તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કરૂણાંતિકા:વટવામાં સામૂહિક આત્મહત્યા કરનાર પરિવારની પુત્રવધૂએ ગળાફાંસો ખાધો

અમદાવાદએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • સ્યુસાઇડ નોટમાં લખ્યું, બાળકો-પતિ વિના હું જીવી શકું તેમ નથી

હાથીજણ સર્કલ પાસે પ્રયોસા રેસિડેન્સીમાં બે મહિના પહેલાં બે સગાભાઈએ તેમનાં ચાર બાળક સાથે સામૂહિક આપઘાત કર્યો હતો. મૃતકો પૈકી મોટાભાઈ અમરીશ પટેલનાં પત્ની જયોતિબેને હાથીજણમાં ફાંસો ખાઈને આપઘાત કર્યો છે. પ્રાથમિક તપાસમાં પતિ અને સંતાનોના વિરહમાં તેઓ માનસિક રીતે પડી ભાંગ્યા હોવાનું જણાયું હતું.

બે મહિના પહેલાં 4 બાળકની હત્યા કરી બે ભાઈએ આપઘાત કર્યો હતો
હાથીજણમાં ભાડાના મકાનમાં રહેતાં જયોતિબેન અમરીશભાઈ પટેલે ગત 20 ઓગસ્ટે પોતાના ઘરમાં ફાંસો ખાઈ આપઘાત કર્યો હતો. આ ઘટના અંગે વિવેકાનંદનગર પોલીસને જાણ થતાં પોલીસે સ્થળ પર પહોંચી તપાસ કરતા ઘટના સ્થળેથી સુસાઇડ નોટ મળી આવી હતી, જેમાં જયોતિબેને તેમની માતાને સંબોધીને પોતે પતિ અને બાળકોનો વિરહ જીરવાતો ન હોવાથી આ પગલું ભરી રહ્યાં હોવાનું જણાવ્યું હતું.

અત્રે નોંધનીય છે કે, બે મહિના પહેલાં જયોતિબેનના પતિ અમરીશ પટેલ તેમના નાનાભાઈ ગોરાંગભાઈ તેમના બંનેનાં મળી 4 સંતાનો સાથે હાથીજણ સર્કલ પાસે આવેલ પ્રયોસા રેસિડેન્સીના મકાનમાં સામૂહિક આત્મહત્યા કરી લીધી હતી. તપાસમાં બહાર આવ્યું હતું કે, બંને ભાઈ કાર ભાડે આપવાનું કામ કરતા હતા. જોકે એક ગેંગે તેમની સાથે આઠથી દસ કારની છેતરપિંડી કરતા બંને ભીંસમાં આવી ગયા હતા. આથી માનસિક રીતે ભાંગી પડેલા બંને ભાઈ છોકરાઓને ફરવા લઈ જવાનું કહી ઘરેથી નીકળ્યા હતા અને તેમની માલિકીના પ્રયોશા રેસિડેન્સીના ફ્લેટમાં ગયા હતા. જ્યાં તેમણે બાળકોને દવા પીવડાવી ફાંસો આપી બંને ભાઈઓએ પણ ફાંસો ખાઈ લીધો હતો. આ ઘટનાને માંડ બે મહિના વીત્યા છે ત્યાં આ જ પરિવારના મોટાભાઈની પત્નીએ આત્મહત્યા કરતા હાથીજણ વિસ્તારમાં અરેરાટી ફેલાઈ છે.

‘પતિ, દિયરની આત્મહત્યા હું ભૂલાવી શકતી નથી’
જયોતિબેન પટેલે આત્મહત્યા કરતા પહેલાં તેમના ફોઈ અને ફુવાને સંબોધીને એક પત્ર લખ્યો હતો, જેમાં લખ્યું હતું કે, ફોઈ-ફુઆ મારી મમ્મીનું ધ્યાન રાખજો. પોતાની માતાને સંબોધીને લખ્યુ હતુ મમ્મી મને માફ કરજે, તારી તબિયતનું ધ્યાન રાખજે, તુ ગોધરામાં જ રહેજે. બે મહિના પહેલા મારા પતિ અન દિયરે સંતાનો સાથે આત્મહત્યા કરી લીધી તે ઘટનાને હું હજુ ભૂલી શકતી નથી. મારાં સંતાનો રહ્યાં નથી, સંતાનો નથી પછી જીવવાનો કોઈ મતલબ નથી. હું હવે જીવી શકું તેમ નથી તેથી આ પગલું ભરી રહી છું.

અન્ય સમાચારો પણ છે...