તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ચોરી પર સીના જોરી:કારના ટાયર પર કૂતરાએ પેશાબ કર્યો, ફરિયાદ કરવા ગયેલા ગાડીના માલિકને કૂતરાના બંને માલિકોએ લાકડીથી ફટકાર્યો

અમદાવાદ20 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • અમદાવાદના ચાંદખેડા પોલીસ સ્ટેશનમાં ગાડીના માલિકે ફરિયાદ નોંધાવી.
  • સોસાયટીના લોકોએ કારના માલિકને સારવાર અર્થે 108 બોલાવીને હોસ્પિટલ ખસેડ્યા

અમદાવાદમાં અનેક લોકો ઘરમાં કૂતરા પાળતા હોય છે. કેટલીક વાર પાળેલા કૂતરા પાડોશીઓ અને સોસાયટી માટે સૌથી મોટી હેરાનગતી બની જતા હોય છે. અમદાવાદના ચાંદખેડાની એક સોસાયટીમાં સાફ સફાઈ કરેલી ગાડીના ટાયર પર સોસાયટીના જ રહીશે પાળેલા કૂતરાએ પેશાબ કરતાં ફરિયાદ કરવા ગયેલા ગાડીના માલિકને કૂતરાના માલિક અને તેમના દિકરાએ લાકડીથી ફટકાર્યા હતાં. ગાડીના માલિકને માથામાં ઈજા થતાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યાં હતાં. આ બાબતે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ થતાં પોલીસે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.

તમારાથી થાય તે કરી લો અમારો ડોગ આ રીતે જ રહેશે
પ્રાપ્ત વિગતો પ્રમાણે અમદાવાદ શહેરમાં ચાંદખેડા વિસ્તારમાં અવની ભવન પાસેની એક સોસાયટીમાં કર્નેલ કલ્યાણચંદ કટોચ નામના વ્યક્તિ છેલ્લા 20 વર્ષથી પરિવાર સાથે રહે છે. તેઓ એક ફાર્માસ્યુટિકલ કંપનીમાં સેલ્સમેન તરીકે નોકરી કરે છે. આ સોસાયટીમાં ચિરાગ મલ્હોત્રા નામનો વ્યક્તિ તેના પરિવાર સાથે રહે છે. ચિરાગ મલ્હોત્રાએ ઘરમાં વિદેશી કૂતરો પાળ્યો છે. આ કૂતરો સોસાયટીમાં ગંદકી કરે છે જેની સોસાયટીએ ચિરાગને અનેકવાર ફરિયાદ કરી છે. તેમ છતાં ચિરાગ અને તેનો પુત્ર સન્ની મલ્હોત્રા સોસાયટીના રહિશોને ધમકી આપીને કહે છે કે તમારાથી થાય તે કરી લો અમારો ડોગ આ રીતે જ રહેશે.

કૂતરો સોસયટીમાં ગંદકી કરતો હોવાની સોસાયટીના લોકોનીફરિયાદ (
કૂતરો સોસયટીમાં ગંદકી કરતો હોવાની સોસાયટીના લોકોનીફરિયાદ (

સોસાયટીમાં કૂતરો ગંદકી કરતો હતો
કલ્યાણચંદ કટોચે પોલીસ ફરિયાદમાં જણાવ્યું છે કે, ગુરુવારે રાત્રે હું મારા મકાનની ગેલેરીમાં ઉભો હતો ત્યારે આ ચિરાગ મલ્હોત્રાના ડોગે મારી સાફ સફાઈ કરેલી ગાડીના ટાયર પર પેશાબ કર્યો હતો. આ બાબતે મેં ચિરાગ અને તેના પુત્રને જણાવ્યું તો સન્ની મલ્હોત્રા મને જોર જોરથી ગાળો બોલવા માંડ્યો હતો. મેં તેમને ગાળા ગાળી નહીં કરવા જણાવ્યું અને હું મકાનમાંથી નીચે ગયો ત્યારે બંને બાપ બેટાએ લાકડી લઈને મારી ઉપર હૂમલો કર્યો હતો. સન્ની મલ્હોત્રાએ મારા માથામાં લાકડી મારી હતી. જેનાથી માથામાંથી લોહી નીકળવા માંડ્યું હતું. આ દરમિયાન ચિરાગ મલ્હોત્રાએ પણ મારા પગના ભાગે લાકડીઓ મારી હતી. આ દરમિયાન સોસાયટીના માણસો ભેગા થઈ ગયાં હતાં અને મને લોહીલુહાણ હાલતમાં 108 મારફતે હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ કર્યો હતો.

ગાડીના માલિકે ચાંદખેડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી ( ફાઈલ ફોટો)
ગાડીના માલિકે ચાંદખેડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી ( ફાઈલ ફોટો)

ફરિયાદ કરવા જતાં કૂતરાના માલિક લોકો સાથે ઝગડી પડે છે
કલ્યાણચંદે કહ્યું હતું કે, ચિરાગ મલ્હોત્રાના વિદેશી કૂતરાનો સોસાયટીમાં અતિશય ત્રાસ છે.તેમનો કૂતરો સોસાયટીમાં ગંદકી કરે છે. તેમને ફરિયાદ કરવા જતાં તેઓ સોસાયટીના લોકો સાથે ઝગડા કરે છે. કલ્યાણચંદ કટોચે આ બાબતે પોલીસ સ્ટેશનમાં ચિરાગ અને સન્ની મલ્હોત્રા વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી હતી. પોલીસે કલ્યાણચંદની ફરિયાદને આધારે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.