ગુજરાતમાં 2017ની વિધાનસભાની ચૂંટણીમાં માત્ર 99 બેઠકની પાતળી બહુમતી સાથે સત્તા પર આવ્યો હતો. જ્યારે 2022ની ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે છેલ્લાં પાંચ વર્ષમાં કોંગ્રેસના 15 ધારાસભ્યને ભાજપમાં ભરતી કરીને તે આજે વિધાનસભામાં 111 બેઠક સાથે સત્તા પર છે. 2017માં કોંગ્રેસ પાસે 77 બેઠક હતી, એમાંથી 15 ધારાસભ્ય ભાજપમાં ભળી જતાં કોંગ્રેસ આજે 63 બેઠક સુધી પહોંચી ગઈ છે. એ જોતાં એવું કહી શકાય કે કોંગ્રેસના 20 ટકા ધારાસભ્યો ભાજપમાં ભળી ગયા છે. આગામી દિવસોમાં હજુ પણ કોંગ્રેસના કેટલાક ધારાસભ્યો ભાજપમાં જાય એવી શક્યતાઓ છે.
2017માં ભાજપને 1995 પછી સૌથી ઓછી સીટો મળી હતી
2017માં ભાજપને પાટીદાર આંદોલનને કારણે 1995 પછી સૌથી ઓછી સીટો મળી હતી, જેમાં ગુજરાતમાં સત્તા મેળવવા માટે 92 બેઠક જરૂરી છે. ત્યારે ભાજપને એ સમયે માત્ર વધારાની 7 બેઠક સાથે સત્તા મળી હતી. જ્યારે કોંગ્રેસ 1995 બાદ 50થી 60 સીટ મેળવી શકતી હતી, એ સીધી જ 77 સુધી પહોંચી ગઈ હતી. 2017નાં ચૂંટણી પરિણામો જોઈએ તો ભાજપ 99, કોંગ્રેસ 77, BTP 2, NCP 1, અપક્ષ-1નો વિજય થયો હતો. જ્યારે આજે અશ્વિન કોટવાલના ભાજપ પ્રવેશ બાદ વિધાનસભામાં પક્ષવાર પરિસ્થિતિ આ પ્રમાણેની છેઃ ભાજપ 111, કોંગ્રેસ 63, BTP 2, NCP 1, અપક્ષ-1, હાલમાં વિધાનસભાની 4 બેઠક ખાલી છે, જેમાં ખેડબ્રહ્મા, ભિલોડા, ઊંઝા, દ્વારકાનો સમાવેશ થાય છે.
2017ની વિધાનસભામાં ભાજપને જબરી ટકકર આપી હતી
ગુજરાતમાં 2017ની રાજ્યસભાની સાથે એ પછીની તમામ ચૂંટણીઓમાં કોંગ્રેસ ભાજપના વ્યૂહ સામે માર ખાતી રહી છે અને ધારાસભ્ય ગુમાવતી રહી છે. 2017ની વિધાનસભામાં ભાજપને જબરી ટકકર આપી હતી અને તેને ત્રણ આંકડે પહોંચવા દીધો ન હતો, પરંતુ બાદમાં કોંગ્રેસ પક્ષ જનતાના ચુકાદાને આધારે મજબૂત બન્યા પછી પણ તેની જે આંતરિક નબળાઈ હતી અને ભાજપનો જે સત્તાનો ખેલ હતો તેની સામે ટકી શક્યો નથી અને એક સમયે 77 બેઠક જીતનાર કોંગ્રેસ આજે 63 બેઠક પર આવી ગઈ છે.
જયરાજસિંહ-કમાભાઈ રાઠોડ સહિતના નેતાઓ ભાજપમાં જોડાયા
ફેબ્રુઆરી 2022માં જયરાજસિંહ પરમારે પક્ષની કામગીરી અને નેતાઓની નિષ્ક્રિયતાથી નારાજ થઈ કોંગ્રેસ છોડી હતી.ત્યાર બાદ તેઓ 22 ફેબ્રુઆરીએ ભાજપમાં જોડાયા હતા. આ ઉપરાંત લુણાવાડા કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય હીરાભાઇ પટેલે કોંગ્રેસ ભાજપમાં વિધિવત પ્રવેશ કર્યો હતો. છેલ્લાં 35 વર્ષથી કોંગ્રેસની સાથે રહેલા હીરાભાઇ પટેલે કયા કારણસર અને કોની નારાજગીથી ભાજપમાં પ્રવેશ કર્યો એની કોઇ સ્પષ્ટતા કરી ન હતી. થોડા દિવસ પહેલાં જ માંડલના પૂર્વ ધારાસભ્ય પ્રાગજી પટેલે ભાજપમાં પ્રવેશ કર્યો હતો, જ્યારે 13 એપ્રિલે સાણંદના પૂર્વ ધારાસભ્ય કમાભાઈ રાઠોડ ભાજપમાં જોડાયા હતા.
હવે ભાજપની નો-રિપીટ થિયરી જ ડરનું સૌથી મોટું કારણ
વિધાનસભાની ચૂંટણી આવતાં જ ભાજપમાં નો-રિપીટ થિયરીની સૌથી વધુ વાતો થવા લાગે છે. અત્યારે ખુદ ભાજપના જ 2-3 ટર્મથી ધારાસભ્ય રહેલા નેતાઓમાં ફફડાટ પેઠો છે ત્યાં કોંગ્રેસમાંથી આવેલાની સ્થિતિ કલ્પી શકાય છે. આવું થશે તો 100થી વધુ નેતાએ રાજકીય સંન્યાસ લેવો પડશે. પરિણામે, આવા નેતાઓની હાલત કફોડી બની શકે છે અને તેમના ચૂંટણી લડવાના અભરખા અધૂરા જ રહી શકે છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.