તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

નનામીની માંગ વધી:સ્મશાનમાં અગાઉ મહિને 25 હજાર નંગ વાંસના લાકડા જતા, હવે પ્રતિદિન 6થી 7 હજારની માંગ, 5ની જગ્યાએ 22 કારીગરો કામ કરે છે

અમદાવાદ2 મહિનો પહેલા
  • વાંસના લાકડા નનામી માટે પણ વપરાય છે
  • દિવસ રાત કામ કરીને વાંસનો સપ્લાય અપાય છે છતાં માંગણી હજુ યથાવત જ છે

અમદાવાદ: કોરોનાની બીજી લહેર ઘાતક સાબિત થઈ છે જેમાં કેસ વધતા હોસ્પિટલ તો ફૂલ થઈ છે સાથે મૃત્યુઆંક વધતા સ્મશાનમાં પણ હવે અંતિમ સંસ્કાર 24 કલાક સતત ચાલુ જ છે. જેને કારણે સ્મશાનમાં વાપરતા વાંસના લાકડાની માંગણીના વધારો થયો છે. દિવસ રાત કામ કરીને વાંસનો સપ્લાય અપાય છે છતાં માંગણી હજુ યથાવત જ છે.

વાંસના લાકડાની માગમાં 8થી 10 ગણો વધારો
શહેરમાં અનેક સ્મશાન આવેલ છે જેમાં હાલ કોરોનાથી મૃત્યુ થયેલ લોકોના અંતિમ સંસ્કાર કરવામાં આવે છે. મોટા ભાગના સ્મશાનમાં CNG ભઠ્ઠીમાં અગ્નિ સંસ્કાર કરવામાં આવે છે, ત્યારે ભઠ્ઠીમાં મૃતદેહ વાંસના લાકડા પર મૂકીને અંતિમ સંસ્કાર કરવામાં આવી રહ્યા છે. અંતિમ સંસ્કારમાં વાંસના લાકડાનો ઉપયોગ કરવામાં આવે તો મોક્ષ પણ મળે તેવી હિન્દુ ધર્મમાં માન્યતા છે જેથી તેનો વધુ ઉપયોગ થઈ રહ્યો છે. વાંસના લાકડા નનામી માટે પણ વપરાય છે. સામાન્ય દિવસો કરતા અત્યારે વાંસના લાકડાની માગણીમાં 8થી 10 ગણો વધારો પણ થયો છે.

અંતિમ સંસ્કાર માટેનું કામ કરવા કોઈ તૈયાર નથી
અંતિમ સંસ્કાર માટેનું કામ કરવા કોઈ તૈયાર નથી

રોજ 6 હજારથી વધુ લાકડાની માંગ
વાંસના લાકડાના વેપારી ગોવિંદભાઈએ જણાવ્યું હતું કે, તેઓની છઠ્ઠી પેઢી છે જે વાંસનો વેપાર કરે છે. અત્યારે કોરોનાના કારણે મૃત્યુ વધી રહ્યા છે જેથી મ્યુનિ. કોર્પોરેશનમાં તેમની સપ્લાય છે તે પણ વધ્યો છે. રાત-દિવસ કારીગરો સતત કામ કરી રહ્યા છે અને કોર્પોરેશનની વાંસની માંગણી પુરી કરી રહ્યા છે. અગાઉ દર મહિને 20થી 25 હજાર વાંસના લાકડાની માંગ હતી જે અત્યારે વધીને પ્રતિદિન 6 હજારથી પણ વધુ છે. અગાઉ 5 કારીગરો કામ કરતા હતા તેની જગ્યાએ 22 કારીગરો કામ કરી રહ્યા છે. શહેરના અલગ અલગ 3 વિસ્તારમાં સતત કામ કરીને સ્મશાનમાં વાંસના લાકડા પૂરા પાડે છે.

શહેરના અલગ અલગ 3 વિસ્તારમાં સતત કામ કરીને સ્મશાનમાં વાંસના લાકડા પૂરા પાડે છે.
શહેરના અલગ અલગ 3 વિસ્તારમાં સતત કામ કરીને સ્મશાનમાં વાંસના લાકડા પૂરા પાડે છે.

લોકોને ઝડપી મોક્ષ મળે તે માટે પ્રયત્ન કરીએ છીએ
ગોવિંદભાઈએ જણાવ્યું હતું કે, આ વેપાર ના નફા કે નુકસાન ના હેતુથી કરવામાં આવી રહ્યો છે. 4.97 રૂપિયાના નજીવા ભાવે લાકડા આપીને લોકોને ઝડપથી મોક્ષ મળે તે માટે પ્રયત્ન કરી રહ્યા છે. તેમના ત્યાં કોઈ વ્યક્તિ નનામી માટે વાંસના લાકડા આવે તો તેઓ વિના મૂલ્યે પણ આપી દે છે. ગોવિંદભાઈનું માનવું છે કે, અત્યારની પરિસ્થિતિમાં તેમને જે સેવા કરી છે તેના જ કારણે તેમના પરિવારમાં કોઈ સંક્રમિત થયું નથી. મહામારી ચાલુ રહેશે ત્યાં સુધી તેઓ તેમનાથી બનતી સેવા આપવા તૈયાર છે.

અગાઉ 5 કારીગરો કામ કરતા હતા તેની જગ્યાએ 22 કારીગરો કામ કરી રહ્યા છે
અગાઉ 5 કારીગરો કામ કરતા હતા તેની જગ્યાએ 22 કારીગરો કામ કરી રહ્યા છે

વેપાર વધતા પણ કોઈ ખુશી નથી: વેપારી
વધુમાં તેમણે જણાવ્યું હતું કે, અત્યારે અંતિમ સંસ્કાર માટેનું કામ કરવા કોઈ તૈયાર નથી ત્યારે તેઓ વર્ષોથી આ કામ સાથે સંકળાયેલા છે તેમને તેમના પુત્રને પણ આ કામ શીખવી દીધું છે. અત્યારે સમયસર અને નજીવા ભાવે વાંસના લાકડા પૂરા પાડી તેમને રોજગારી મળે છે પરંતુ આ પ્રકારે વેપાર વધવાને લીધે તેમને પણ કોઈ ખુશી નથી.