અમદાવાદ ક્રાઇમ ન્યૂઝ:ધાક ધમકી આપી સ્કૂલમાં ભણતી સગીરા સાથે કૌટુંબિક મામાનું દુષ્કર્મ, જુહાપુરામાં 8 વર્ષની બાળકીની છેડતી

અમદાવાદ21 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર. - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર.

અમદાવાદ શહેરના ગોમતીપુરમાં રહેતી સગીરાએ અમરાઈવાડીમાં રહેતા વિશાલ ગુપ્તા સામે ગોમતીપુર પોલીસ સ્ટેશનમાં દુષ્કર્મની પોલીસ ફરિયાદ નોંધાવી છે. આ પોલીસ ફરિયાદ મુજબ, આરોપી ધાકધમકી આપીને મોબાઈલ નંબર પર વાતચીત કરતો હતો. તેમજ અવરનવાર સ્કૂલ અને ઘરેથી અમરાઈવાડી લઇ જઈ લગ્નની લાલચ આપી શારીરિક સંબંધ બાંધ્યા હતા. જ્યારે જુહાપુરામાં એક બાળકીની છેડતીની ઘટના સામે આવી છે.

આરોપી અવાર નવાર સગીરાના ઘરે આવતો
સગીરાની પોલીસ ફરિયાદ મુજબ, તેનું મૂળ વતન ઉતરપ્રદેશ છે અને ગોમતીપુરમાં માતા-પિતા સાથે રહે છે અને ગોમતીપુરની સ્કૂલમાં 12માં ધોરણમાં અભ્યાસ અને સીવણ કલાસ પણ કરે છે. હાટકેશ્વરમાં રહેતા વિશાલ ગુપ્તા સગીરાનાં મામા થાય છે, જેના કારણે અમરાઈવાડીમાં રહેતા એક સંબંધીને ત્યાં બને મળ્યા હતા અને વિશાલે 2 વર્ષ પહેલા પ્રપોઝ કર્યું હતું. પરંતુ સગીરાએ મનાઈ કરી હતી. જોકે ત્યાર બાદ વિશાલ ધાકધમકી આપી સગીરા સાથે ફોનમાં વાતચીત કરતો અને અવરનવાર તેના ઘરે આવતો હતો.

આરોપીએ પ્રપોઝ કર્યું હતું પણ સગીરાએ ઇન્કાર કર્યો
2 વર્ષ પહેલા વિશાલ ગુપ્તા સગીરાના ઘરે આવ્યો હતો અને સ્કૂલે ઉભા રહેવાનું કહીને નીકળી ગયો હતો. ત્યાર બાદ સગીરા સ્કૂલે ગઈ તે વખતે વિશાલ તેને બાઈકમાં બેસાડીને તેના ઘરે અમરાઈવાડી લઇ ગયો હતો. જ્યાં સગીરા સાથે લગ્ન કરવાનું કહી શરીર સંબંધ બાંધ્યા હતા. ત્યાર બાદ પાછો સ્કૂલે મૂકી ગયો હતો. આરોપી વિશાલ અવારનવાર તેના ઘરે આવવા સગીરા પર દબાણ કરતો હતો. જો સગીરા મનાઈ કરે તો તેના પિતા અને ભાઈને મારી નાંખવાની ધમકી આપી સ્કૂલ અને સીવણ ક્લાસ સામેથી બાઈક પર લઇ જઈ શારીરિક સંબંધ બાંધ્યા હતા. સગીરાએ આ અંગે સમગ્ર બાબતની જાણ તેના ભાઈને કરી હતી અને ત્યારબાદ સગીરાએ ગોમતીપુર પોલીસ સ્ટેશનમાં આરોપી વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે.

જુહાપુરામાં બાળકીની છેડતી
શહેરના જુહાપુરામાં 8 વર્ષની બાળકીની છેડતી કરવી યુવકને ભારે પડી છે. વેજલપુર પોલીસે પોક્સો એક્ટ હેઠળ ગુનો નોંધીને તપાસ શરૂ કરી હતી. ત્યાર બાદ છેડતી કરનાર આરોપી અઝહર આલમને પકડી જેલ હવાલે કર્યો છે.

