અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત AMTS બસના ડ્રાઇવર દ્વારા દારૂ પી અને બસ ચલાવવા માં આવી હોવાના કિસ્સા બાદ આજે અમદાવાદ મ્યુનિસિપલ ટ્રાન્સપોર્ટ સર્વિસ (AMTS) દ્વારા બસના ડ્રાઇવરોનું બ્રેક એનેલાઇઝર દ્વારા ચેકિંગ કરવામાં આવ્યું હતું. શુક્રવારે આદિનાથનગરથી ઘુમા ગામની 49 નંબરની બસના ડ્રાઇવર દ્વારા દારૂ પીને બસ ચલાવવાના કિસ્સામાં ડ્રાઇવર ચાલુ ફરજ દરમિયાન આસ્ટોડિયા નજીક બસને ઉભી રાખી દારૂ પીવા ગયો હતો, ત્યારબાદ તેણે બસ ચલાવી હતી. થોડા આગળ જમાલપુર સુધી પહોંચતા જ લોકોને ખબર પડી ગઈ હતી કે, ડ્રાઇવર દારૂ પીધેલી હાલતમાં બસ ચલાવે છે. જેથી બસને ઉભી રખાવી અને વીડિયો ઉતારી સોશિયલ મીડિયામાં વાઈરલ કરવામાં આવ્યો હતો.
એક બસનો ડ્રાઈવર કેફી પીણું પીધેલો જણાતા તપાસ
બસના ડ્રાઇવરો દ્વારા આ રીતે દારૂ પી અને બસ ચલાવવામાં આવતી હોવાના કિસ્સાને લઈ આજે સવારથી બસના ડ્રાઇવરોનું ચેકિંગ કરવામાં આવ્યું હતું. સારંગપુર બસ ટર્મિનસ પર જ્યારે આજે સવારે બસ ડ્રાઇવરો હાજર થયા હતા, ત્યારે તમામનું બ્રેક એનલાઈઝર વડે ચેકિંગ કરવામાં આવ્યું હતું. ત્યારબાદ લાઇસન્સ ચેક કરવામાં આવ્યું હતું અને ત્યારબાદ જ તેઓને અલગ અલગ જગ્યાએ ટ્રીપ માટે મોકલવામાં આવ્યા હતા. ચાલુ ફરજ દરમિયાન કોઈપણ બસના ડ્રાઇવરને રૂટ પર ક્યાંય પણ બસ ઊભી રાખી ન જવા માટે પણ સૂચના આપી દેવામાં આવી છે. ખાનગી ઓપરેટરોને પણ પોતાના ડ્રાઇવર આ રીતે કેફી પીણું પી અને જો વાહન ચલાવશે તો તેઓ અને ડ્રાઈવર સામે કડક કાર્યવાહી કરાવશે તેવી પણ જાણ કરવામાં આવી છે.
વીડિયો વાઈરલ થતાં કેફી પીણું પીને બસ ચલાવ્યાનું સામે આવ્યું
સોશિયલ મીડિયામાં શુક્રવારે એક વીડિયો વાઈરલ થયો હતો. જેમાં AMTSની 49 નંબરની આદિનાથનગરથી ઘુમા ગામ રૂટની ABP 8 નંબરની બસનો ડ્રાઇવર 50 થી 60 જેટલા પેસેન્જર ભરેલી બસ લઈને નીકળ્યો હતો અને ડ્રાઇવર દારૂ પીધેલી હાલતમાં હતો. જમાલપુર ઊંટવાળી ચાલી નજીક સીએનજી પંપ પાસે જ્યારે બસ પહોંચી ત્યારે લોકોને ખબર પડી હતી કે ડ્રાઇવર દારૂ પીધેલી હાલતમાં છે. જેથી બસ ત્યાં જ રોકાવી દેવામાં આવી હતી. લોકોએ આ બાબતનો વીડિયો ઉતારીને સોશિયલ મીડિયામાં વાઈરલ કર્યો હતો કે, AMTS બસના ડ્રાઇવર દારૂ પી અને બસ ચલાવે છે. જેથી આવા વ્યક્તિને નોકરીમાંથી બરખાસ્ત કરવા માટે જનકભાઈને વિનંતી કરવામાં આવે છે તેમ જણાવ્યું હતું.
બસ ઓપરેટરને હેવી પેનલ્ટી સહિતની કાર્યવાહી
ટ્રાન્સપોર્ટ મેનેજર આર એલ પાંડેએ જણાવ્યું હતું કે, રૂટ નં 49 બસ નં ABP. 8ના પ્રાઈવેટ ડ્રાઈવર અંકિત કુમાર અશોક કુમાર ઉપાધ્યાય બેઝ નં 0057 ચાલુ ફરજે નશાકારક હાલતમાં ડ્રાઈવિંગ કરતા પકડાયા હતા. તેઓની ઉપર કાયદેસર પોલીસ ફરિયાદની કાર્યવાહી ચાલી રહી છે. આ બસના પ્રાઈવેટ ઓપરેટરને હેવી પેનલ્ટી કરાશે. તેમજ ઉપરોક્ત પ્રાઈવેટ ડ્રાઈવરને કાયમી ધોરણે ફરજ પરથી મોકૂફ કરવાની કાર્યવાહી ચાલુ છે. આદિનાથ બલ્ક કેરિયર પ્રાઇવેટ લિમિટેડ નામના ખાનગી ઓપરેટરની આ બસનો ડ્રાઇવર હતો.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.