આજે સાંજે મુખ્યમંત્રીના અધ્યક્ષપદ હેઠળ મળનારી ગુજરાત સરકારની કોર કમિટીની બેઠકમાં કોરોનાની પરિસ્થિતિ અંગે ચર્ચા કરીને આગામી દિવસોમાં ધોરણ 6થી 8ની ઓફલાઈન શાળાઓ શરૂ કરવા ઉપરાંત રાત્રિ કર્ફ્યૂમાં વધુ છૂટછાટ આપવા સહિતના નિર્ણયો લેવાશે. એ ઉપરાંત શ્રાવણ માસના તહેવારો સંદર્ભે ખાસ કોવિડ ગાઈડલાઈન્સ પણ ઘડવામાં આવશે.
છૂટછાટ અંગે કઠોર ગાઈડલાઈન્સ સાથે નિર્ણય લેવાશે
રાજયમાં નાઇટ કર્ફ્યૂ ચાલી રહ્યો છે. દિવસ દરમિયાનની છૂટછાટમાં પ્રજા બેફામ બની રહી છે. ખાસ કરીને શનિ-રવિના દિવસોમાં તો હોટલો, મોલ, પ્રવાસન સ્થળ અને બજારોમાં કોવિડ ગાઈડલાઈન્સને અવગણીને પ્રજા બિનધાસ્ત ફરી રહી છે. શ્રાવણ મહિનામાં અનેક તહેવારો આવી રહ્યા છે. એ સંદર્ભમાં એમાં છૂટછાટ અંગે કોઈ કઠોર ગાઈડલાઈન્સ સાથે નિર્ણય લેવાશે.
ધોરણ 6થી 8ની ઓફલાઇન સ્કૂલો શરૂ કરવા નિર્ણય થઈ શકે
કોરોના ઓસરતાં રાજ્યમાં ધોરણ 9થી 12ની સ્કૂલોમાં ઓફલાઈન શિક્ષણ શરૂ કરી દેવામાં આવ્યું છે. હવે કોરોનાના કેસો ઘટી રહ્યા છે. કોરોના નિયંત્રણમાં આવી ગયો છે, જેને જોતાં સરકાર કોર કમિટીની બેઠકમાં ધોરણ 6થી 8ની ઓફલાઈન સ્કૂલો શરૂ કરવાનો નિર્ણય લઈ શકે છે. ઉલ્લેખનીય છે કે ગત 15 જુલાઈએ ધોરણ 12 અને 26 જુલાઈએ ધોરણ 9થી 11ની ઓફલાઈન સ્કૂલો શરૂ કરવામાં આવી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.