વર્લ્ડ હેરિટેજના દિવસે ભારતના પ્રથમ હેરિટેજ સિટી અમદાવાદમાં ક્રાંતિયાત્રા શરૂ થવા જઈ રહી છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના હેરિટેજ વિભાગ દ્વારા કેટલાંક વર્ષો અગાઉ આ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું, પરંતુ કોઈ કારણોસર એ આગળ વધી શકી નહોતી. આ જ ક્રાંતિયાત્રાને 18 એપ્રિલે કોર્પોરેશન ફરી શરૂ કરશે. એ માટે આગલા દિવસે રવિવારે એના પ્રી-ઇવેન્ટનો કાર્યક્રમ પણ યોજાવાની શક્યતા છે. મોટે ભાગે ખાડિયા વિસ્તારમાંથી શરૂ થઈ એ જ વિસ્તારમાં પૂરી થતી આ યાત્રામાં ભારતની આઝાદીમાં ભાગ ભજવનાર અલગ અલગ ક્ષેત્રના લોકોનાં ઘર ઉપરાંત ઐતિહાસિક ઘટનાઓના સાક્ષી એવાં સ્થળોને આવરી લેવાયાં છે. આ અંગે યોજના સાથે જોડાયેલા આશિષ ત્રાંબડિયાએ જણાવ્યુ હતું કે હેરિટેજ વોકમાં હેરિટેજ બિલ્ડિંગ કે એની કોતરણી કામ વિશે જાણવા મળે છે. જ્યારે ક્રાંતિયાત્રામાં આઝાદીની લડત સાથે જોડાયેલા નાના-મોટા જાણ્યા-અજાણ્યા લોકો અને તે સંદર્ભે ઇમારતોની વાત સાંકળવામાં આવી છે.
ક્રાંતિયાત્રા અમૃતવર્ષિણી વાવથી શરૂ થશે
તેમણે વધુમાં જણાવ્યું હતું કે અગાઉ હેરિટેજ વોક ફક્ત સવારે થતી હોવાથી નાગરિકો બીજી વોક માટે તૈયાર થતા નહોતા. બાદમાં ટૂરિસ્ટ ફૂટફોલ વધતાં નાઈટ વોક પણ શરૂ થયું. આપણું રિસર્ચ વર્ક હતું જ, જેથી વર્ષ 2006-07માં આની પર કામ શરૂ થયું. કોરોના બાદ ટૂરિસ્ટની સંખ્યા પણ વધી છે, જેથી અત્યારે ફેઝ-1માં 20 જગ્યાની મુલાકાત કરાવવાનું જ આયોજન છે. આ 18 એપ્રિલે એનો ટ્રાયલરન થશે. બાદમાં રેગ્યુલર બુકિંગ મળ્યા બાદ એને ચલાવીશું. આ અંગે એક ખાનગી કંપનીને કામ સોંપવામાં આવ્યું છે અને ત્રણ ગાઈડને પણ ટ્રેનિંગ આપી રહ્યા છીએ. સોમવારે ક્રાંતિયાત્રામાં મોટે ભાગે સરકારી હોદ્દેદારો તથા આમંત્રિત નાગરિકો જ ભાગ લેશે. બાદમાં શહેરીજનો કઈ રીતે આ યાત્રામાં જોડાઈ શકશે એની માહિતી આપવામાં આવશે. ક્રાંતિયાત્રા અમૃતવર્ષિણી વાવથી શરૂ થઈ અખા ભગતના ચોક ખાતે પૂરી થશે, જેની લંબાઈ આશરે બે કિમીની રહેશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.