અમદાવાદ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ (AMC સ્કૂલ બોર્ડ)નું વર્ષ 2023-24નું ડ્રાફ્ટ બજેટ રૂપિયા1,067 કરોડનું આજે શાસન અધિકારી ડો. લગધીર દેસાઈ દ્વારા રજૂ કરવામાં આવ્યું હતું. જેમાં શાળાઓના નવીનીકરણ, કન્યા કેળવણી, મિશન સ્કૂલ ઓફ એક્સલન્સ, પ્રયોગશાળા, ફાયર સેફ્ટી વગેરે પર ભાર મૂકવામાં આવ્યો છે. શાળાઓની નવીનીકરણ અને માળખાકીય સુવિધા પાછળ સૌથી વધારે 23 કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવશે. જ્યારે કન્યા કેળવણી અને મ્યુનિસિપલ સ્કૂલમાં વધુમાં વધુ બાળકો પ્રવેશ મેળવે તેના માટે 22 કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવશે. જ્યારે શાળાઓનું અપગ્રેડેશન અને ડિજિટલ કરવા પાછળ પણ 20 કરોડનો ખર્ચ કરવામાં આવશે.
આ વર્ષનો બજેટનો મંત્ર એકેડમી સ્ટ્રેનથ: ડો. લગધીર દેસાઈ
શાસનાધિકારી ડો. લગધીર દેસાઈએ મ્યુનિસિપલ સ્કૂલ બોર્ડની આજે મળેલી સામાન્ય સભામાં આ બજેટ શિક્ષણ સમિતિના ચેરમેન સુજય મહેતા અને વાઇસ ચેરમેન વિપુલ સેવક સહિત સભ્યોની હાજરીમાં રજૂ કર્યું હતું. આ અંગે ડો. લગધીર દેસાઈએ જણાવ્યું હતું કે, આ વર્ષનો બજેટનો મંત્ર એકેડમી સ્ટ્રેનથ છે. મિશન સ્કૂલ ઓફ એક્સલન્સ માટે પણ સરકારે પસંદ કરી છે. દરેક શાળા સારુ પરફોર્મન્સ કરે તેવું સમિતિનું આયોજન છે. કોરોના કાળમાં બે વર્ષ લર્નિંગ લોસ સામે 90 ટકા બાળકો વાંચન લેખનના ફ્લોમાં આવી ગયા છે. સિગ્નલ સ્કૂલની 12 બસો બાળકોના અભ્યાસ માટે ઉભી રાખવામાં આવે છે. તેમજ સુપોષણ અભિયાનમાં પ્રોટીન, વિટામિન સરકારી યોજનાઓ મુજબ આપવામાં આવે છે.
માળખાકીય સુવિધાઓ પાછળ રૂ.574 કરોડ ખર્ચ થશે
પ્રાયમરી એજયુકેશના નવર્ષ 2023-24ના ડ્રાફ્ટ બજેટમાં રૂપિયા 1,067 કરોડમાં રૂપિયા 736.27 કરોડ સરકારી ગ્રાન્ટ અને રૂપિયા 330.73 કરોડ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ગ્રાન્ટ મળશે. જે પૈકી 88.74 ટકા એટલે કે રૂપિયા 946.83 કરોડ જેટલી રકમ પગાર અને પેન્શન પાછળ ખર્ચ થશે. જ્યારે શૈક્ષણિક અને શિક્ષકોને લગતી પ્રવૃત્તિઓ માટે 5.88 ટકા એટલે કે રૂપિયા 627 કરોડ અને શાળા અને માળખાકીય સુવિધાઓ પાછળ રૂપિયા 57.4 કરોડ ખર્ચ થશે. મ્યુનિસિપલ સ્કૂલ બોર્ડમાં હાલમાં 469 જેટલી શાળાઓ પાંચ માધ્યમ કાર્યરત છે, જેમાં 1,66,958 વિદ્યાર્થીઓને 4,105 શિક્ષકો દ્વારા શિક્ષણ આપવામાં આવે છે.
