VMCને જ કમાણીમાં રસ નથી:વડોદરામાં શરૂ થયેલો દેશનો પ્રથમ E-WASTE કલેક્શન પ્રોજેક્ટ મરણપથારીએ, 2014માં નરેન્દ્ર મોદીએ કરાવી હતી શરૂઆત

વડોદરા21 દિવસ પહેલાલેખક: જીતુ પંડ્યા
  • દેશનો પ્રથમ ઇ-વેસ્ટ કલેક્શન પ્રોજેક્ટ બંધ થતાં પાલિકાની આવક બંધ થઈ
  • પાલિકાના શાસકો અને અધિકારીઓ પ્રોજેક્ટને રિલોન્ચ કરવાના દાવા કરે છે

એક સમયે ઈ-વેસ્ટ કલેક્શનમાં દેશને રાહ ચીંધનાર વડોદરા કોર્પોરેશનનો ઈ-વેસ્ટ કલેક્શન પ્રોજેક્ટ જનજાગૃતિના અભાવે મરણપથારીએ પડ્યો છે. કેન્દ્ર સરકાર દ્વારા અવોર્ડ વિજેતા પ્રોજેક્ટ અંગે માહિતી માગવાનું શરૂ કરવામાં આવતાં તંત્ર દ્વારા આ પ્રોજેક્ટ રિલોન્ચ કરવાની વાતો કરવામાં આવી રહી છે. 16 ફેબ્રુઆરી-2014ના રોજ તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે આ યોજના શરૂ કરાયા બાદ એમાં તબક્કાવાર ઘટાડો થઈ રહ્યો છે. વર્ષ-2021માં કોર્પોરેશનને ઈ-વેસ્ટ કલેક્શન પેટે માત્ર રૂપિયા 30,700 મળ્યા હતા. ત્યાર બાદ એકપણ રૂપિયાની આવક થઈ નથી.

ઇ-વેસ્ટનો વૈજ્ઞાનિક ઢબે નિકાલ થતો હતો
ઇ-વેસ્ટ કલેક્શનમાં વડોદરાએ સમગ્ર દેશમાં આગવી પહેલ શરૂ કરી હતી, જેમાં કોમ્પ્યુટર, મોબાઈલ, ટી.વી., સહિત વિવિધ ઇલેક્ટ્રોનિક્સ આઇટમ ખરાબ થઈ ગઈ હોય તો એને જ્યાં-ત્યાં રસ્તા પર કે જાહેર જગ્યાએ ફેંકવાના બદલે કોર્પોરેશનની નિયત કરેલી એજન્સીને આ કચરો સુપરત કરી શકાય. આ માટે કોર્પોરેશને ટોલ ફ્રી નંબર 18002330265 જાહેર કર્યો હતો, જેના પર કોઈપણ શહેરીજન ફોન અથવા SMS કરે તો એજન્સીનો સ્ટાફ જે-તે વ્યક્તિને ત્યાં જઈને ઇ-વેસ્ટ કલેક્ટ કરતો હતો અને એનો વૈજ્ઞાનિક ઢબે નિકાલ કરવામાં આવતો હતો. ઈ-વેસ્ટ કલેકશન પછી એના નિકાલમાં ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ (GPCB)ના નિયમોનું સંપૂર્ણ પાલન કરવામાં આવે છે. એટલું જ નહીં, ઇ-વેસ્ટ કલેક્શનમાંથી કેટલીક વસ્તુ જે રિસાઇકલ કરી કામમાં લઈ શકાય તથા અન્ય સામગ્રી પેટે ઇ-વેસ્ટ ઘરે ઘરેથી ભેગું કરતી એજન્સી કુલ રકમના 12 ટકા કોર્પોરેશનને ચૂકવે છે.

મોટે પાયે પબ્લિસિટી કરીને હવે રસ જ નથી
શરૂઆતના પ્રથમ વર્ષમાં ખૂબ મોટા પ્રમાણમાં અસરકારક પબ્લિસિટી કરવામાં આવી હતી. જેથી કોર્પોરેશનને નોંધપાત્ર આવક થતી હતી, પરંતુ છેલ્લાં થોડાં વર્ષોમાં અને ખાસ કરીને મહામારી પછી કોર્પોરેશનની ઈ-વેસ્ટ કલેકશનની આવક અત્યંત ઓછી થઈ ગઈ છે. એક તરફ ઇલેક્ટ્રોનિક વસ્તુઓનો ઉપયોગ વધી રહ્યો છે, તેથી ઉપકરણો પણ બદલાઈ રહ્યા છે, ત્યારે ઈ-વેસ્ટ કલેક્શનની અસરકારક કામગીરી થાય તો કોર્પોરેશનને એનાથી ચોક્કસ આવક થાય એવું છે.

વડોદરા કોર્પોરેશનને રાષ્ટ્રીય કક્ષાનો ગોલ્ડન અવૉર્ડ મળ્યો
ઇ-વેસ્ટ કલેક્શન માટે વડોદરાએ જે કામગીરી કરી હતી એ માટે વર્ષ 2014માં વડોદરા કોર્પોરેશનને રાષ્ટ્રીય કક્ષાના ગોલ્ડન અવોર્ડથી પુરસ્કૃત કરવામાં આવ્યું હતું. એવી જ રીતે કોર્પોરેશનને ઇ-ઈન્ડિયા અવોર્ડ પણ પ્રાપ્ત થયો હતો. તમામ ઉપલબ્ધિઓ વચ્ચે વડોદરા કોર્પોરેશન ઇ-વેસ્ટ કલેક્શન તથા તેના કચરાના નિકાલમાં છેલ્લા કેટલાક સમયથી ખૂબ જ ઢીલી કામગીરી કરી એ બાબત પણ હાલ નક્કર પુરવાર થયું છે. વડોદરાના ટેકનોક્રેટ કહેવાતા મેયર કેયૂર રોકડિયાએ કોર્પોરેશનના ઈ-વેસ્ટ પ્રોજેક્ટના થઇ ગયેલા બાળમરણ અંગે કંઇપણ કહેવાનો ઇનકાર કર્યો હતો અને જણાવ્યું હતું કે કોર્પોરેશનના આ પ્રોજેક્ટ અંગે મારી પાસે કોઇ માહિતી નથી.

અન્ય સમાચારો પણ છે...