અમદાવાદ શહેરના પૂર્વમાં વિસ્તારમાં વિવેકાનંદ નગર સેક્ટર-2 પાસે ખારી નદીના કિનારે આવેલું વર્ષો જૂનું સ્મશાન અને તેમાં આવેલું મેલડી માતાનું મંદિર AMCએ તોડી નાંખ્યું છે. આ ઉપરાંત અઘોરીની સમાધિસ્થાન મ્યુનિસિપલ કોર્પોરેશનના પૂર્વ ઝોનના એસ્ટેટ વિભાગ દ્વારા તોડી પાડવામાં આવતા સ્થાનિકોમાં રોષ ફેલાયો છે. વર્ષોથી સરકારની જમીન ઉપર બનેલું આ ગામ સ્મશાન છે અને તેમાં કોરોનાકાળ દરમ્યાન મૃત્યુ પામેલા 200થી વધુ લોકોની અંતિમવિધિ કરવામાં આવી હતી. સૂત્રો મુજબ તાજેતરમાં મ્યુનિસિપલ કમિશનર હાથીજણ પાસે બાજુમાં આવેલા બાયોડાયવર્સિટી પાર્કની મુલાકાતે ગયા ત્યારે તેઓએ આ સ્મશાન જોયું હતું. આ બાયોડાયવર્સિટી પાર્ક છે, જેના કારણે હવે આ સ્મશાન અને મંદિરને તોડવામાં આવ્યું છે.
આ બાબતે મારે જાણવું પડશે, મને ખબર નથીઃ ડે.મ્યુનિ.કમિશનર
પૂર્વ ઝોનના ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર જે.એન.વાઘેલાએ જણાવ્યું હતું કે, વિવેકાનંદનગર વિસ્તારમાં કોરોનાકાળ દરમ્યાન કામચલાઉ સ્મશાન ઊભું કરવામાં આવ્યું હતું. બાયોડાઈવર્સિટી પાર્કની જગ્યામાં આ સ્મશાન હતું. જે તે સમયે આ સ્મશાન માટે જગ્યાનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. પરંતુ હવે તેને પાછી લેવામાં આવી છે. જોકે તેમણે ત્યાં વર્ષોથી બનેલા મંદિર અને અઘોરી સમાધિ સ્થાનના બાંધકામના તોડવા બાબતે જણાવ્યું હતું કે, આ બાબતે મારે જાણવું પડશે મને ખબર નથી.
અચાનક જ એસ્ટેટ વિભાગના અધિકારીઓ પહોંચ્યા
વર્ષોથી આ સ્મશાનમાં સેવા આપતા અરવિંદગિરી ગોસ્વામીએ દિવ્ય ભાસ્કર સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, વર્ષોથી આ સ્મશાન છે અને કોરોનાકાળ દરમ્યાન અનેક લોકોના અંતિમ સંસ્કાર ત્યાં કરવામાં આવ્યા છે. વર્ષોથી મેલડી માતાનું મંદિર ત્યાં આવેલું છે. પરંતુ આજે કોઈ કારણોસર મ્યુનિસિપલ કોર્પોરેશનના એસ્ટેટ વિભાગના અધિકારીઓ ત્યાં પહોંચી ગયા હતા. હાથીજણ ગામ અને વિવેકાનંદનગર વિસ્તારમાં મૃત્યુ પામતા લોકોના આ સ્મશાનમાં અંતિમ સંસ્કાર કરવામાં આવે છે. કોર્પોરેશન દ્વારા આ સ્મશાન તોડી પાડવામાં આવતા અનેક સવાલો ઉભા થયા છે.
આ સ્મશાનમાં AMCએ જ લોખંડની ઘોડી નાંખી હતી
હાથીજણ વિસ્તારમાં આવેલા વિવેકાનંદનગર સેક્ટર-2માં આ સ્મશાનમાં ભૂતપૂર્વ કોર્પોરેટર અતુલ પટેલે 2019-20માં લોખંડની ઘોડી નાખવા બજેટ ફાળવ્યું હતું. આ લોખંડની ઘોડી કોર્પોરેશન દ્વારા નાખવામાં આવી હતી. સ્મશાનગૃહમાં સ્થાનિક સેવકો દ્વારા વિના મૂલ્ય લાકડાં પુરા પાડી સેવા આપવામાં આવતી હતી. જે તોડી નાખતા મ્યુનિસિપલ કોર્પોરેશન અને ભાજપના સત્તાધીશો સામે રોષ ફેલાયો છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.