સંક્રમણની શિક્ષણ પર અસર:કોરોનાનું સંક્રમણ વધતા ગુજરાતમાં 23 નવેમ્બરથી શાળા-કોલેજ શરૂ કરવાનો નિર્ણય મોકૂફ

અમદાવાદ3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ફાઇલ તસવીર. - Divya Bhaskar
ફાઇલ તસવીર.
  • કોરોનાની સ્થિતિની સમીક્ષા બાદ સરકારે 8 દિવસ પહેલાં લીધેલો નિર્ણય ફેરવી તોળ્યો, નવી તારીખ હાલમાં જાહેર નહીં થાય

કોરોનાની સ્થિતિ કાબુ બહાર જઈ રહી હોવાથી રાજ્યમાં 23 નવેમ્બરથી શાળા- કોલેજ ચાલુ કરવાનો નિર્ણય સરકારે આખરે મોકૂફ રાખ્યો છે. શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાએ વધુમાં જણાવ્યું કે આ અંગે નવી તારીખ નક્કી કરવાની હાલ કોઈ યોજના નથી.

રાજ્યમાં 23 નવેમ્બરથી માધ્યમિક-ઉચ્ચતર માધ્યમિક શાળા-કોલેજોમાં ફરી શૈક્ષણિક કાર્ય શરૂ કરવા અંગેનો ઠરાવ ગુજરાતના શિક્ષણ વિભાગે બુધવારે બહાર પાડ્યો હતો. ગુરુવારે શિક્ષણ મંત્રીએ વર્તમાન સ્થિતિની સમીક્ષા પણ કરી હતી. હાલના ઠરાવ પ્રમાણે ગુજરાતમાં 23 નવેમ્બરથી શાળા-કોલેજો શરૂ થશે તે મુજબની જાહેરાત કરી દીધી હતી. બપોરે ચુડાસમાએ જણાવ્યું હતું કે કાળજી લેવાથી કામ પણ ચાલે અને કોરોનાથી બચી પણ શકાય તેવો સંદેશ 23 નવેમ્બરથી શાળા-કોલેજો શરૂ કરીને ગુજરાત આપશે. એસ.ઓ.પી.ના પાલનની સુનિશ્ચિતતા માટે જિલ્લા-નગરો-તાલુકા કક્ષાએ ટાસ્ક ફોર્સની રચના કરી છે. જોકે રાજ્ય સરકારે શાળા-કોલેજોમાં કેટલાં વિદ્યાર્થીઓ હાજર રહે છે, કેટલા વાલીઓની સંમતિ આવી છે તેની માહિતી દિવસમાં 3 થી 4 વાર રાજ્યકક્ષાએ મળે તેવી સંકલન વ્યવસ્થા કરાઈ હતી. સ્થાનિક પરિસ્થિતિ, અનુકૂળતા અને સગવડતા માટે જરૂર જણાયે એસઓપીમાં નાના-મોટા ફેરફારો કરવાની તૈયારી દર્શાવી હતી. જિલ્લા કલેક્ટરો સાથે સંકલનમાં રહીને કંટ્રોલરૂમ કાર્યરત કરવાની પણ વ્યવસ્થા ઊભી કરાઈ હતી એમ ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાએ ઉમેર્યુ હતું.

જો કે ગુરુવારે સાંજે કોરોનાની સ્થિતિની સમીક્ષા બાદ સરકારને અહેસાસ થયો હતો કે હાલની સ્થિતિમાં સ્કૂલો ખોલવીએ બાળકોની જીંદગી સાથે રમત રમવા બરાબર થશે. બીજી તરફ રાજ્યના વિવિધ વાલી મંડળોએ પણ 23મીએ શાળા બંધનુ એલાન આપી સરકારના નિર્ણય સામે લડતના મંડાણ કર્યા હતાં આથી આખરે સરકારને પોતાના નિર્ણયમાં પીછેહઠ કરવાની ફરજ પડી હતી.

શાળા શરૂ કરવાને લઈને વાલી મંડળમાં શરૂઆતથી જ રોષ હતો
ગુજરાતમાં 23 નવેમ્બરથી સ્કૂલો શરૂ કરવાના સરકારના નિર્ણય સામે વાલીઓ અને વાલી મંડળોમાં પહેલેથી જ ભારે રોષની લાગણી ફેલાઈ ગઈ હતી. ઓલ ગુજરાત વાલી મંડળ દ્વારા સ્કૂલો શરુ કરવાનો નિર્ણય પાછો ખેંચવાની માંગણી કરી 23 નવેમ્બરે અપાયેલા શાળા બંધના એલાનને ટેકો જાહેર કર્યો હતો.

ચાલુ પ્રેસ કોન્ફરન્સમાં ભૂપેન્દ્રસિંહને કોણે ફોન કર્યો?
આ પહેલા શિક્ષણમંત્રી જ્યારે 23મી નવેમ્બરે શાળા કોલેજો ખોલવા માટેની પ્રેસ કૉન્ફરન્સ કરી રહ્યાં હતાં. ત્યારે ચાલુ કૉન્ફરન્સમાં શિક્ષણમંત્રીનો ફોન રણક્યો હતો. આ ફોન કોનો હતો તેને લઈ અનેક તર્ક વિતર્ક થઈ રહ્યાં છે. સામાન્ય રીતે ચાલુ પ્રેસ કોન્ફરન્સમાં કોઈપણ મંત્રી કે અધિકારી ફોન રીસીવ કરતાં નથી. પત્રકારો સાથેની વાતચીત દરમિયાન મુખ્યમંત્રી કાર્યાલયમાંથી ભૂપેન્દ્રસિંહ પર ફોન આવ્યો હોવાની ચર્ચાઓ થઈ રહી છે.

43 દિવસ બાદ ગુજરાતમાં કોરોનાના કેસ 1300 કરતા વધુ
દિવાળીના તહેવારો બાદ રાજ્યભરમાં કોરોનાના કેસોમાં ઉછાળો આવ્યો છે. 43 દિવસ બાદ રાજ્યમાં ફરી એક દિવસમાં કોરોનાના કેસ 1300 કરતા વધું નોંધાયા છે. આ પહેલા 7 ઓક્ટોબરમાં 1343 કેસ નોંધાયા હતા. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં નવા 1340 કેસ સામે આવ્યા છે, જ્યારે 7 દર્દીનાં મોત થયા છે. તો 1113 દર્દી સાજા થઇને ઘરે પરત ફર્યા છે. આ સાથે જ રાજ્યમાં કુલ કેસનો આંકડો 1 લાખ 92 હજાર 982 થયો છે, જ્યારે મૃત્યુઆંક 3830એ પહોંચ્યો છે તો કુલ 1 લાખ 76 હજાર 475 દર્દી ડિસ્ચાર્જ થયા છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 54907 ટેસ્ટ કરવામાં આવ્યા છે. આ સાથે જ અત્યાર સુધીમાં કુલ 70.33 લાખ ટેસ્ટ થયા છે. હાલ રાજ્યમાં 12677 એક્ટિવ કેસ છે, જેમાંથી 87 દર્દી વેન્ટિલેટર પર છે અને 12590 દર્દીની હાલત સ્થિર છે.