મુશ્કેલીનો અંત:18થી 44ની વયના નાગરિકોને વેક્સિન રજિસ્ટ્રેશન માટે ગ્રામ પંચાયતના કોમ્પ્યુટર ઓપરેટર મદદ કરશે, ઓપરેટરને એન્ટ્રી દીઠ રૂ.5 મળશે

અમદાવાદ2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • પહેલા જ દિવસે ટાર્ગેટથી 25 હજાર ડોઝ ઓછા આપવામાં આવ્યા
  • અત્યાર સુધીમાં 1 કરોડ 36 લાખને 55 હજાર 604ને પહેલો ડોઝ અપાયો
  • કુલ 42 લાખ 59 હજાર 213ને બીજો ડોઝ આપવામાં આવ્યો

રાજ્યમાં વેક્સિનેશનને વેગ આપવા માટે ગુજરાત સરકારે મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે. ગ્રામ્ય વિસ્તારમાં 18થી 44 વર્ષના નાગરિકોમાં રસીકરણની ઝડપ વધારવા માટે 18થી 44 વર્ષના નાગરિકોને કોવિન એપમાં રસીકરણની નોંધણી માટે ગ્રામ પંચાયતમાં કાર્યરત VCE-કોમ્પ્યુટર ઓપરેટર મદદરૂપ થશે. VCE-કોમ્પ્યુટર ઓપરેટરને રાજ્ય સરકાર દ્વારા પ્રોત્સાહક રકમ પેટે પ્રતિ નોંધણી દીઠ રૂ. પાંચ ચૂકવવામાં આવશે.આ નિર્ણયથી ગ્રામ્ય સ્તરે 18થી 44 વર્ષના લોકોને રસીકરણ માટે નોંધણીની ઝડપી સુવિધા ઉપલબ્ધ થશે અને રસીકરણને વધુ વેગ મળશે.

પહેલા દિવસે જ 3 લાખના ટાર્ગેટ સામે 2.75 લાખને જ રસી અપાઈ
​​​​​​​આ પહેલા એટલે કે 3 જૂનના રોજ ગુજરાત સરકારે 18થી 44 વય જૂથના નાગરિકો માટે 4 જૂનથી રાજ્યના તમામ 33 જિલ્લાના 1200 કેન્દ્રો પર રસીકરણ શરૂ કરવાની જાહેરાત કરી હતી. જેમાં 18થી 44 વય જૂથના નાગરિકોને દરરોજ 2.25 લાખ ડોઝ અને 44થી વધુ વયના નાગરિકોને 75 હજાર ડોઝ મળી 3 લાખ ડોઝ આપવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે. જો કે પહેલા જ દિવસે ટાર્ગેટથી 25 હજાર ડોઝ ઓછા આપવામાં આવ્યા છે. 4 જૂનના રોજ 2 લાખ 75 હજાર 139 લોકોનું જ વેક્સિનેશન થયું છે.

અત્યાર સુધીમાં 1.79 કરોડથી વધુનું વેક્સિનેશન
ગુજરાતમાં અત્યાર સુધીમાં કુલ 1 કરોડ 79 લાખ 14 હજાર 812 લોકોનું રસીકરણ કરવામાં આવ્યું છે. જેમાં 1 કરોડ 36 લાખને 55 હજાર 604ને પહેલો ડોઝ જ્યારે 42 લાખ 59 હજાર 213ને બીજો ડોઝ આપવામાં આવ્યો છે. આમ કુલ વસતિ 6 કરોડ 94 લાખ વસતિમાંથી માત્ર 6 ટકાનું સંપૂર્ણ વેક્સિનેશન થયું છે. જ્યારે 25 ટકા વસતિને એક જ ડોઝ મળ્યો છે.

હર્ડ ઈમ્યૂનિટી માટે 70 ટકા વસતિને બન્ને ડોઝ લાગી જવા જરૂરી છે. જો દરરોજ 2 લાખ લોકોને વેક્સિન આપવામાં આવે તો અડધી વસતિ એટલે કે 3 કરોડ 50 લાખને વેક્સિન આપવામાં હજુ ત્રણ મહિના લાગી શકે છે. પરંતુ તેમાં 75 ટકા જેટલા લોકોને માત્ર પહેલો ડોઝ જ મળ્યો હશે.

રાજ્યમાં 18થી 45 વર્ષની વયજૂથના 3.25 કરોડ નાગરિકો
ગુજરાત સરકારના અંદાજ મુજબ રાજ્યમાં 18થી 45 વર્ષની વયજૂથના 3.25 કરોડ નાગરિકો છે. ગુજરાત સરકાર દરેક નાગરિકને રસી લેવા માટે કહે છે, પરંતુ વિશ્વ આરોગ્ય સંસ્થાનના જણાવ્યા અનુસાર 70 ટકા વસ્તી રસી લે તો હર્ડ ઇમ્યુનિટી આવે અને કોરોના કાબૂમાં આવી શકે છે. જો કે આ વયજૂથના લોકો રોજિંદી જીવનશૈલીમાં સૌથી વધુ સક્રિય હોવાથી તેઓમાં 85 ટકા જેટલાં લોકો ઓછામાં ઓછા રસી લઇ લે તે અપેક્ષિત રહેશે.

કોરોનાના 1120 નવા કેસ, 16ના મોત
4 જૂનના રોજ રાજ્યમાં કોરોનાના 1120 નવા કેસ નોંધાયા છે. જો કે, 3 જૂન કરતા ડિસ્ચાર્જ થનાર દર્દીની સંખ્યા વધુ છે અને 3 હજાર 398 દર્દી સાજા થયા છે. જ્યારે 16ના મોત થયા છે. હાલ રાજ્યનો રિક્વરી રેટ સુધરીને 96.07 ટકા થયો છે.

22 હજાર 110 એક્ટિવ કેસ અને 412 વેન્ટિલેટર પર
રાજ્યમાં અત્યાર સુધીમાં 8 લાખ 14 હજાર 390ના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે, જ્યારે મૃત્યુઆંક 9 હજાર 906 થયો છે. તેમજ અત્યાર સુધીમાં 7 લાખ 82 હજાર 374 દર્દી ડિસ્ચાર્જ થયા છે. એક્ટિવ કેસની વાત કરીએ તો રાજ્યમાં હાલ 22 હજાર 110 એક્ટિવ કેસ છે, જેમાંથી 412 દર્દી વેન્ટિલેટર પર છે, જ્યારે 21 હજાર 698 દર્દીની હાલત સ્થિર છે.