જૂની વીએસ હોસ્પિટલના બિલ્ડિંગને તોડી પાડવાના મ્યુનિ. અને સરકારના નિર્ણયને હાઈકોર્ટમાં પડકારાયો છે. અરજીમાં એવી રજૂઆત કરી હતી કે, હોસ્પિટલમાં લેબોરેટરીમાં ટેસ્ટ કરવાના બંધ કરાઈ રહ્યા છે. બિલ્ડિંગના 9 બ્લોક તોડી પાડવાનો નિર્ણય અન્યાયી અને અયોગ્ય છે. અરજદારે બ્લોક ન તોડવા માટે સ્ટે માગ્યો હતો. ચીફ જસ્ટિસ અરવિંદ કુમારની ખંડપીઠે સ્ટે આપવાનો ઇન્કાર કરીને મ્યુનિ.ને જવાબ રજૂ કરવા નોટિસ પાઠવી છે.
અરજદાર ખેમચંદ કોષ્ટિએ દલીલ કરી હતી કે જૂની વીએસ હોસ્પિટલમાં ગરીબોને મફત મળતી સારવાર હવે બંધ થઇ રહી છે. સરકાર અને મ્યુનિ. 9 બ્લોક તોડી રહી છે. હોસ્પિટલમાં ચાલતી લેબોરેટરીમાં ટેસ્ટ ઓછા થતાં પૈસા ખર્ચીને ખાનગી લેબોરેટરીમાં ટેસ્ટ કરાવવા પડે છે. બિલ્ડિંગ તોડવા ટેન્ડર પ્રક્રિયા શરૂ થઈ છે.
અરજદારે રજૂઆત કરી હતી કે, મ્યુનિ.એ એસવીપી હોસ્પિટલ બનાવી છે તેમાં ખાનગી હોસ્પિટલો જેટલો જ ચાર્જ વસૂલવામાં આવે છે. જો નવી હોસ્પિટલોમાં ખાનગી હોસ્પિટલો જેટલો જ ચાર્જ લેવામાં આવે તો ગરીબ દર્દીઓની સ્થિતિ દયનીય બની જશે. ખંડપીઠે વધુ સુનાવણી સપ્ટેમ્બર પર મુલતવી રાખી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.