હાડ થીજવતી ઠંડી પડશે:પવનની દિશા ઉત્તર- પશ્ચિમ તરફ થતાં રાજ્યમાં શિયાળાનું આગમન, વહેલી સવારે ફુલ ગુલાબી ઠંડીનો ચમકારો

અમદાવાદ2 મહિનો પહેલા
  • આ વખતનો શિયાળો પણ ડિસેમ્બર અને જાન્યુઆરીમાં લોકોને બરાબરના થથરાવશે

ગુજરાતમાં નવરાત્રીની શરૂઆતના ચાર દિવસમાં રાજ્યમાં વરસાદ ખાબક્યા બાદ હવે મેઘરાજા સત્તાવાર વિદાય લીધી છે. ત્યારે પવનની દિશા ઉત્તર તરફથી ઉત્તર-પશ્ચિમ તરફ થતાં શિયાળાનું આગમન થઈ ચૂક્યું છે. વહેલી સવારે ફૂલ ગુલાબી ઠંડીનો ચમકારો અનુભવાય છે. જ્યારે બપોરના સમયે આકરા તાપનો સામનો કરવો પડે છે. રાતનું તાપમાન પણ ઠંડુ થઈ જતાં ફરીવાર ઠંડીનો અનુભવ કરાવે છે. છેલ્લા બે-ત્રણ દિવસ પર ધ્યાન આપીએ તો લાગે છે કે, શરદપૂર્ણિમા સુધીમાં ગુજરાતમાં ઠંડીનું જોર વધશે. તેમજ આગામી ડિસેમ્બર સુધીમાં ગુજરાતમાં કાતિલ ઠંડી પડી શકે છે. તેમજ તહેવારોના દિવસોમાં પણ લોકોએ સ્વેટર પહેવું પડે તેવી સ્થિતિ બની શકે છે.

એક સપ્તાહ બાદ ઠંડીનું જોર વધશે
હવામાન વિભાગના સુત્રોનું કહેવું છે કે, આગામી દિવસોમાં લઘુત્તમ અને મહત્તમ તાપમાનમાં ઘટાડો થશે. જેથી લોકોને કાતિલ ઠંડીનો સામનો કરવો પડશે. આગામી અઠવાડિયામાં જ ઠંડીનો ચમકારો અનુભવાશે. આ વખતનો શિયાળો પણ ડિસેમ્બર અને જાન્યુઆરીમાં લોકોને બરાબરના થથરાવશે. ગાંધીનગર અને ઉત્તર ગુજરાતમાં આ વખતે ઠંડીનો ચમકારો વધુ અસરકારક રહેવાની પણ શક્યતાઓ છે.

હજી પંચમહાલ અને મધ્યગુજરાતમાં હળવા વરસાદની આગાહી ( ફાઈલ ફોટો)
હજી પંચમહાલ અને મધ્યગુજરાતમાં હળવા વરસાદની આગાહી ( ફાઈલ ફોટો)

પંચમહાલ અને મધ્ય ગુજરાતમાં હળવો વરસાદ થઈ શકે
હવામાન વિભાગે આગાહી કરતાં કહ્યું છે કે, અમદાવાદ સહિત ગાંધીનગર અને ઉત્તર ગુજરાતમાં મહત્તમ તાપમાન 36 અને લઘુત્તમ તાપમાન 22 ડિગ્રી રહેશે. હાલમાં ઉત્તરથી ઉત્તર પશ્ચિમ તરફના પવન શરૂ થયાં છે. આગામી પાંચ દિવસમાં પંચમહાલ અને મધ્ય ગુજરાતમાં હળવો વરસાદ પણ થઈ શકે છે. તે સિવાય સમગ્ર રાજ્યમાં હવામાન સુક્કુ રહેશે. ભાદરવા મહિનાનો તડકો હવે આસો મહિનામાં પડી રહ્યો છે. ઠંડી શરૂ થતાં જ ગાર્ડનમાં મોર્નિંગ વોકર્સની સંખ્યામાં પણ વધારો થયો છે.

ઠંડીની શરૂઆત થતાં જ ગાર્ડનમાં મોર્નિંગ વોકર્સની સંખ્યા વધી ( ફાઈલ ફોટો)
ઠંડીની શરૂઆત થતાં જ ગાર્ડનમાં મોર્નિંગ વોકર્સની સંખ્યા વધી ( ફાઈલ ફોટો)

રાજયના 14 જિલ્લામાં સરેરાશ 100 ટકાથી વધુ વરસાદ
ગુજરાતમાં જૂનથી ઓગસ્ટ દરમિયાન માત્ર 14.31 ઈંચ વરસાદ નોંધાતાં વરસાદની ઘટની ભીતિ સર્જાઇ હતી. સપ્ટેમ્બરના પ્રારંભે વરસાદની 45%થી વધારે ઘટ હતી, પરંતુ સપ્ટેમ્બરમાં 16.77 ઈંચ સાથે જ રાજ્યમાંથી વરસાદની હવે ઘટ પણ રહી નથી. રાજ્યના 33માંથી 14 જિલ્લામાં સીઝનનો 100%થી વધુ વરસાદ નોંધાઇ ચૂક્યો છે. એમાં જામનગર, દેવભૂમિ દ્વારકા, રાજકોટ, જૂનાગઢ, પોરબંદર, અમરેલી, આણંદ, ભરૂચ, કચ્છ, ભાવનગર, બોટાદ, વલસાડ, છોટાઉદેપુર, નર્મદાનો સમાવેશ થાય છે, જેમાં જામનગર જિલ્લામાં સીઝનનો સૌથી વધુ સરેરાશ 138% વરસાદ નોંધાઇ ચૂક્યો છે.