કોર્ટમાં PSIનો ઊધડો લેવાયો:કોર્ટે મહિલા PSIની ઝાટકણી કાઢી, 7500 રૂપિયા દંડ ફટકાર્યો

અમદાવાદ7 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • જ્યાં સુધી તપાસ કરનારા અધિકારી સમન્સ વોરંટની બજવણી ના કરે ત્યાં સુધી દરેક મુદત પેટે 2500 રૂપિયા વળતર પેટે જમા કરાવવાના રહેશે
  • કોર્ટે જામનગર પોલીસ અધીક્ષકને પત્ર લખીને મહિલા PSIની કડક આલોચના કરી
  • મહિલા PSIની સર્વિસ બુકમાં વર્તણૂકની નોંધ કરીને કોર્ટને જાણ કરવા નિર્દેશ કરાયો

ગાંધીધામ-કચ્છના બીજા અધિક સિવિલ જજ તથા જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ ફર્સ્ટ કલાસ એમ.કે. શાહે ફરિયાદીને ધક્કા ખવડાવવા બદલ વળતર પેટે જામનગર સિટીએ ડિવિઝન પોલીસ સ્ટેશનનાં મહિલા PSI આઇ. આઇ. નોઇડાના પગારમાંથી 7500 રૂપિયા પ્રિન્સિપલ સિનિયર સિવિલ જજ, ગાંધીધામની કોર્ટમાં નાજીર શાખામાં જમા કરાવવા હુકમ કર્યો છે. તપાસ કરનાર અધિકારી નોઇડા સમન્સ વોરંટની બજવણી ના કરે ત્યાં સુધી આ કેસમાં જેટલી મુદત પડે એ દરેક મુદત પેટે ફરિયાદીને 2500 રૂપિયા વળતર પેટે તપાસ કરનાર અધિકારી આઇ.આઇ. નોઇડાએ જમા કરાવવાના રહેશે. નોઇડાની સર્વિસ બુકમાં આ પ્રકારની વર્તણૂકની નોંધ કરી અત્રેની કોર્ટને તાત્કાલિક જાણ કરી સર્વિસ બુકનો ઉતારો મોકલી આપવા જામનગર જિલ્લાના પોલીસ અધીક્ષકને નિર્દેશ કર્યો છે. જો આપના મારફત યોગ્ય કાર્યવાહી કરવામાં નહીં આવે તો નાછૂટકે અમારે આગળની કાર્યવાહી કરવી પડશે એમ પણ નોંધ્યું છે.

કોર્ટે વધુમાં એ પણ નોંધ કરી છે કે તપાસ કરનાર અધિકારી આઇ.આઇ. નોઇડાને યોગ્ય માર્ગદર્શન પૂરું પાડશો. આ કાર્યવાહી બાદ પણ તપાસ કરનાર અમલદાર પોતાની વર્તણૂકમાં કોઈ ફેરફાર નહીં થાય તો ના છૂટકે ડાયરેકટર જનરલ ઓફ પોલીસને આ બાબતે ધ્યાન પર લાવવું પડશે. તપાસ કરનાર અમલદારની આવી વર્તણૂકની કરેલી છે. જેથી યાગ્ય કાર્યવાહી કરવા ઘટતું કરવું અને આ કેસના આરોપીઓને સમન્સ, વોરંટ અને જામીનદારોને જપ્તી વોરંટ આ સાથે બીડેલ છે. જે વોરંટ અને જપ્તી વોરંટની બજવણી કરીને 5મી ઓગસ્ટ 2022ની મુદત પહેલાં સદર વોરંટ અને જપ્તી વોરંટની બજવણી કરી અત્રેની કોર્ટમાં તાત્કાલિક પરત કરવા આદેશ આપ્યો છે.

