણે હોસ્પિટલ કેમ્પસના જીરો બ્લોકના ખાલી પ્લોટમાં પાર્કિગની વ્યવસ્થા કરવામાં આવી છે. તેમજ જરૂર લાગશે તો 1200 બેડ હોસ્પિટલના પાર્કિગમાં વ્યવસ્થા કરાશે. તેમજ કારમાં રહેલી કિંમતી અને મહત્વની વસ્તુ સગાએ જાતે લઇ લેવાની જવાબદારી સગાની રહેશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.