તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

નિષ્ફળતા:દેશનું 7મા નંબરનું સૌથી વ્યસ્ત અમદાવાદ અદાણી એરપોર્ટ બર્ડ હિટના બનાવો ટાળવામાં નિષ્ફળ,3 વર્ષમાં 59 ઘટનાઓ નોંધાઈ

અમદાવાદ2 મહિનો પહેલાલેખક: અદિત પટેલ
  • કૉપી લિંક
  • ચોમાસામાં અવારનવાર બર્ડ હિટની ઘટનામાં વધારો છતાંય નવી ટેક્નોલોજીની રાહ જોવાઈ રહી છે

અમદાવાદ એરપોર્ટ બર્ડ હિટની અનેક ઘટનાઓ બનતી રહે છે. છેલ્લા ત્રણ વર્ષની વાત કરીએ તો અહીં કુલ 59 બર્ડ હિટની ઘટના ઘટી છે. આ સિવાય અનેક અન્ય દુર્ઘટનાઓના કારણે પણ એરપોર્ટ ચર્ચામાં રહ્યું છે. જેમ કે, ટાયર ફાટવું, એન્જિનમાંથી ધુમાડા નીકળવા તેમજ રનવે પર 2 વિમાન સામસામે આવી જવા જેવી ઘટનાને પગલે હજારો પ્રવાસીઓના જીવ તાળવે ચોંટી ગયા હોય તેવી ઘટનાઓ અવાર નવાર બનતી રહે છે.અમદાવાદ ઉપરાંત વડોદરા, રાજકોટ, સુરત, કંડલા એરપોર્ટ પર બર્ડહિટની ઘટનાઓ નોંધાઈ છે.

અમદાવાદ દેશમાં 7મું સૌથી વ્યસ્ત એરપોર્ટ છે.
છેલ્લા 3 વર્ષમાં 59 બર્ડ હિટની ઘટનાઓ જેમાં કેટલાક કિસ્સામાં તો એન્જીન સાથે બર્ડ હિટ થતાં તેની બ્લેડ પણ તૂટી ગઈ હતી અને ઈમરજન્સી લેન્ડિંગ કરાવું પડ્યું હતું. જેમાં પ્લેનમાં બેસેલા મુસાકરોના જીવ અઘ્ધર થઈ ગયા હતા. આ જે ઘટના છે એ થોડા દિવસ પહેલા જ અમદાવાદ એરપોર્ટ પર ઘટી છે. આ એરપોર્ટ પર છેલ્લા 1 વર્ષમાં 40 હજાર 209 એરક્રાફ્ટનો ધસારો જોવા મળ્યો છે. જેથી અનુમાન લગાવી શકાય કે આ રનવે પર જો હવે બર્ડ હિટ થાય તો કેટલી મોટી દુર્ઘટના ઘટી શકે છે. આ એરપોર્ટને દેશનું 7મા નંબરનું સૌથી વ્યસ્ત એરપોર્ટ માનવામાં આવે છે.

મુસાફરોની જવાબદારી એરપોર્ટ અને એરલાઈન્સની
અમદાવાદ એરપોર્ટ પર એપ્રિલ 2020 થી માર્ચ 2021 સુધી 36 લાખ 42 હજાર 413 જેટલા મુસાફરોની અવરજવર થઈ હતી. જ્યારે એપ્રિલ 2019 થી માર્ચ 2020માં 1 કરોડ 14 લાખ 32 હજાર 996 મુસાફરોની અવરજવર થઈ હતી. હવે લોકો પણ આ ઘટનાને લઈને ઘણા ચિંતિત છે. કારણ કે ગુજરાતનું સૌથી મોટું એરપોર્ટ આ અમદાવાદ અદાણી એરપોર્ટ છે. હવે આમાં આવનાર મુસાફરોની તમામ જવાબદારી એરલાઇન્સ અને એરપોર્ટની હોય છે. જો આવી રીતે જ આ બર્ડ હિટની ઘટના રોકવા ઝડપથી કોઈ નવી ટેક્નિકનો ઉપયોગ નહીં થાય તો ભવિષ્યમાં મોટી ઘટના ઘટે તો નવાઈ નહીં.

