ઠગાઈ:કંપનીનો મેનેજર 7 સ્કૂટર બારોબાર વેચી રૂ. 8.30 લાખ લઈ નાસી ગયો; ડિલિવરી લેવા ન આવેલા ગ્રાહકને માલિકે ફોન કરતા ભાંડો ફૂટ્યો

અમદાવાદ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
ફાઇલ તસવીર - Divya Bhaskar
ફાઇલ તસવીર
  • ​​​​​​​બાપુનગરના વેપારીએ મેનેજર સામે પોલીસ ફરિયાદ નોંધાવી

બાપુનગર રઘુનાથ સ્કુલ પાસે આવેલા સ્કૂટરના ડીલરનો મેનેજર 7 સ્કૂટર વેચીને રૂ.8.30 લાખ ચાંઉ કરી ગયો હતો. ભાંડો ફૂટી જતા મેનેજરે ફોન બંધ કરી દીધો હતો. મેનેજરે ડીલરના પિતાને ફોન કરીને કહ્યું હતું કે, તમે પોલીસ કેસ કરશો નહીં, હું આવીને હિસાબ પતાવી દઈશ, પરંતુ મેનેજર પાછો ન આવતા આખરે આ અંગે ફરિયાદ કરવામાં આવી હતી.

આશ્રમ રોડ પર રહેતા દેવરાજભાઈ રામનાની(21) બાપુનગર બંસીધર એસ્ટેટ રઘુનાથ સ્કૂલ પાસે જોલી ઈટાલિયા નામથી સ્કૂટરની ડીલરશિપ ધરાવે છે. તેમની કંપનીમાં વિશાલ હરેશભાઈ પંડયા(25)(પુષ્પવિલા, યુનાઈટેડ સ્કૂલ પાસે, વસ્ત્રાલુ) 1 વર્ષથી જનરલ મેનેજર તરીકે નોકરી કરતો હતો. તે સ્કૂટરના સેલ્સ અને કલેકશન સહિતનું કામ કરતો હતો.

એક ગ્રાહકે 1 મહિના પહેલા રૂ.5000 બુક કરીને સ્કૂટર બુક કરાવ્યંુ હતું, પરંતુ તેણે ડિલિવરી લીધી ન હતી. જેથી દેવરાજભાઈએ તે ગ્રાહકને ફોન કરતા તેમણે કહ્યું હતંુ કે,મને સ્કૂટરની ડિલિવરી મળી ગઈ છે અને બિલના રૂ.1.23 લાખ પણ આપી દીધા છે, પરંતુ કંપની તરફથી બિલ નથી આપ્યું.

સ્ટાફ મેમ્બરને પૂછતા સ્કૂટરની ડિલિવરી વિશાલ પંડયા એ આપી હતી અને પેમેન્ટ પણ તેણે જ લીધું હતું. ઓડિટ કરાવતા વિશાલે 7 ગ્રાહકોને સ્કૂટર વેચીને રૂ.8.30 લાખ ચાંઉ કરી ગયો હોવાનું જાણવા મળ્યું હતુ. જેથી દેવરાજભાઈએ વિશાલને ફોન કરતા તેનો નંબર બંધ આવતો હતો.

દરમિયાનમાં વિશાલ પંડયાએ દેવરાજભાઈના પિતા સુરેશભાઈ રામનાનીને ફોન કરીને કહ્યું હતું કે આ બાબતે કોઇ પોલીસ કેસ કરશો નહીં, હું આવીને તમારો બધો જ હિસાબ પૂરો કરી દઈશ, પરંતુ ત્યારબાદ વિશાલ પૈસા આપી ગયો ન હતો. જેથી આ અંગે દેવરાજ રામનાનીએ શહેરકોટડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે છેતરપિંડીનો ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી.

અન્ય સમાચારો પણ છે...