• Gujarati News
  • Local
  • Gujarat
  • Ahmedabad
  • The Country's First Government Human Library In Junagadh Will Be A Human Issue Like A Book, Currently Only Available To Government Employees.

અનોખી લાઇબ્રેરી:જૂનાગઢમાં દેશની પ્રથમ ગવર્નમેન્ટ હ્યુમન લાઇબ્રેરી, બુકની જેમ 'વ્યક્તિ' ઇસ્યુ થશે, હાલ માત્ર સરકારી કર્મીઓ માટે સેવા ઉપલબ્ધ

અમદાવાદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
સરકારી કર્મચારીઓ લાઇબ્રેરીમાં અજાણ્યા કર્મચારી સાથે પોતાની વાત શેર કરી શકશે. આ વાત સુખ, દુઃખ કે અનુભવો હોઈ શકે છે. - Divya Bhaskar
સરકારી કર્મચારીઓ લાઇબ્રેરીમાં અજાણ્યા કર્મચારી સાથે પોતાની વાત શેર કરી શકશે. આ વાત સુખ, દુઃખ કે અનુભવો હોઈ શકે છે.
  • ડેન્માર્કથી શરૂ થયેલી હ્યુમન લાઇબ્રેરી મૂવમેન્ટ હવે ગુજરાતના આંગણે પહોંચી
  • બાદમાં સામાન્ય લોકો માટે ખુલ્લી મુકાશે, મનની વાત વ્યક્ત કરી શકાશે

દેશની પ્રથમ સરકારી હ્યુમન લાઇબ્રેરી જૂનાગઢ જિલ્લાની કલેક્ટર ઓફિસ ખાતે ખુલ્લી મૂકવામાં આવી છે. આ અનોખી લાઇબ્રેરીમાં પુસ્તકની જેમ મનનો ઊભરો, લાગણીઓ ઠાલવી શકાય એ માટે ‘વ્યક્તિ’ ઇસ્યુ થશે, એટલે કે કોઈપણ વ્યક્તિ પોતાનાં સુખ, દુઃખ, વિચારો, અનુભવો કે વાતને વ્યક્ત કરવા માગતી હશે તો તે અહીં બેસીને વ્યક્ત કરી શકશે.

આ માટે તેને વ્યક્તિ ઇસ્યુ કરવામાં આવશે જે તેની સાથે બેસીને વાતો કરશે. આ અનોખી લાઇબ્રેરીને જૂનાગઢ કલેક્ટર દ્વારા ગુરુવારનાં રોજ ખુલ્લી મૂકવામાં આવી. આ કચેરી શરૂઆતમાં માત્ર સરકારી કર્મચારીઓ માટે જ ઉપલબ્ધ રહેશે. તબક્કાવાર સામાન્ય લોકો માટે પણ ખુલ્લી મૂકવામાં આવશે.

મનનો ઊભરો ઠાલવી દેવાથી કાર્યક્ષમતા વધે છે : જિલ્લા કલેક્ટર
જૂનાગઢ કલેક્ટર રચિત રાજે દિવ્ય ભાસ્કરને જણાવ્યું હતું કે, આઇએએસ ઓફિસર તરીકે વિવિધ દેશોની સ્ટડી ટૂર દરમિયાન ડેન્માર્કમાં મને હ્યુમન લાઇબ્રેરી અંગે જાણવા મળ્યું હતું. જો કર્મચારી કે કોઇ વ્યક્તિ મનમાં જ વિચારો ધરબી રાખે તો સરવાળે તેની કાર્યક્ષમતા ઘટે છે.

આ લાઇબ્રેરી દ્વારા પ્રયત્ન એવો છે કે તમે અજાણી વ્યક્તિને તમારી મનની વાત કહી દો. જેથી તમારા મનમાં એ ઘુમરાયા નહીં કરે અને તમે રિલેક્સ થઇ જશો. અમારું માનવું છે કે આનાથી કર્મચારીઓનું આઉટપુટ, ટીમ ભાવના, કાર્યક્ષમતા અને મિત્રતા વધશે. લોકો વધુ વાત કરી શકે એટલે અમે લાઇબ્રેરીમાં ફોનનો બને તેટલો ઓછો ઉપયોગ કરવા કહ્યું છે. લાઇબ્રેરી શરુ કર્યા પછી અમને ખૂબ સારા રિસ્પોન્સ મળ્યા છે. આ દેશની પ્રથમ ગવર્મેન્ટ ઓફિસની અને ગુજરાતની કોઇ પણ ઓફિસની પ્રથમ હ્યુમન લાઇબ્રેરી હશે.