LRD ભરતી:લોકરક્ષક દળની પરીક્ષા માટેની તારીખ લગભગ નક્કી, 10 ડિસેમ્બર સુધીમાં શારીરિક પરીક્ષાઓ શરૂ થશે, જે બે મહિના સુધી ચાલશે

અમદાવાદ3 મહિનો પહેલા
આ પ્રતીકાત્મક તસવીર છે
  • લેખિત પરીક્ષા માટેના કોલ લેટર 20 નવેમ્બર આસપાસ ઇસ્યુ થઈ શકે છે

પોલીસતંત્રમાં લોકરક્ષક દળની ભરતીની પરીક્ષા માટેની શારીરિક કસોટી 1થી 10 ડિસેમ્બર વચ્ચે શરૂ થઈ શકે છે તથા લેખિત પરીક્ષા માટેના કોલ લેટર 20 નવેમ્બર આસપાસ ઇસ્યુ થઈ શકે છે. ભરતી બોર્ડના ચેરમેન હસમુખ પટેલે પ્રેસ-કોન્ફરન્સના માધ્યમથી આ વાતની જાણ કરી હતી.

આ પણ વાંચો: LRDના ઉમેદવારોને મૂંઝવતા તમામ સવાલોના જવાબ

લેખિત પરીક્ષા માર્ચના પહેલા અઠવાડિયામાં
ભરતી બોર્ડના ચેરમેન હસમુખ પટેલ પ્રેસ-કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે ભરતી પ્રક્રિયાની શારીરિક કસોટી બે મહિના સુધી ચાલશે, એટલે કે જો શારીરિક કસોટી 10 ડિસેમ્બરે શરૂ થાય તો એ 10 ફેબ્રુઆરી સુધીમાં પૂર્ણ થઈ શકે છે. માર્ચના પહેલા અઠવાડિયામાં કોન્સ્ટેબલની લેખિત પરીક્ષા લેવાની સંભાવના છે. ભરતીની પ્રક્રિયામાં આવતી સમસ્યાઓના આધારે આ તારીખોમાં ફેરફાર થઈ શકે છે, પરંતુ ઉમેદવારો આ તારીખને ધ્યાનમાં રાખીને તૈયારી કરશે તો તેમને પૂરતો સમયગાળો મળી શકે છે.

11 લાખથી વધુ ફોર્મ ભરાયાં
નોંધનીય છે કે 10 હજાર 988 જગ્યાની ભરતીમાં 11 લાખ 13 હજાર 251 ઉમેદવારી ફોર્મ ભરાયાં છે, જેમાં 8 લાખ 68 હજાર 422 ફોર્મ કન્ફર્મ થયાં છે. ભરતીમાં 6 લાખ 35 હજાર પુરુષ ઉમેદવારો અને 2 લાખ 33 હજાર 414 મહિલા ઉમેદવારે ફોર્મ ભર્યાં છે. ફોર્મ ભરવા માટે આજે મંગળવારને લાભ પાંચમે છેલ્લો દિવસ છે.

LRDની ભરતીનું ટાઈમ-ટેબલતારીખ
કોલ લેટર ઇસ્યુ થવાની તારીખ20 નવેમ્બર
શારીરિક પરીક્ષા1થી 10 ડિસેમ્બર
લેખિત પરીક્ષા

માર્ચનું પહેલું અઠવાડિયું

(આ પરીક્ષાની તારીખનું સંભવિત ટાઈમ ટેબલ છે)
આજે ફોર્મ ભરવાનો છેલ્લો દિવસ
આ વર્ષે નવા રચાયેલા LRD ભરતી બોર્ડના અધ્યક્ષ હસમુખ પટેલે ઉમેદવારી ફોર્મ ભરવાના એક દિવસ અગાઉ ટ્વિટરના માધ્યમથી કમ્પ્યુટર સર્ટિફિકેટની હાલ જરૂર નથી એવી સ્પષ્ટતા કરી હતી. આ સર્ટિફિકેટ ભરતી પ્રક્રિયાના અંતિમ તબક્કે પસંદગી પામેલા ઉમેદવારને દસ્તાવેજ ચકાસણી દરમિયાન રજૂ કરવાનું હોય છે. પોલીસમાં વર્ગ- 3માં ત્રણ સંવર્ગોમાં પાંચ વર્ષ રૂ.19 હજાર 950ના ફિક્સ પગારે જાહેર થયેલી LRD ભરતીમાં 9 નવેમ્બરને લાભ પાંચમની રાતે 11-59 કલાક સુધી ઉમેદવારી ફોર્મ ભરી શકાશે.

સરકારે ભરતીની મર્યાદામાં એક વર્ષનો વધારો કર્યો
લોકરક્ષક દળમાં બિનહથિયારધારી કોન્સ્ટેબલની 5,212, હથિયારધારી કોન્સ્ટેબલની 797 અને એસઆરપી કોન્સ્ટેબલની 4,450 જગ્યા માટે ભરતી થશે, જેમાં મહિલાઓ માટે એસઆરપી સિવાયની બંને કેટેગરીમાં મળીને 1983 જગ્યા અનામત રખાઇ છે. સરકારે તમામ ભરતીઓ માટેની મહત્તમ વય મર્યાદામાં એક વર્ષનો વધારો કરવાનો નિર્ણય લીધો હોવાથી આ ભરતી માટે મહત્તમ વય મર્યાદા 34 વર્ષ રાખી છે. ફિઝિકલ ટેસ્ટમાં પાસ થનારા ઉમેદવારો લેખિત પરીક્ષા આપી શકશે.