પ્રથમ લહેરમાં થયેલા માઇક્રો કન્ટેઈનમેન્ટ અને સોશિયલ ડિસ્ટન્સિંગના કૂંડાળાં કૌભાંડમાં મ્યુનિ.તંત્ર હરકતમાં આવ્યું છે. સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન હિતેશ બારોટે સ્પષ્ટ કહ્યું છે કે, સમગ્ર કૌભાંડ અંગે અમે તપાસના આદેશ આપ્યા છે. જે પણ જવાબદાર અધિકારી હશે તેમને છોડવામાં આવશે નહીં. વધારાની રકમ રિકવરી કરી, જવાબદાર સામે પગલાં લેવામાં આવશે.
કોરોનાકાળ દરમિયાન વિવિધ ઝોનમાં માઇક્રો કન્ટેઈનમેન્ટ કરવામાં મોટા બિલો રજૂ થયા હોવાની ફરિયાદો ઉઠી હતી. મધ્ય ઝોન સહિત વિવિધ ઝોનમાં મોટા બિલો ચૂકવી દેવાયા બાદ આવા બિલો ચકાસણી માટે ઓડિટ વિભાગ સમક્ષ રજૂ થયા હતા. જોકે આ બિલોમાં અનેક છબરડા હોવાનું સામે આવ્યું હતું. જેમાં 2 હજારના પેઈન્ટ માટે 82 હજાર મજૂરી ચૂકવાઈ હોવાના બિલો પણ ચૂકવી દેવાયા છે. કૌભાંડનો પર્દાફાશ થયા બાદ આ બાબતે ઉચ્ચ સ્તરે તપાસ હાથ ધરાઈ છે.
અધિકારીઓએ ગુરુવાર સવારથી સમગ્ર પ્રકરણમાં તપાસ માટે જવાબદાર ઇજનેર વિભાગના અધિકારીઓ પાસે ખુલાસો માગવામાં આવ્યો હતો. ચૂંટાયેલી પાંખના પદાધિકારીઓએ પણ આ મામલે તપાસ હાથ ધરી હતી. સ્ટેન્ડિંગ કમિટી ચેરમેને પણ સમગ્ર મામલે અધિકારીઓ પાસે સ્પષ્ટતા માગી, આ પ્રકરણની તપાસ શરૂ કરાવી છે.
મધ્ય ઝોન સિવાય અન્ય 6 ઝોનમાં પણ થયેલા કામ બાબતે તપાસ હાથ ધરાઈ
માઈક્રો કન્ટેઈનમેન્ટના કૌભાંડના પગલે મ્યુનિ.ના અન્ય 6 ઝોનમાં પણ આ મામલે ભારે ચર્ચામાં રહ્યો હતો. અન્ય ઝોનમાં પણ કામો બાબતે તપાસ હાથ ધરાઇ રહી છે. ઓડિટ વિભાગ પાસે પહોંચેલા કેટલાક બિલો પર ફેરચકાસણી કરાઇ રહી છે. જેથી આ સ્થિતિ ન સર્જાય.
ભાજપે મળતિયા કોન્ટ્રાક્ટરોને કામ આપી આફતને અવસરમાં પલટી છે
આફતને અવસરમાં બદલવી તે ભાજપની પરંપરા છે, કોરોનામાં પણ મળતિયા કોન્ટ્રાક્ટરને કામો આપી આફતને અવસરમાં પલટી છે. 7 ઝોનમાં આવા કામોની તપાસ થવી જોઇએ. કોન્ટ્રાક્ટરને વધુ રકમ ચૂકવાઇ હોય તો તપાસ રિકવરી કાઢી જવાબદાર અધિકારીઓ સામે પગલાં લેવાવા જોઇએ. > દિનેશ શર્મા, પૂર્વ મ્યુનિ. વિપક્ષી નેતા
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.