શિવાંશ-મહેંદીના પ્રેમના વીડિયો:7 દિવસ પહેલાં માતા સાથે હસતો-રમતો શિવાંશ આજે એકદમ શાંત છે, ડોક્ટરે કહ્યું, આવી સ્થિતિમાં બાળક ટ્રોમામાં જઈ શકે છે

અમદાવાદ3 મહિનો પહેલાલેખક: આનંદ મોદી
  • સંરક્ષણગૃહના ડોકટરે શિવાંશની તબિયતને લઈને દિવ્ય ભાસ્કર સાથે વાતચીત કરી હતી
  • શિવાંશ અને તેની માતા મહેંદીના પ્રેમના જૂના વીડિયો સામે આવ્યા છે

ગાંધીનગરમાં 7 દિવસ પહેલાં સ્વામિનારાયણ ગૌશાળામાંથી પિતા દ્વારા ત્યજી દેવાયેલો 10 માસનો શિવાંશ આજે સમગ્ર ગુજરાતનો લાડકવાયો બની ગયો છે. ગુરુવાર રાતથી અત્યારસુધીમાં શિવાંશને મળવા માટે કોર્પોરેટર તેમજ ગૃહમંત્રી સહિત અસંખ્ય લોકો આવી રહ્યા છે. પરંતુ શિવાંશનો ચહેરો તેની માતાને જોવા માટે તરસી રહ્યો હોય એવાં દૃશ્યો જોવા મળ્યાં છે, ત્યારે સંરક્ષણગૃહના ડોકટરના જણાવ્યા અનુસાર જો આવું જ રહ્યું તો શિવાંશ ટ્રોમામાં જઈ શકે છે. બીજી તરફ, શિવાંશ અને તેની માતા મહેંદીના પ્રેમના જૂના વીડિયો દિવ્ય ભાસ્કરને મળ્યા છે.

બાળક મેન્ટલી રીતે ટ્રોમામાં જઈ શકે: ડોક્ટર
હાલમાં શિવાંશની જવાબદારી કોને સોંપાશે એની ચર્ચાઓ ચાલી રહી છે. એ વચ્ચે શિવાંશની તબિયતને લઈને ડોક્ટરોએ ચિંતા વ્યક્ત કરી હતી. સંરક્ષણગૃહમાં આવેલા ડોક્ટરે દિવ્ય ભાસ્કર સાથે વાતચીતમાં જણાવ્યું હતું કે છેલ્લા ત્રણ દિવસથી બાળક અલગ-અલગ લોકોને મળી રહ્યું છે. તે પોતાની માતા પાસે નથી એવું પણ જાણે છે, એમ છતાં નવા લોકોને મળતી વખતે તેમનામાં કોઈ હાવભાવ દેખાતા નથી. હાલની સ્થિતિને જોતાં બાળક મેન્ટલી રીતે ટ્રોમામાં જઈ શકે છે. બાળક કોઈપણ વસ્તુમાં હાવભાવ કરતું નથી, તે બોલી પણ શકતું નથી, પરંતુ મનમાં બધું ફીલ કરે છે.

માતા મહેંદીના પગ પર સૂઈ રહેલો શિવાંશ.
માતા મહેંદીના પગ પર સૂઈ રહેલો શિવાંશ.

મા સાથે મસ્તી કરતો શિવાંશ આજે એકદામ શાંત છે
હાલમાં શિવાંશને જોઈને એવું જ લાગે છે કે તેને મળવા આવનારા તમામમાં તે પોતાની માતાને શોધી રહ્યો છે. આ વચ્ચે દિવ્ય ભાસ્કર પાસે શિવાંશ અને તેની માતા મહેંદીના પ્રેમના જૂના વીડિયો સામે આવ્યા છે. એમાં શિવાંશ મસ્તી કરતો તેમજ તેની માતા મહેંદીના હાથ સાથે જમતો જોવા મળે છે, પરંતુ હાલમાં સંરક્ષણગૃહમાં શિવાંશ એકદમ શાંત થઈ ગયો છે. સૌથી મોટી વાત એ છે કે તે રડતો પણ નથી. સામાન્ય રીતે 10 મહિનાના બાળકની માતા થોડો સમય પણ તેનાથી દૂર હોય તો તે રડવા લાગતો હોય છે, પરંતુ શિવાંશ તેની માતાથી 7 દિવસથી દૂર હોવા છતા તેના દ્વારા કોઈ પ્રતિક્રિયા ન આવતાં ડોક્ટરોએ તેની તબિયતને લઈને ચિંતા વ્યક્ત કરી છે.

સંરક્ષણગૃહમાં શિવાંશ એકદમ શાંત થઈ ગયો છે
સંરક્ષણગૃહમાં શિવાંશ એકદમ શાંત થઈ ગયો છે

રવિવારે રાતે 7 વાગ્યે કોર્પોરેટર શિવાંશને લઈને શિશુગૃહ પહોંચ્યા
સચિન દીક્ષિતે શુક્રવારે રાતના સાડાઆઠ વાગ્યે શિવાંશને તરછોડ્યા બાદ તેને પોલીસને સોંપવામાં આવ્યો હતો. પોલીસને સોંપ્યા બાદ તેની ગાંધીનગરનાં કોર્પોરેટર દીપ્તિબેન પટેલે માતાની જેમ લગભગ 48 કલાક સુધી સારસંભાળ રાખી હતી. ત્યાર બાદ શિવાંશને રવિવારના રાતના 7 વાગે શિવાંશને અમદાવાદના ઓઢવમાં આવેલા શિશુગૃહમાં લાવવામાં આવ્યો હતો. તેને મૂકવા માટે કોર્પોરેટર દીપ્તિબેન પટેલ જ આવ્યાં હતાં.

શિવાંશના જન્મથી મહેંદી-સચિન ખુશ હતાં.
શિવાંશના જન્મથી મહેંદી-સચિન ખુશ હતાં.

કોર્ટ નક્કી કરે તેને શિવાંશની કસ્ટડી સોંપાશે
મહિલા અને બાળ વિકાસમંત્રી મનીષા વકીલ ઓઢવ બાળ સંરક્ષણગૃહમાં આવ્યાં હતા, જ્યાં તેમણે જણાવ્યું હતું કે આજે બાળકને મળવા આવી હતી, તે ખૂબ સરસ છે. 30 દિવસ સુધી બાળક બાળ સંરક્ષણગૃહમાં જ રહેશે. 30 દિવસ દરમિયાન કોર્ટ કાર્યવાહી ચાલશે. જે પ્રમાણે કોર્ટ નક્કી કરશે એ પ્રમાણે કસ્ટડી સોંપવામાં આવશે. બાળકનો કબજો લેવા માટે પરિવારના સભ્યો જ આગળ આવે તો સારું. તેમ નહિ થાય તો બાળકને કાયદાકીય પ્રક્રિયા દ્વારા દત્તક આપવાની કામગીરી કરવામાં આવશે. ડોકટર સાથે પણ વાત થઈ છે. બાળકની તબિયત ખૂબ સારી છે. બાળક જમે છે અને રમે પણ છે.

અન્ય સમાચારો પણ છે...