સંઘર્ષની 6 કહાણી:કડિયાકામ કરતા પિતાની દીકરી ધો.12માં ટ્યૂશન વિના ભણીને 93.86 ટકા લાવી, લારીમાં ચપ્પલ વેચતા પિતાના દીકરાને 90 ટકા

અમદાવાદ24 દિવસ પહેલા
મોટી બહેન ખુશ્બૂ સાથે રિદ્ધિ લખતરિયાની તસવીર.
  • મને મારા પર વિશ્વાસ હતો, એટલે મેં ટ્યૂશન નહોતું રખાવ્યું: રિદ્ધિ લખતરિયા
  • પિતાના અવસાન બાદ પરિવારે દીકરાને હિંમત આપી અભ્યાસ માટે પ્રેરિત કર્યો

ધોરણ 12 સામાન્ય પ્રવાહનું આજે પરિણામ જાહેર થયું છે, જેમાં ઘણા એવા વિદ્યાર્થીઓએ છે, જેમણે આર્થિક સ્થિતિ ખરાબ હોવા છતાં જાત મહેનતે અનેક મુશ્કેલીઓ વચ્ચે સફળતા પ્રાપ્ત કરી છે અને અન્ય વિદ્યાર્થીઓ માટે પણ પ્રેરણા પૂરી પાડી છે. અમદાવાદમાં પણ કડિયાકામ કરતા પિતાની દીકરી રિદ્ધિ લખતરિયાએ ટ્યૂશન વિના અભ્યાસ કરીને ધોરણ 12માં 93.86 ટકા પ્રાપ્ત કરીને પિતાનું તથા પરિવારનું નામ રોશન કર્યું છે.

મોટી બહેન અને સ્કૂલના શિક્ષકોએ સપોર્ટ કર્યો
એચ.બી કાપડિયા સ્કૂલમાં અભ્યાસ કરતી રિદ્ધિએ પોતાની ઉપલબ્ધિ વિશે વાત કરતાં જણાવ્યું હતું કે, મારા પિતા કડિયાકામ કરે છે. મને મારા પર વિશ્વાસ હતો એટલે મેં ટ્યૂશન નહોતું રખાવ્યું. મારી મોટી બહેન ખુશ્બૂ મને ભણાવતી હતી. મોટી બહેન તથા સ્કૂલના ટીચરના સપોર્ટથી જ હું ભણી હતી, જેનું આજે પરિણામ મેળવ્યું છે. હું આખો દિવસ અભ્યાસ કરતી અને વચ્ચે ફ્રેશ થવા માટે ટીવી જોતી હતી.

પોતાની નાની બહેનની સફળતા વિશે ખુશ્બૂએ જણાવ્યું હતું કે મેં અને મારા પરિવારે બહેનને માર્ગદર્શન આપ્યું હતું. તેને જે મહેનત કરી તેનું તેને પરિણામ મળ્યું છે, અમે તેના પરિણામથી ખુશ છીએ. હવે આગળ તે જે દિશામાં આગળ વધવા માગશે અમે તેને સપોર્ટ કરીશું અને આગળ ભણાવીશું.

ગરીબ ઘરમાંથી આવતા દીકરાએ 90 ટકા મેળવ્યા
અમદાવાદની રિદ્ધિની જેમ જ અન્ય ઘણા આર્થિક રીતે નબળા પરિવારમાંથી આવતા વિદ્યાર્થીઓએ પણ ધો.12માં ઝળહળતી સફળતા પ્રાપ્ત કરી છે. આવા જ જય મિસ્ત્રી નામના એક વિદ્યાર્થીએ પણ ધો.12માં 90.14 ટકા મેળવ્યા છે. જયે જણાવ્યું હતું કે હું રોજ ઓછામાં ઓછા 5 કલાક વાંચતો હતો. હું વાંચતો ત્યારે મમ્મી મારી સાથે જાગતી હતી. મમ્મી-પપ્પાનો ખૂબ સપોર્ટ રહેતો હતો. મમ્મી સ્કૂલમાં જોબ કરે છે અને પપ્પા એક મંદિરમાં જોબ કરે છે. મમ્મી-પપ્પાએ જે સ્થિતિ જોઈ છે તેમને એ સ્થિતિમાંથી બહાર કાઢવા હવે આઇટી ફિલ્ડમાં ભણીશ અને સારી જોબ કરીને તેમને સારું જીવન આપીશ.