ગાંધીધામ-કચ્છના બીજા અધિક સિવિલ જજ તથા જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ ફર્સ્ટ કલાસ મોહિતકુમાર કીર્તિકુમાર શાહે જામનગર પોલીસ અધીક્ષકને 16મી જુલાઇ-2022માં પાઠવેલા પત્રમાં નોંધ્યું છે કે ફરિયાદી હેમલબેને 17-4-2014ના રોજ મહિલા પોલીસ સ્ટેશન, પૂર્વ કચ્છ ગાંધીધામ ખાતે ઇ.પી.કો. કલમ 498 ( ક ) , 323, 504, 506 ( 2) 114 તથા દહેજ પ્રતિબંધક ધારાની કલમ 3,7 મુજબના ગુનાની ફરિયાદ આપી હતી. આ ફરિયાદ દાખલ કરીને મહિલા પોલીસ સ્ટેશને દાખલ કરીને આ તપાસ મહિલા વધુમાં PSI નોઇડા દ્વારા કરવામાં આવી હતી. આ કામની તપાસ પૂર્ણ કર્યા બાદ અત્રેની કોર્ટમાં ફોજદારી કેસ નં. 4299-2014થી આ ગુનાના કામની ચાર્જશીટ દાખલ કરવામાં આવી હતી. આ ગુનાના આરોપીઓને તથા તેના જામીનદારોને લોકલ પોલીસ સ્ટેશન મારફત વારંવાર સમન્સ, વોરંટ, જામીનદારનું જપ્તી વોરંટ કાઢતાં બજીને પરત આવ્યું ન હતું. છેલ્લાં 7-8 વર્ષથી અત્રેની કોર્ટમાં કાઢવામાં આવેલા સમન્સ- વોરંટ, જામીનદારનું જપ્તી વોરંટ બજતા ના હોઈ, આ કામે સુપ્રીમ કોર્ટ તથા ગુજરાત હાઇકોર્ટના ચુકાદાના સિદ્ધાંતોને આધીન તપાસ કરનારા અમલદાર મારફત આરોપીઓ તેમ જ જામીનદારોના જપ્તી વોરંટ બજવણી કરવાનો સિદ્ધાંત પ્રતિપાદિત કરેલો હોય, આ કામની તપાસ કરનારા અધિકારી (આઇ.ઓ.) આઇ.આઇ. નોઇડા મારફત સમન્સ, વોરંટ, બજવણી કરવા માટે આપ્યા હતા, પરંતુ તરફથી બજવણી કરવામાં આવી ન હતી તથા તેમણે સદર સમન્સ, વોરંટને ફૂટબોલની જેમ જામનગરથી ગાંધીધામ મહિલા પોલીસ સ્ટેશનથી મહિલા પોલીસ સ્ટેશન, જામનગર પોલીસ સ્ટેશન સમન્સ, વોરંટને ફૂટબોલની માફક જેમ-તેમ અહીંથી ત્યાં ફેંકેલા છે અને સમન્સ, વોરંટ બજ્યા વગર જેમના તેમ કોઇપણ શેરા વગર પરત ફરેલા હતા, જેથી કોર્ટે તપાસ કરનારાં અધિકારી આઇ.આઇ. નોઇડાને અત્રેની કોર્ટની જાવક નં. 171-2022થી તા.27-5-2022ના રોજ કોર્ટ ઓફ કન્ટેમ્પ્ટની નોટિસ આપવામાં આવી હતી અને તા.5-7-2022 સુધી પકડ વોરંટ તથા જામીનદારના જપ્તી વોરંટ બજવણી અર્થે બજવણી કરવા મોકલી આપ્યા હતા, પરંતુ તપાસ કરનાર અધિકારી નોઇડાએ સમન્સ વોરંટને બજાવેલું નથી અને ઉદ્ધતાઇપૂર્વક અને ઉડાઉ રીતે જવાબ આપ્યો છે, જેને કારણે વોરંટ બજ્યો નથી. તેમના જવાબમાં તેમણે એવા કથન કરેલા કે વોરંટ અને જામીનદારના જપ્તી વોરંટની બજવણી જામનગર જિલ્લાથી કાયદેસર કાર્યવાહીના ભાગરૂપે કરી શકે એમ નથી. તેમની સત્તા બહારનું અલ્ટ્રા વાઇરસ કૃત્ય ગણાય. પોતાના જ્યુરિડિકશન બહારના વગેરેના ભારેખમ શબ્દોનું ઉપયોગ કરી તેવા શબ્દો વાપર્યા છે, પરંતુ આવા શબ્દોનો ઉપયોગ કરીને કોર્ટની અવમાનના કરેલી છે તથા સુપ્રીમ કોર્ટ તથા ગુજરાત હાઇકોર્ટના વિવિધ ચુકાદાઓમાં પ્રતિપાદિત કરેલા સિદ્ધાંતો છે, એને માનવા દરેક કોર્ટ તથા ભારત દેશના દરેક નાગરિક એનું પાલન કરવા તથા માનવા બંધાયેલો છે.

કોર્ટે વધુમાં પત્રમાં નોંધ્યું છે કે કોઇપણ તપાસ કરનારા અમલદાર જિલ્લા બદલી થવાથી તેમને જે તપાસ પૂર્ણ કરેલી હોય તો એમાં સાક્ષી-આરોપીઓને હાજર રાખવાની જવાબદારીમાંથી છટકી શકે એમ નથી. સરકારી કર્મચારી તો જે દિવસે સરકારી નોકરીમાં જન્મે ત્યાંથી મૃત્યુ પામે ત્યાં સુધી સરકારી કર્મચારી રહે છે અને તે જીવનપર્યંત પોતાની ફરજના ભાગરૂપે જે કાર્ય કરેલું હોય એ અનુસંધાને આનુષંગિક દરેક કાર્ય માટે જવાબદાર રહે છે.

