ગુજરાતના યુવા પાટીદાર નેતા હાર્દિક પટેલે કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યા બાદ હવે ભાજપમાં લેવા માટે ગુજરાત ભાજપના નેતાઓમાં મતમતાંતર ઊભા થતાં આખરી નિર્ણય હાઇકમાન્ડ પર છોડવામાં આવ્યો છે. એ જોતાં હાર્દિક સાથે ટોચની નેતાગીરીની ચર્ચા બાદ જ ચોક્કસ નિર્ણય લેવાઈ શકે છે. આ અંગે હાઇકમાન્ડે ગુજરાત ભાજપનાં મંતવ્યો અને હાર્દિકથી ભાજપને ફાયદો થશે કે નુકસાન એ અંગેનો રિપોર્ટ પણ મગાવી શકે છે.
2017ની ચૂંટણીમાં ભાજપને પછાડવા માટે તનતોડ મહેનત કરનાર પાટીદાર નેતા હાર્દિક પટેલની રાજકીય કારકિર્દી કૉંગ્રેસ સાથે શરૂ થઈ હતી. એમાં હાર્દિક પટેલને ગુજરાત કોંગ્રેસનું કાર્યકારી પ્રમુખ પદ પણ આપવામાં આવ્યું હતું, પરંતુ કોંગ્રેસની નીતિરીતિથી નારાજ હાર્દિક પટેલે વારંવાર કોંગ્રેસના હાઇકમાન્ડને રજૂઆત અને ફરિયાદ પણ કરી હતી, પરંતુ એનો કોઈ ઉકેલ ના આવતાં અંતે હાર્દિકે કૉંગ્રેસ સાથે છેડો ફાડી નાખ્યો છે.
ભાજપના મંથનમાં અલગ અલગ મંતવ્ય
છેલ્લા કેટલાક દિવસથી હાર્દિક પટેલ ભાજપમાં જોડાશેની ચર્ચાએ જોર પકડ્યું હતું. આ દરમિયાન હાર્દિકને ભાજપમાં લેવાના મુદ્દે ભાજપની પ્રદેશ ટીમ દ્વારા મંથન કરવામાં આવ્યું હતું. પરંતુ આ મંથનમાં મતમતાંતર થયા હતા, જેમાં કોઈએ હાર્દિક પટેલને ભાજપમાં ના લેવાનો તો કોઈએ લેવા માટેનો મત વ્યક્ત કર્યો હતો. હાર્દિકને ભાજપમાં ન લેવા માટે કહેનારા નેતાઓનો તર્ક હતો કે હાર્દિકે ભાજપને બહુ નુકસાન કર્યું છે, પક્ષના નેતાઓ વિશે એલફેલ ઉચ્ચારણો પણ કર્યા હતા અને હાર્દિકને ભાજપમાં લેવામાં આવે તો ભાજપ સાથે વર્ષોથી જોડાયેલા પાટીદાર નેતાઓ અને મતદારો પર અવળી અસર થઈ શકે છે.
CM બાદ વધુ એક પાટીદાર ચહેરો લેવાનો તર્ક રજૂ કર્યો
તો બીજી બાજુ હાર્દિકને ભાજપમાં સમાવવા માટેનો મત વ્યક્ત કરનારનું ગણિત એવું હતું કે 2017 બાદ ગુજરાતમાં પાટીદારો ભાજપથી હજુ નારાજ છે. ભાજપમાં હાર્દિક જેવા યુવા નેતાને લેવામાં આવે તો ભાજપનો 150થી વધુ બેઠકોનો ટાર્ગેટ પૂરો કરવો સરળ થઈ શકે છે, તેની સાથે સાથે પાટીદાર સમાજના અગ્રણીઓ પણ સીધી રીતે ભાજપના ટેકામાં આવી શકે છે. એટલું જ નહીં, મુખ્યમંત્રી પણ પાટીદાર બનાવ્યા બાદ પાટીદાર સમાજના યુવા નેતાને પણ ભાજપમાં લેવાય તો ભાજપની પાટીદાર વોટબેંક વધુ મજબૂત બની શકે છે.
લડકા હૈ, લડ સકતા હૈઃ ભાજપના સંગઠન મહામંત્રીનું ટ્વીટ
હાર્દિકના રાજીનામા બાદ ગુજરાત ભાજપના સંગઠન મહામંત્રી રત્નાકરે હાર્દિકનું રાજીનામા અંગેનું ટ્વીટ રિટ્વીટ કરી લખ્યું કે લડકા હૈ, લડ સકતા હૈ.
ભાજપ પ્રવેશની અટકળોથી રાજકીય ગતિવિધિઓ તેજ
ગુજરાતમાં વિધાનસભા ચૂંટણી નજીક આવી રહી છે, એ સમયે જ હાર્દિક પટેલના રાજીનમા બાદ રાજકીય ગતિવિધિઓ તેજ બની ગઈ છે. હાર્દિકના ભાજપ પ્રવેશ અંગે ચાલી રહેલી અટકળો અને ગુજરાત ભાજપની ગતિવિધિઓ બાદ હાર્દિક પટેલને ભાજપમાં પ્રવેશ આપવા અંગેનો આખરી નિર્ણય ભાજપ હાઇકમાન્ડ કરશે. આ અંગે હાઇકમાન્ડે પણ હાર્દિક અંગેનો રિપોર્ટ મગાવ્યો હોવાનું જાણવા મળ્યું છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.