આરોપી મૂળ બિહારનો, હોટલમાં કરે છે કામ
બિહારનો અઝહર શહેરની અલગ અલગ હોટલમાં કામ કરીને ગુજરાન ચલાવે છે. પરંતુ તેની એક ભૂલે તેને જેલના સળિયા ગણતો કરી દીધો છે. બાળકી જ્યારે તેના ઘરેથી સાંજના સમયે ઘરની સામે આવેલી દુકાને બિસ્કિટ લેવા જતી હતી ત્યારે ત્યાં બેઠેલા અઝહર આલમે શરીરે હાથ ફેરવી છેડતી કરી હતી. આ અંગે બાળકીએ માતાને વાત કરતા તેમણે વેજલપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

સરદારપુરામાં નકલી પોલીસ બની ફરતો શખ્સ ઝડપાયો
અમદાવાદ શહેરના સરદારનગરમાં આવેલી એક સોસાયટીની બહાર એક શંકાસ્પદ યુવકને મહિલાએ રોકી પૂછપરછ કરતા તેણે પોલીસ તરીકે ઓળખ આપી હતી. જોકે મહિલાને શંકા જતા તેણે પોલીસ કંટ્રોલમાં મેસેજ કરતા જ અસલી પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. અસલી પોલીસ પહોંચતા નકલી પોલીસનો ભાંડો ફૂટી ગયો હતો અને આરોપીને ઝડપી લેવામાં આવ્યો હતો.

નરોડા પોલીસ સ્ટેશનના કોન્સ્ટેબલ તરીકે ઓળખ આપી
સરદારનગર ક્રિષ્ના એવન્યૂ એપાર્ટમેન્ટ બહાર 25 જુલાઈએ અનિતાબેન ઉભા હતા, ત્યારે અજાણ્યો વ્યક્તિ તેમના ફ્લેટની બહાર આંટાફેરા મારતો હતો. જેથી ફરિયાદીએ સિક્યુરિટી ગાર્ડને આ શખ્સ કોણ છે, તે પૂછવા માટે મોકલતા પ્રકાશ વાઘેલા નામના શખ્સે પોતે નરોડા પોલીસ સ્ટેશનમાં કોન્સ્ટેબલ હોવાનું કહી ગુનાના કામે અહીં આવ્યો હોવાનું જણાવ્યું હતું. ઘણો સમય વીતી ગયો હોવા છતાં પણ પ્રકાશ ત્યાં જ ઉભો રહેતા મહિલા પોતાના સંબંધીને લઈને આરોપી પાસે પહોંચી હતી અને તેનું આઈકાર્ડ માંગતા આરોપીએ ગુજરાત પોલીસનું આઈકાર્ડ બતાવ્યું હતું. જોકે આઈકાર્ડ નકલી લાગતા અનિતાબેને ફોટો પાડીને પોલીસને જાણ કરી હતી.

સ્ત્રી મિત્ર માટે આવ્યો હોવાની આશંકા
ત્યાર બાદ અસલી પોલીસે તપાસ કરતા નકલી પોલીસ બનેલા પ્રકાશ વાઘેલાનો ભાંડો ફૂટ્યો હતો. આરોપીની પૂછપરછ કરતાં સામે આવ્યું હતું કે તે સાબરમતી વિસ્તારમાં રહે છે અને ડ્રાઇવિંગનું કામ કરે છે. ઘટનાના દિવસે તે એક પેસેન્જરને આ વિસ્તારમાં ઉતારવા આવ્યો હતો. ત્યાર બાદ કુબેરનગર પાસેના ફ્લેટ બહાર આંટાફેરા મારતા ઝડપાઈ ગયો હતો. પોલીસનું અનુમાન છે કે ફરિયાદી મહિલાના ફ્લેટમાં આરોપીની કોઈ સ્ત્રી મિત્ર રહેતી હોવાથી તેને મળવા માટે આ આરોપી ત્યાં આવ્યો હતો. જોકે ખરેખર કયા કામથી આરોપી ત્યાં આવ્યો હતો તે દિશામાં પોલીસે તપાસ હાથ ધરી છે.​​​​​​

