સમગ્ર દેશમાં કોરોનાનો ફરીવાર હાહાકાર મચી રહ્યો છે. ગુજરાતમાં પણ કેસો અનિયંત્રિત થઈ રહ્યાં છે. બીજી તરફ દિવાળી બાદ ધોરણ 1 થી 12ની તમામ સ્કૂલો ઓફલાઇન થઈ છે જેના કારણે સ્કૂલમાં ભણતા વિદ્યાર્થીઓ પણ સંક્રમિત થયાં છે. ગુજરાતની સ્કૂલોમાં 125 જેટલા વિદ્યાર્થીઓ સંક્રમિત થતાં વાલીઓ ચિંતાતૂર થયાં છે. કેસોમાં વધારો થતાં સ્કૂલો બંધ કરવાની રજૂઆત પણ કરવામાં આવી છે. ત્યારે શિક્ષણ વિભાગ દ્વારા હવે 15 જાન્યુઆરી બાદ સ્કૂલો બંધ કરવા નિર્ણય લેવામાં આવશે.
સ્કૂલોમાં વિદ્યાર્થીઓમાં સંક્રમણ ફેલાઈ રહ્યું છે
અત્યારે ગુજરાતની સ્કૂલોમાં કોરોનાનો પગપસેરો થઈ ગયો છે. શિક્ષણ વિભાગ દ્વારા કેસ વધતા સ્કૂલો માટે નવી ગાઈડલાઈન લાગુ કરવામાં આવી હતી જેનું અત્યારે તમામ સ્કૂલોમાં પાલન કરવામાં આવી રહ્યું છે.તમામ DEO કચેરી દ્વારા સ્કૂલોમાં માસ્ક,સેનિટાઈઝર સહિતના નિયમોનું પાલન કરવામાં આવી રહ્યું છે. ઉપરાંત સ્કૂલોમાં સરપ્રાઈઝ ચેકીંગ કરવામાં પણ આવી રહ્યું છે. સ્કૂલોમાં આવતા કેસ અંગે પણ મોનીટરીંગ થઈ રહ્યું છે.વિદ્યાર્થીઓ સંક્રમિત થતાં સ્કૂલોના વર્ગ તથા કેટલીક સ્કૂલો બંધ પણ કરવામાં આવી છે.
શાળા સંચાલક મંડળની સ્કૂલો ઓફલાઇન બંધ કરવા માંગ
DEO કચેરી દ્વારા રોજેરોજ સ્કૂલોનો રિપોર્ટ તૈયાર કરીને પણ શિક્ષણ વિભાગને મોકલવામાં આવે છે. સ્કૂલોમાં આવતા કેસ અંગે પણ DEO દ્વારા આરોગ્ય વિભાગ અને શિક્ષણ વિભાગને જાણ કરવામાં આવે છે. જે સ્કૂલમાં કેસ આવ્યા હોય તે સ્કૂલના વિદ્યાર્થીઓના પણ ટેસ્ટ કરાઈ રહ્યા છે. કેસ વધવાને કારણે અત્યારે સ્કૂલોમાં આવતા બાળકોની સંખ્યામાં ઘટાડો પણ થયો છે. અગાઉ 85-90 ટકા ઓફલાઇન હાજરી રહેતી હતી તે હવે 70 ટકા આસપાસ થઈ છે.કેટલાક વાલીઓએ વિદ્યાર્થીઓને સ્કૂલે મોકલવાનું બંધ કરી દીધું છે. શાળા સંચાલક મંડળે પણ શિક્ષણ વિભાગ પાસે સ્કૂલો ઓફલાઇન બંધ કરવા માંગણી કરી છે.
હાલ મુજબ સ્કૂલો બંને માધ્યમમાં ચાલુ રહેશે
15 જાન્યુઆરી સુધી જો કેસ નિયંત્રણમાં રહશે તો સ્કૂલો ઓફલાઇન અને ઓનલાઇન બંને પ્રકારે ચાલુ રહેશે. શિક્ષણ વિભાગના અધિકારીના જણાવ્યા અનુસાર આગામી 2 સપ્તાહ સુધી સ્કૂલોમાં ભણતા વિદ્યાર્થીઓ કોરોનાથી સંક્રમિત થાય તેનું મોનિટરીંગ કરવામાં આવશે. સ્કૂલોમાં કેસ વધશે તો 15 તારીખ સુધી મોનીટરીંગ કરીને બાદમાં સ્કૂલ માત્ર ઓનલાઇન જ ચાલુ રાખવા નિર્ણય કરવામાં આવશે અને કેસ કાબુમાં હશે તો હાલ મુજબ સ્કૂલો બંને માધ્યમમાં ચાલુ રહેશે.
રાજ્યમાં 125 વિદ્યાર્થીઓ સંક્રમિત થયાં
રાજ્યમાં કોરોનાની ત્રીજી લહેરનાં ડાકલાં વચ્ચે છેલ્લા 15 દિવસમાં જ સ્કૂલે જતા 125 વિદ્યાર્થી સંક્રમિત થઈ ચૂક્યા છે. દિવાળી પછી સ્કૂલોને ઓફલાઈન શરૂ કરવા સ્કૂલોના અને હવે ઓમિક્રોન કહેર વચ્ચે પણ ચાલુ રાખવા સરકારના દુરાગ્રહનું જ આ પરિણામ છે. વધુ જોખમી બાબત એ છે કે હજી પણ 15 વર્ષથી નીચેનાનું વેક્સિનેશન ક્યારે શરૂ થશે એ નક્કી જ નથી. જે વિદ્યાર્થીઓ સંક્રમિત થયા છે તેમાંથી મોટા ભાગનાને સ્કૂલમાં જ ઈન્ફેક્શન લાગ્યું છે. ત્યારે હવે સ્કૂલોને ફરી ઓનલાઈન કરવી પડે એવી સ્થિતિ છે. એમ છતાં શિક્ષણમંત્રી હજુ હાથ પર હાથ રાખીને બેસી રહ્યા છે અને આ મામલે કોઈ નિર્ણય લઈ શક્યા નથી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.