અમદાવાદના નિષ્ણાંત ઓપ્થેમેલોજીસ્ટ તબીબ સામે તેની પત્નીએ દુષ્કર્મની ફરિયાદ નોંધાવતા પતિએ હાઇકોર્ટમાં આગોતરા જામીન અરજી કરી. અરજીમા એવી દલીલ કરી હતી કે અરજદાર પોતે નિષ્ણાત તબીબ છે તેની પત્નીએ દુષ્કર્મની ફરિયાદ નોંધાવી છે કોઇ અન્ય સ્ત્રી નથી માટે તેને આગોતરા જામીન મળવા જોઇએ.
જસ્ટિસ નિરલ મહેતાએ આગોતરા જામીન આપવાનો ઇન્કાર કરીને એવી ટકોર કરી હતી કે, લગ્ન થયા તેનો મતલબ એ નથી કે પત્નીએ દરેક બાબતમાં બલિદાન આપવું. પત્ની સાથેનો દુષ્કર્મ એ દુષ્કર્મ ન કહેવાય? જામીન અરજીમાં પતિએ કહ્યું કે, હું પ્રતિષ્ઠિત ડોક્ટર હોવાથી જામીન આપવામાં મુખ્ય કારણને ધ્યાન પર લો, કોર્ટે કહ્યું કે, પોતાની પત્ની સાથે જ અગમ કૃત્ય કરતી વખતે આ કારણ કેમ યાદ ના આવ્યું. આ અંગે વધુ સુનાવણી 18મી મે પર મુકરર કરી છે.
નરોડા વિસ્તારમાં આવેલા ઓપ્થેમલોજીસ્ટ (આંખોના ડોકટર) સામે તેની પત્નીએ દુષ્કર્મ અને દહેજ માટે કૃષ્ણનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. ફરિયાદને પગલે તબીબે હાઇકોર્ટમાં આગોતરા જામીન અરજી કરી છે. તબીબની પત્નીએ ફરિયાદમાં એવી રજૂઆત કરી છે કે તે બંને બીજા લગ્ન છે. તેઓ લગ્ન પહેલાથી એકબીજાને ઓળખે છે અને તેનો પતિ તેને લગ્ન કરવાની લાલચ આપીને લગ્ન પહેલાથી હોટલોમાં લઇ જતો હતો અને ત્યાં બળજબરીપૂર્વક શરીર સંબંધ બાંધતો હતો.
લગ્ન બાદ તેનો પતિ પોતાની હોસ્પિટલમાં જ સીસીટીવી કેમેરા સામે જ પત્ની સાથે શરીર સંબંધ બાંધતો હતો અને તેનો વીડિયો બતાવીને તેના પિયરમાંથી દહેજ લઇ આવવા બ્લેકમેઇલ કરતો હતો. પત્નીને લગ્ન બાદ દબાણપૂર્વક ગર્ભપાત કરાવી દેવાયો હતો.
પત્નીએ ફૂટેજ ડિલિટ કરવાનું કહેતાં માર માર્યો
પતિ તરફે એવી દલીલ કરાઇ હતી કે તેની પત્નીએે લગ્ન પહેલા પણ શારીરિક સંબંધ બાંધ્યો હતો તેમ છતા તેણે તબીબ સાથે લગ્ન કેમ કર્યા? હાઇકોર્ટે એવી ટકોર કરી હતી કે કેમ પત્નીને તેના પતિએ કરેલા ગુના સામે ફરિયાદ કરવાનો હક નથી? માત્ર તેનો પતિ જ નહીં પરતું પરિવારનો અન્ય કોઇ સભ્ય પણ તેમના વચ્ચેના સીસીટીવી ફૂટેજ જોતા હતા. આ વીડિયો ડિલીટ કરવાનું કહેવાતા તેઓ પત્નીને માર મારતા અને માનસિક ત્રાસ આપતા હતા. પતિ બન્યા હોય એટલે દુષ્કર્મનો અધિકાર મળી જાય? પત્ની ના કેમ ન પાડી શકે? પત્નીને પતિ દ્વારા કેસ પાછો લેવા ધમકી આપવામાં આવી રહી છે. આ અંગે પત્નીએ ટ્રાયલ કોર્ટ સમક્ષ પુરાવા રજૂ કર્યા હતા. હાઇકોર્ટે વચગાળાની રાહત આપવા ઇન્કાર કર્યો છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.