વ્યાજખોરોનો ત્રાસથી યુવકનો આપઘાત
અમદાવાદ જિલ્લાના એક યુવકે વ્યાજખોરો પાસેથી 2 લાખ ઉછીના લીધા હતા જેની સામે 18 લાખ વ્યાજખોરોને ચૂકવ્યા છતાં વ્યાજખોરોનો ત્રાસ યથાવત હતો. આથી કંટાળીને યુવકે સ્યુસાઇડ નોટ લખીને આપઘાત કરી લીધો છે, આ મામલે અસલાલી પોલીસે ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે. રાજુ બેલદારે બે વ્યાજખોરો પાસેથી 2 લાખ રૂપિયા વ્યાજે લીધા હતા, તેની સામે 18 લાખ ચૂકવ્યા હોવા છતાં તેને શાંતિ નહીં પરંતુ મોત મળ્યું છે. વ્યાજખોરો ગમે તે સમયે મૃતકના ઘરે જઇ ધમકી આપતા હતા. આ ધમકીના ત્રાસથી કંટાળી યુવકે ગઈકાલે ઝેરી દવા ગટગટાવી આત્મહત્યા કરી લીધી હતી.

સ્યુસાઇડ નોટમાં ચિરાગ અને ગૌરાંગ નામના વ્યાજખોરોનો ઉલ્લેખ
જોકે યુવકે પોતાની સ્યુસાઇડ નોટમાં અને વીડિયોમાં ચિરાગ સાગર અને ગૌરાંગ ઉર્ફે મેલ્યો પટેલ નામના બે વ્યાજખોરના ત્રાસ વિશે ઉલ્લેખ કર્યો છે. ઓડિયો ક્લિપ વ્યાજખોરોએ મૃતકના મોબાઇલ પર મોકલી હતી. આથી યુવકે વ્યાજખોરોના ત્રાસથી કંટાળી દવા ગટગટાવી હતી અને જીવન-મરણ વચ્ચે ઝોલા ખાઇ રહ્યો હતો. વ્યાજખોરો ધમકી આપતા હતા. આથી અસલાલી પોલીસે આ અંગે આત્મહત્યા માટે દુષ્પ્રેરણાની કલમો ઉમેરી કાર્યવાહી શરૂ કરી છે. મૃતકના પરિવાર દ્વારા પોલીસને મૃતકનો વીડિયો, સ્યુસાઇડ નોટ તથા ધમકી આપતી ઓડિયો પોલીસને સોંપી છે, આથી પોલીસે પરિવારના નિવેદનના આધારે બન્ને વ્યાજખોર વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે.

એક તરફી પ્રેમમાં યુવતીનું ફેક ID બનાવી બદનામ કરનાર પ્રેમી ઝડપાયો
​​​​​​​
અમદાવાદમાં એક યુવતીનું તેના જ મિત્રએ એક તરફી પ્રેમમાં ફેક ID બનાવ્યુ હતું. જેમાં યુવતીની બદનામી થાય તેવા મેસેજ મૂક્યા હતા. જેને લઈને પોલીસે તપાસ કરતા યુવતીના જ એક મિત્રએ એક તરફી પ્રેમમાં યુવતીના નામનું ફેક ID બનાવ્યું હોવાનું સામે આવ્યા હતું. સાયબર ક્રાઈમે આરોપીની ધરપકડ કરી છે.

દીપ કંસારાએ ફેક ID બનાવ્યું હતું
અમદાવાદમાં રહેતી યુવતીના પિતાએ ફરિયાદ નોંધાવી હતી કે, કોઈ અજાણ્યા શખસે તેમની દીકરીનું નામનું ફેક ઇન્સ્ટાગ્રામ ID બનાવી બદનામી થાય તેવા મેસેજ કર્યા હતા. આ મામલે સાયબર ક્રાઈમે તપાસ કરતા દીપ કંસારાએ ID બનાવ્યું હોવાનું સામે આવતા દીપની ધરપકડ કરી હતી. આરોપીની પૂછપરછ કરતા જાણવા મળ્યું હતું કે, આરોપીને અગાઉ યુવતી સાથે મિત્રતા હતી જે બાદ યુવતીને એક તરફી પ્રેમ કરવા લાગ્યો હતો. જેની યુવતીને જાણ થતાં યુવતીએ મિત્રતા પણ તોડી દીધી હતી. આથી દીપે બદનામી કરવા યુવતીનું ફેક ID બનાવ્યું હતું. સાયબર ક્રાઈમે આરોપીની ધરપકડ કરીને વધુ તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...