માતા સ્કૂલમાં, પિતા મંદિરમાં નોકરી કરે છે
દીકરાની ઉપલબ્ધિ વિશે જયનાં માતા નીતાબેન મિસ્ત્રીએ જણાવ્યું હતું કે હું સ્કૂલમાં જોબ કરું છું, મારો 4000 પગાર છે અને મારા પતિ મંદિરમાં જોબ કરે છે, તેમનો 10,000 પગાર છે. અમે મહેનત કરીને અમારા દીકરાને ભણાવ્યો છે. તેનું સારું પરિણામ આવ્યું છે. હવે તેને જે ભણવું છે એ ભણાવીશું અને તેનું ભવિષ્ય અમારા જેવું નહીં, પરંતુ ઊજળું થાય એવા પ્રયત્ન કરીશું.

કોરોનામાં પિતા ગુમાવ્યા બાદ માતાના માર્ગદર્શનથી 90 ટકા મેળવ્યા
કોરોનામાં અનેક બાળકોએ માતા-પિતા ગુમાવ્યાં છે ત્યારે હર્ષ નામના વિદ્યાર્થીએ પણ પોતાના પિતા ગુમાવ્યા હતા. પિતા ગુમાવતાં જાણે પરિવારે પર આભ તૂટી પડ્યું હતું. ત્યારે અભ્યાસ પર અસર ન થાય એ માટે હર્ષના માતાએ પિતાની જેમ માર્ગદર્શન આપ્યું હતું અને પિતાની કમી પૂરી કરી ત્યારે આજે હર્ષે 12 કોમર્સમાં 90 ટકા મેળવ્યા છે અને હવે CA કરવાનો ગોલ છે.

CA બનીને પિતાનું સપનું પૂરું કરશે
હર્ષે જણાવ્યું હતું કે હું રોજ સ્કૂલમાં ભણતો, એ બાદ 2 કલાક ટ્યૂશનમાં ભણતો હતો. એ બાદ ઘરે રોજ 6-7 કલાક જાતે ભણતો હતો. 11 કોમર્સમાં હતો એ દરમિયાન મારા પિતાને કોરોના થયો હતો, જેમાં તેમનું મૃત્યુ થયું હતું. પિતા ગુમાવતાં પરિવારમાં સૌલોકો દુઃખી હતા, પરંતુ બીજી તરફ મારા અભ્યાસની ચિંતા હતી, જેથી મારા પરિવારમાં કાકા, ભાઈ, બહેન તથા માતાએ સપોર્ટ કર્યો હતો. અત્યારસુધી પિતા ભણાવતા હતા, પરંતુ તેમના ગયા બાદ તેમની કમી ખૂબ લાગતી હતી, જેથી માતાએ પિતાની જેમ માર્ગદર્શન આપવાનું શરૂ કર્યું હતું. આજે મારે 90 ટકા આવ્યા છે. હજુ મારે CA કરવું છે અને પપ્પાનું સપનું છે એ પૂરું કરવું છે.

લારીમાં ચપ્પલ વેચતા પિતાના દીકરાએ 95.13 PR મેળવ્યા
વડોદરા ગોત્રી ગામમાં જૂની પોસ્ટ ઓફિસ પાસે રહેતા અને ચપ્પલ વેચવાની લારી ચલાવી પરિવારનું ગુજરાન ચલાવતા પરિવારના હર્ષિલ અગ્રવાલ માટે ધોરણ 10માં આવેલા માત્ર 57 ટકા તેની જિંદગી માટે ટર્નિંગ પોઈન્ટ બન્યો છે. ધોરણ 12 કોમર્સમાં સતત 8 કલાક મહેનત કરીને હર્ષિલે 95.13 પર્સેન્ટાઇલ મેળવીને પોતાનું અને માતા-પિતાનું CA બનવાનું સપના સાકાર કરશે. એક રૂમ રસોડાના ભાડાના મકાનમાં રહેતા હર્ષિલના પિતા સતિષભાઈ અગ્રવાલ વિવિધ વિસ્તારોમાં ફરી ફરીને લારીમાં ચપ્પલ વેચવાનું કામ કરી રહ્યા છે અને પોતાના પરિવારનું ગુજરાન ચલાવવા સાથે 3 પુત્રને ઉચ્ચ શિક્ષણ આપવા માટે મહેનત કરી રહ્યા છે.

