કોંગ્રેસના મેનિફેસ્ટોમાં 21થી વધુ મુદ્દા:કોંગ્રેસના મેનિફેસ્ટોમાં ઘરના ઘરની યોજના અને સૌને વીમા કવચની જાહેરાત, ખેડૂત-ખેતી અને ગામડાઓ કેન્દ્ર સ્થાને

અમદાવાદ22 દિવસ પહેલાલેખક: મનોજ કે. કારીઆ

ગુજરાત વિધાનસભાની ચૂંટણીઓને લઇને રાજકીય પક્ષો દ્વારા રેવડીઓ જાહેર કરવામાં આવે છે. હવે ચૂંટણી નજીક આવી રહી છે તેથી તેને કાગળ પર જાહેર કરવાના હેતુથી દરેક રાજકીય પક્ષો મેનિફેસ્ટો, સંકલ્પ પત્ર જેવા રૂપકડાં નામોથી જાહેર કરશે. કોંગ્રેસની સરકાર આવશે તો પ્રજાને શું આપવામાં આવશે તે અંગેનો જન ઘોષણા પત્ર-2022 બનશે. જનતાની સરકાર, મેનિફેસ્ટો આજે 12 નવેમ્બરના રોજ કોંગ્રેસ દ્વારા ગુજરાતના પ્રભારી અને રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોત દ્વારા જાહેર કરવામાં આવનાર છે. આ મેનિફેસ્ટોમાં ખેડૂત, ખેતી અને ગામડાંને કેન્દ્ર સ્થાને રાખવામાં આવ્યો છે. તેની સાથોસાથ શહેરી ગરીબો, સામાન્ય વર્ગ તેમ જ ટેક્સ પેયર્સ નાગરિકોનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. 21થી વધુ મુદ્દા ધરાવતાં આ મેનિફેસ્ટોમાંથી કોંગ્રેસે અગાઉ 11 મુદ્દાઓ જાહેર કરી દીધાં છે. આ મેનિફેસ્ટોની ખાસિયત એ છે કે કલાસ અને માસ એટલે કે સર્વસમાવેશક મુદ્દાઓને આવરી લેવામાં આવ્યા હોવાની વિગતો પ્રાપ્ત થવા પામી છે.

સરકારી અંગ્રેજી શાળાઓ શરૂ કરવામાં આવશે
કોંગ્રેસ દ્વારા શનિવારે સવારે 11:30 વાગ્યાના સુમારે મેનિફેસ્ટો લોચિંન્ગનો કાર્યક્રમ રાખ્યો છે. ત્યારે દિવ્ય ભાસ્કરે તેમના વાંચક વર્ગ માટે ખાસ તપાસ કરીને મેનિફેસ્ટોના કેટલાંક મુદ્દાઓ જાણવાનો અથાગ પ્રયાસ કર્યો હતો. તેમાં જાણવા મળ્યા મુજબ કોંગ્રેસનો મોટો ફોક્સ આરોગ્ય, શિક્ષણ, મૂળભૂત સેવા, રોજગાર, યુવાનો, ખેડૂતો અને ગરીબો તેમ જ શ્રમિકો પર રાખ્યો છે. માટે ગ્રામ્યમાં જેમ મનરેગા યોજના છે તે જ રીતે શહેરી વિસ્તારમાં પણ 100 દિવસની રોજગારી આપવાની વાત કરવામાં આવી છે. તેની સાથે કોન્ટ્રાક્ટ અને આઉટ સોર્સિંગ પ્રથાને નેસ્ત નાબૂદ કરી દેવાની જાહેરાત કરાશે. આ ઉપરાંત સમગ્ર વ્યવસ્થામાં શિક્ષણનું ખાનગીકરણ (વ્યાપારીકરણ) થઇ ગયું છે. તેના ઉકેલના ભાગરૂપે સરકારી તથા ગ્રાન્ટેડ શાળા-કોલેજો વધુ ખોલીને જૂનું કોંગ્રેસના સમયનું માળખું પુનઃ સ્થાપિત કરવાની વાત છે. તેમ જ 3 હજાર સરકારી અંગ્રેજી શાળાઓ શરૂ કરવામાં આવશે.

ઘરનું ઘર યોજના લાવવાની જાહેરાત
વધુમાં એવી પણ વાત રજૂ કરવામાં આવશે કે, સરકારમાં પડેલી ખાલી જગ્યાઓ ભરવા માટે ભરતી કેલેન્ડર તૈયાર કરાશે અને ભરતીમાં થતાં ભ્રષ્ટ્રાચારને નાબૂદ કરવા માટે સ્ટેટ લેવલની ટાસ્ક ફોર્સ ઊભી કરાશે. જેમાં ભ્રષ્ટ્રાચારના કેસો ચલાવવા માટે ફાસ્ટ ટ્રેક કોર્ટો ઊભી કરાશે. જેમાં ત્વરિત કેસ ચાલીને નિર્ણય વહેલીતકે જાહેર થઇ જાય. આ સિવાય સૌને પરવડે તેવું શિક્ષણ, આરોગ્ય સેવા તેમ જ તમામ સમાજ માટે આવાસ (ઘરનું ઘર યોજના) લાવવાની જાહેરાત કરવામાં આવશે. તેમ જ નાત-જાતના ભેદભાવ વગર દરેક નાગરિકને વીમા કવચ પુરું પાડવામાં આવશે. આ ઉપરાંત સામાન્ય વર્ગને ઝડપી ન્યાય મળી રહે તે માટે રૂલ ઓફ લો લાવવામાં આવશે. તેનાથી લોકોને વહેલો ન્યાય મળ્યાનો અહેસાસ કરાવાશે.