ઘણા દેશો અલગ અલગ ટેકનિક અપનાવી રહ્યા છે
એરપોર્ટના આંતરિક સૂત્રોએ જણાવ્યા મુજબ રન-વે પર બર્ડ હિટ ન થાય માટે ફટાકડા ફોડવામાં આવે છે, તેની સાથે એક મશીન મૂકવામાં આવ્યું છે. જેના અવાજથી પક્ષીઓ દૂર રહે છે. પરંતુ લેસર ગનનો ઉપયોગ કરાતો નથી. જો લેસર ગનનો ઉપયોગ કરાય તો આ પક્ષીઓ રનવે થી દુર રાખી શકાય છે. આ બાબતે ખાનગી કંપનીના એરક્રાફ્ટના એન્જિનિયરે જણાવ્યું કે, આ ઘટના ટાળવા માટે હાલ ઘણા દેશો અલગ અલગ ટેક્નિક અપનાવી રહ્યા છે. તો આપણે ત્યાંથી તે ટેક્નોલોજી વિશે જાણીને તેને એપ્લાય કરવી જોઈએ. અહીંયા તો મોટા ભાગે ફટાકડા ફોડે છે. એનાથી મોટો એવો ફાયદો નથી થતો. આ બાબતે એક્સપર્ટની સલાહ લેવી જોઈએ.

એરપોર્ટના પ્રવક્તા શું કહે છે?
અદાણી એરપોર્ટના અધિકારીએ જણાવ્યું હતું કે, એરપોર્ટ દ્વારા 20થી 25 લોકોની ટીમ સતત રન-વે પર પેટ્રોલિંગ કરતી હોય છે. જેમાં અલગ અલગ ઈક્વિપમેન્ટથી બર્ડ હિટ ન થાય તે માટે પ્રયાસ કરવામાં આવે છે. જેમાં લેસર ગનનો ઉપયોગ પણ કરીએ છીએ. ફટાકડા ફોડીએ છીએ.અમે થોડા સમય પહેલા રનવે પર રિફલેક્ટર પણ લગાવ્યા છે. એટલે અમે પૂરતા પ્રયત્ન કરી રહ્યા છીએ. અને ભવિષ્યમાં આવી ઘટના ન ઘટે તે માટે નવી ટેક્નોલોજી પણ આવી રહી છે. જેને અમે અપનાવીને બર્ડ હિટની ઘટનાઓ રોકી શકીશું.

પ્રતિકાત્મક તસવીર- રનવે પર નાના-નાના પ્રાણીઓ પણ ઘૂસી આવે છે
પ્રતિકાત્મક તસવીર- રનવે પર નાના-નાના પ્રાણીઓ પણ ઘૂસી આવે છે

રનવે પર નાના-નાના પ્રાણીઓ પણ ઘૂસી આવે છે
એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા દ્વારા આરટીઆઈના જવાબમાં આપવામાં આવેલી માહિતી મુજબ વર્ષ 2017-18માં ગાયો અને 2019-20માં વાંદરા અમદાવાદ એરપોર્ટના ઓપરેશનલ એરિયા સુધી પહોંચી ગયા હતા. તેની સામે 2018-19માં વડોદરા એરપોર્ટના ઓપરેશનલ એરિયામાં શાહુડી મૃત અવસ્થામાં મળી આવી હતી. જ્યારે 2019-20માં સુરત એરપોર્ટના રનવે પરથી બે શિયાળ મૃત અવસ્થામાં મળી આવ્યા હતા. અન્ય એરપોર્ટ પરથી પણ નાના પ્રાણીઓ કૂતરા, શિયાળ, સસલું વગેરે પ્રાણીઓ મળી આવ્યા હતા. એજ રીતે ફ્લાઈટ મુવમેન્ટ માટે બર્ડ હિટની ઘટના પણ ભયજનક માનવામાં આવે છે.