ધો-10માં ઓછા ટકા આવતા નાસીપાસ થયો
ગોત્રી વિસ્તારની શ્રી વિદ્યામંદિર વિદ્યાલયમાં અભ્યાસ કરનાર અને ગોત્રી ગામમાં રહેતા હર્ષિલ અગ્રવાલે જણાવ્યું હતું કે, મારા કાકાના પુત્ર દિપેશ CAનો અભ્યાસ કરી રહ્યો છે. મારે પણ CAનો અભ્યાસ કરવો હતો. ધોરણ 10માં 57 ટકા આવતા હું નાસીપાસ થઇ ગયો હતો. મારા માતા-પિતા પણ દુઃખી થયા હતા. પરંતુ, મારા મોટાભાઈ દિપેશે મને ધોરણ 12માં વધુ મહેનત કરવા માટે પ્રોત્સાહન આપતા મેં રોજ 8 કલાક અભ્યાસ કરવાનું શરૂ કરી દીધું હતું અને આજે મને મારી મહેનતનું અપેક્ષા મુજબનું ફળ મળ્યું છે. મને મારા ધારેલા ટકા પ્રમાણે રિઝલ્ટ મળતા હું ખુશ છું. હું આજે ચોક્કસપણે કહી શકું છું કે હું પણ આગળ જતા CA બનીશ અને મારા માતા-પિતાની પણ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ બનવાની ઇચ્છા પૂર્ણ કરીશ.

સ્મિત ચાંગેલાની તસવીર
સ્મિત ચાંગેલાની તસવીર

લખવા-ચાલવામાં અસમર્થ રાજકોટનો સ્મિત 99.97 PR લાવ્યો
રાજકોટની ધોળકિયા સ્કૂલમાં અભ્યાસ કરતા સ્મિત ચાંગેલા બાળપણથી જ ન્યૂરોપેથી રોગથી પીડાઇ છે. તે ચાલવામાં અને લખવામાં અસમર્થ છે. છતાં શારીરિક રીતે સશક્ત વિદ્યાર્થીઓને પછડાટ આપી છે. તેમણે આજે 99.97 PR સાથે ઝળહળતું પરિણામ હાંસલ કર્યું છે. આ પરિણામથી પરિવારમાં ખુશીનો કોઈ પાર નથી. સ્મિત ચાંગેલાએ દિવ્ય ભાસ્કર સાથેની વાતચીતમાં પોતાને IAS ઓફિસર બની પોતાની જેવા દિવ્યાંગ લોકોની સેવા કરવાનું સપનું હોવાનું જણાવ્યું હતું.

ગોપી વઘાસિયાની તસવીર
ગોપી વઘાસિયાની તસવીર

રત્નકલાકારની દીકરી લાવી 96.28 ટકા
મૂળ સૌરાષ્ટ્રની અને સુરતમાં રહેતા રત્નકલાકારની દીકરીએ ધો.12ની પરીક્ષામાં સફળતા મેળવી છે. ગોપી વઘાસિયાને 96.28 સાથે A-1 ગ્રેડ મળ્યો છે. ગોપીએ જણાવ્યું હતું કે, કોરોનાકાળમાં હોશિયાર વિદ્યાર્થીઓનું ગ્રુપ બનાવીને અરસપરસ ડાઉટ ફોન કરીને ક્લિયર સાથે આ સફળતા મેળવી છે. એમાં શિક્ષકો, માતા-પિતાનો પૂરતો સપોર્ટ મળ્યો હતો. પિતાએ કાળી મજૂરી કરી હોવાથી આગામી સમયમાં પિતાને ગૌરવ થાય એ પ્રકારે સીએ બનીને નામ રોશન કરવાની ઈચ્છા છે.

અન્ય સમાચારો પણ છે...