ગુજરાત હાઇકોર્ટ તથા સુપ્રીમ કોર્ટના ચુકાદાઓને ટાંકીને કોર્ટે વધુમાં પત્રમાં નોંધ્યું છે કે હવે આ કામમાં છેલ્લાં 7 વર્ષથી લોકલ પોલીસ સ્ટેશન મારફત સમન્સ વોરંટની બજવણી થતી ન હોઈ, તપાસ કરનારા અધિકારીને બોલાવીને તેમને સમન્સ, વોરંટ અત્રેથી આપ્યા છે એ બજાવ્યા નથી. જેમના તેમ શેરા વગર પરત કરેલા છે ત્યાર બાદ બીજીવાર તેમને કોર્ટ ઓફ કન્ટેમ્પ્ટની નોટિસ સાથે સમન્સ, વોરંટ આપ્યું હોવા છતાં તેમણે બજવણી કરી નથી. જેથી આ PSI આઇ.આઇ. નોઇડાએ અત્રેની કોર્ટના હુક્મનું પાલન કર્યું નથી. સુપ્રીમ કોર્ટ તથા હાઇકોર્ટ દ્વારા જે સિદ્ધાંતો પ્રસ્થાપિત કરેલા છે એનું વર્ણન કર્યું છે અને એના વિરુદ્ધનું કાર્ય કર્યું છે. આ આઇ.આઇ. નોઇડાએ સ્ત્રીપાત્ર હોઇ અને આ કામના ફરિયાદી પણ સ્ત્રીપાત્ર હોઇ, તેઓ સ્ત્રીનું દુઃખ સારી રીતે સમજતા હોય. તેમ છતાં આ કામના ફરિયાદીએ ન્યાયની ઝંખના માટે કોર્ટના ધક્કા કાય છે તેમ છતાં તેઓ સદર કેસની ગંભીરતા લેતા નથી તથા પોતાની જિલ્લા બહાર ટ્રાન્સફર થઇ ગઈ છે. સદર વોરંટની બજવણી કરવા માટે જિલ્લા બહાર જવું પડે એમ હોય, પરંતુ એસ.પી.ની મંજૂરી વગર હેડ કવાર્ટર છોડી શકીએ નહીં. જેથી સદર વોરંટ બજવણી કામગીરી થઇ શકે તેમ નથી તેવો જવાબમાં લખેલો છે, પરંતુ તેમણે એસ.પી.ની કોઇ પરવાનગી માગી હોય, એસ.પીની પરવાનગી લેવા માટે કોઇ તજવીજ કરેલી હોય એવું આ કોર્ટના રેકોર્ડમાં રજૂ નથી. એસ.પી.એ કોઇ પરવાનગી આપેલી ના હોય અને વોરંટ પરત કરેલા હોય તેવી હકીકત પણ રેકોર્ડ પર આવતી નથી. ત્યારે આઇ.ઓ. આઇ.આઇ. નોઇડાના આવા પ્રકારની વર્તણૂકથી તપાસ કરનાર અધિકારી દ્વારા તેઓ સમન્સ વોરંટની બજવણી કરવા તૈયાર નથી એવું જણાઇ આવે છે. સુપ્રીમ કોર્ટ તથા ગુજરાત હાઇકોર્ટના ચુકાદા મુજબ તેમનો પગાર બંધ કરવાનો અત્રેની કોર્ટને ઉચિત માને છે.

ગુજરાત હાઇકોર્ટના ચુકાદાને ટાંકીને કોર્ટે વધુમાં પત્રમાં નોંધ્યું છે કે ચુકાદામાં તપાસ કરનારને સમન્સ, વોરંટ આપ્યા બાદ બજવણી ના કરે તો કન્ટેમ્પ્ટની નોટિસ આપવી જોઇએ. અત્રેની કોર્ટ દ્વારા આ બંને સિદ્ધાંતોનું પાલન કર્યું છે અને તેમને યોગ્ય અને વાજબી તક આપવા છતાં બજવણી કરી નથી અને પોતાની ફરજમાં ચૂક કરેલી છે, જેથી તપાસ કરનાર અધિકારીની પોતાની ફરજ ચૂકે તો તો ડાયરેકટર જનરલ ઓફ પોલીસને તેમના આવી વર્તણૂક ધ્યાન પર લાવવાનું તથા તેમની સર્વિસ બુકમાં નોંધ કરવા માટે જણાવેલું છે.

અન્ય સમાચારો પણ છે...