2012માં પણ 'ઘરનું ઘર' યોજનાની ઘોષણા કરી હતી
ઉલ્લેખનીય છે કે, વર્ષ 2012 વિધાનસભા ચૂંટણી દરમિયાન ગુજરાત કોંગ્રેસ દ્વારા ચૂંટણી પ્રચારમાં ઢંઢેરાના ભાગરૂપે ગરીબ અને પછાત મહિલાઓને 'ઘરનું ઘર'ની યોજના અંતર્ગત ઘર આપવવાની ઘોષણા કરી હતી. જેમાં કોંગ્રેસ દ્વારા 20 લાખ ઘર આપવાની યોજના બનાવવામાં આવી હતી. જેને લઇને ગુજરાત કોંગ્રેસ દ્વારા ઘરનું ઘર આપવાના કાર્યક્રમ અંતર્ગત રાજ્યના વિવિધ સ્થળો પર ફોર્મવિતરણનો કાર્યક્રમ યોજાયો હતો. આ ફોર્મ મેળવવા માટે શહેરીવિસ્તારના ખૂણેખૂણે મહિલાઓ ઊમટી પડી હતી. કેટલાક સ્થળોએ ફોર્મ લેવા માટે રીતસર પડાપડી થઇ હતી. મહિલાઓ કલાકો સુધી ફોર્મ મેળવવા માટે લાઇનો લગાવી હતી.

ગરીબો માટે અનેક યોજનાઓ
જોકે, ચૂંટણી સમયે કોંગ્રેસે રાજ્યની મહિલાઓને 'ઘરનું ઘર' આપવાનું વચન આપ્યું હતું, જેના અંતર્ગત કોંગ્રેસ કાર્યાલય ખાતે એક રૂમ રસોડું અને બે રૂમ રસોડાનાં 'ઘરનું ઘર'ના સેમ્પલ હાઉસ બનાવવામાં આવ્યા હતા. પરંતુ કોંગ્રેસના આંતરિક ઝગડાઓને કારણે તે વિધાનસભા ચૂંટણીમાં ગાંધીનગરની ગાદી કબ્જે કરવાનું તો દૂર પણ પોતાના ટોચના નેતાઓને પણ જીત અપાવી ના શકી. આ શરમજનક હારને કારણે કોંગ્રેસે સત્તામાં આવ્યા બાદ લોકોને અત્યંત ઓછી કિંમતમાં 'ઘરનું ઘર' બનાવી આપવાનું જે વચન આપ્યું હતું તે પોતાના હાથે જ તોડી પાડ્યું હતું. જોકે, કોંગ્રેસ દ્વારા ગરીબો માટે આ પ્રકારની અનેક યોજનાઓ જાહેર કરવામાં આવી હતી. ત્યારે કોંગ્રેસ દ્વારા 2022ની વિધાનસભા ચૂંટણીના મેનિફેસ્ટોમાં પણ આ પ્રકારની ઘણી યોજનાઓ સામેલ કરવામાં આવી છે.

મેનિફેસ્ટોમાં 21થી વધુ કયા કયા સંભવિત મુદ્દાઓ

 • 500 રૂપિયામાં ગેસ સિલિન્ડર
 • 10 લાખ યુવાનોને નોકરી અપાશે
 • ખેડૂતોનું 3 લાખ રૂપિયા દેવું માફ કરાશે
 • ઘરેલું વીજળીના 300 યુનિટ મફત
 • સરકારી કર્મચારીઓ માટે જૂની પેન્શન યોજના
 • યુવતીઓને કે.જી.થી લઇને પીજી સુધી મફત શિક્ષણ
 • 3 હજાર નવી અંગ્રેજી શાળાઓ શરૂ કરાશે
 • કોરોનાથી મુત્યુ પામેલા વ્યક્તિના પરિવારને 4 લાખની સહાય
 • ગ્રામીણની મનરેગાની માફક શહેરી શ્રમિકોને 100 દિવસની રોજગારી
 • વિધવા સહાયમાં વધારો કરાશે
 • દરેક નાગરિકને વીમા કવચ પુરું પડાશે
 • સૌને પરવડે તેવું શિક્ષણ, આરોગ્ય સેવા તેમ જ તમામ સમાજ માટે આવાસ ( ઘરના ઘરની યોજના )
 • ભરતી માટેનું કેલેન્ડર
 • ભરતીમાં ભ્રષ્ટ્રાચારને નાથવા માટે ટાસ્ક ફોર્સની રચના
 • કોન્ટ્રાક્ટ અને આઉટ સોર્સીંગ પ્રથા નેસ્તનાબૂદ
 • વહેલો અને ઝડપી ન્યાય માટે રૂલ ઓફ લો

કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રમુખનો કાર્યક્રમ મોકૂફ રહ્યો
કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રમુખ મલ્લિકાર્જુન ખડગે આજે 12મી નવેમ્બરના રોજ ગુજરાતની મુલાકાતે આવવાના હતા. એટલું જ તેઓ મેનિફેસ્ટોથી લઇને અમદાવાદમાં જાહેરસભા યોજવાના હોવાની પણ ચર્ચા હતા. જો કે હાલમાં પ્રાપ્ત માહિતી મુજબ તેમને કાર્યક્રમ મોકૂફ રહ્યો છે. હવે તેઓ ઉમેદવારોની યાદીઓ જાહેર થઇ ગયા પછી આવે તેવી શક્યતાઓ છે.

અન્ય સમાચારો પણ છે...