ધો. 6થી 8ના વિદ્યાર્થીઓ માટે પ્રિ-વોકેશનલ તાલિમ
બાળકોમાં ભાર વિનાના ભણતરને ધ્યાનમાં રાખી અને શાળામાં બેગલેસ(બેગ વિનાના) હોય, તેના ભાગ રૂપે આ વર્ષ પ્રારંભિક તબક્કે રાજ્ય સરકાર દ્વારા (1) ગ્યાસપુર ભાઠા અને (2) ચાંદલોડિયા પ્રાથમિક શાળાના ધોરણ 6થી 8ના વિદ્યાર્થીઓ માટે પ્રિ-વોકેશનલ તાલિમ શરૂ કરવામાં આવશે. આ પ્રિ-વોકેશનલ તાલિમ માટે થનારા ખર્ચના નાણાં શાળાઓમાં સર્વ શિક્ષા અભિયાન ગાંધીનગર દ્વારા રૂપિયા12,000 સીધા જ શાળાઓના ખાતામાં જમા કરવામાં આવશે.
બે વર્ષથી કોરોનાના કારણે લર્નિંગમાં લોસ
વધુમાં તેમણે જણાવ્યું હતું કે, સિગનલ સ્કૂલના બાળકોને ગુણવત્તાલક્ષી શિક્ષણ સાથે સાથે ધોરણ 8 પાસ કરે તે પહેલાં સ્કિલ ડેવલોપમેન્ટ એટલે કે જીવન ઉપયોગી વ્યવસાયલક્ષી શિક્ષણ મેળવે તે માટે ‘અનંત નેશનલ યુનિવર્સિટી’ સાથે સંકલન કરીને વિશિષ્ટ પ્રકારના તાલીમ વર્ગોનું આયોજન કરવામાં આવશે. છેલ્લા બે વર્ષથી કોરોનાના કારણે લર્નિંગ લોસ હતો, તેવા બાળકો માટે ચાલુ શૈક્ષણિક સત્રથી 59,334 જેટલા બાળકો તૈયાર કરવાના ભાગરૂપે સ્કૂલ બોર્ડ દ્વારા એફ.એન.એલ. (ફાઉન્ડેશનલ લીટરેસી એન્ડ ન્યુમરસી) કાર્યક્રમનો અસરકારક અમલીકરણ કરી મ્યુનિસિપલ સ્કૂલ બોર્ડના બાળકો શૈક્ષણિક ઉપલબ્ધિઓ પ્રાપ્ત કરે તે માટેના પ્રયત્નો હાથ ધરવામાં આવ્યા હતા. જેથી 42,000 જેટલા બાળકોને ટીમ સ્કૂલબોર્ડના સહિયારા પ્રયત્નોથી એફ.એલ.એન. મુકત કરવામાં આવ્યા છે. બાકી રહેલા 17,334 જેટલા સ્લોલર્નર બાળકો માટે તેમજ અપગ્રેડ થયેલ બાળકોની શૈક્ષણિક સજ્જતા જળવાઈ રહે તેમજ તેમાં ઉત્તરોત્તર વધારો થાય તે માટે આગામી વર્ષે પણ એફ.એલ.એન. અભિયાન ચલાવવામાં આવશે.
શારીરિક કેપેસીટી બિલ્ડ કરવા ખાસ આયોજન
મ્યુનિસિપલ સ્કૂલ બોર્ડના ધોરણ1થી 8ના 1,66,957 વિદ્યાર્થીઓની શારીરિક કેપેસીટી બિલ્ડ થાય તે માટે સુક્ષ્મ પોષણયુકત આહાર આપવાની જોગવાઈ કરવામાં આવી છે. આગામી વર્ષે ‘મારૂ શહેર સ્વચ્છ શહેર’, ‘સ્વચ્છ તન-સ્વચ્છ મન’ના સૂત્રને સાકાર કરતા, વિદ્યાર્થીઓ, શિક્ષકો થકી સમાજ સુધી સ્વચ્છતાના ગુણોનો વિકાસ થાય તે માટે મ્યુનિસિપલ શાળાઓને ‘સ્વચ્છ શાળા હરિફાઈ’ અંતર્ગત દર માસે પ્રથમ, દ્વિતીય અને તૃતીય ક્રમની સ્વચ્છ શાળા જાહેર કરવામાં આવશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.