ઉદાહરણરૂપ કિસ્સો:ઇન્સ્યોરન્સ કંપનીએ અડધો ક્લેમ જ પાસ કરતા કન્ઝયુમર કોર્ટે કહ્યું, 'કંપની કેવી રીતે ડોક્ટરની ક્ષમતાને આંકીને ખર્ચ નક્કી કરી શકે'

અમદાવાદ18 દિવસ પહેલા
  • કોર્ટે ઇન્સ્યોરન્સ કંપનીને 7 ટકા વ્યાજ સાથે બાકીની રકમ ચૂકવવા આદેશ કર્યો

કોઈ બીમારીની સારવાર કરાવ્યા બાદ થયેલ ખર્ચ અયોગ્ય ઠેરવતી વીમા કંપનીઓ માટે એક મહત્વપૂર્ણ કિસ્સો સામે આવ્યો છે. જેમાં કન્ઝયુમર કોર્ટે ઉદાહરણરૂપ અરજદારની તરફેણમાં કર્યો છે. અરજદારના માતાએ આંખની સર્જરી કરાવી હતી. જે બાદ તેના વળતર માટે ઇન્સ્યોરન્સ કંપની પાસે વળતરની માંગ કરી. જોકે ઇન્સ્યોરન્સ કંપનીએ ડોક્ટરે વસુલેલા ચાર્જને અયોગ્ય હોવાનું કારણ આગળ ધરી અડધી જ રકમ મંજુર કરી. પરંતુ કન્ઝયુમર કોર્ટે ઇન્સ્યોરન્સ કંપનીના વલણને ગેરલાયક ઠેરવ્યું છે અને માન્યું છે કે, ઇન્સ્યોરન્સ કંપની કોઈ ડોક્ટરની આવડત અને ક્ષમતા આંકી ન શકે અને એ પ્રમાણે સારવાર માટે સમાન ચાર્જ ન હોઈ શકે.

ઇન્સ્યોરન્સ કંપનીએ માત્ર અડધી જ રકમ મંજૂર કરી હતી
અમદાવાદ કન્ઝ્યુમર કોર્ટ સમક્ષ આવેલા એક રસપ્રદ કિસ્સામાં મહત્વપૂર્ણ અવલોકન કરતા અરજદારની તરફેણમાં હુકમ કર્યો છે. અરજદારે પોતાની માતાની સારવાર કરાવ્યા બાદ સારવારના વળતર માટે ઇન્સ્યોરન્સ કંપની પાસે દાવો કર્યો હતો. પરંતુ ઇન્સ્યોરન્સ કંપનીએ કુલ ખર્ચમાંથી માત્ર અડધી જ રકમ મંજૂર કરી હતી. આ મામલે કન્ઝયુમર કોર્ટે અરજદારની તરફેણમાં હુકમ કરતા બાકી નીકળતી રકમ આપવાનો હુકમ કર્યો છે. કોર્ટે પોતાના આદેશ અવલોકન કરતા નોંધ્યું કે, 'કેવી રીતે કોઈ ઇન્શ્યોરન્સ કંપની જે-તે શહેર કે વિસ્તાર, ઉપરાંત ડોક્ટરની આવડત કે ક્ષમતાને આંકી તે ડોક્ટરે કરેલ સારવારનો ખર્ચ નક્કી કરી શકે! મતલબ કે અલગ અલગ વિસ્તાર કે શહેર પ્રમાણે અથવા તો ડોક્ટરની પોતાની આવડત, કુશળતા અને અનુભવના આધારે કરેલ સારવારની રકમ લઈ શકે છે'.

તસવીર પ્રતિકાત્મક છે
તસવીર પ્રતિકાત્મક છે

અરજદાર રૂ.5 લાખનો વીમો ધરાવતા હતા
પ્રસ્તુત કિસ્સામાં જ્યારે અરજદારની માતાને રઘુદીપ આઈ હોસ્પિટલમાં ડિસેમ્બર 2019માં આંખની સારવાર માટે દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં તેમની જમણી આંખની કેટરેક્ટ સર્જરી કરવામાં આવી હતી. અરજદાર રૂ.5 લાખનો વીમો ધરાવતા હતા. આંખની સારવારમાં કુલ રૂ.42 હજાર 415નો ખર્ચ થયેલ હતો, જેમાંથી રૂ.21,600ની રકમ ચૂકવી આપી હતી. જ્યારે બાકીની રૂ.20,815 રૂપિયાની રકમ નામંજૂર કરી હતી. જેથી અરજદારે ફેબ્રુઆરી વર્ષ 2021માં કન્ઝ્યુમર કોર્ટમાં કેસ દાખલ કર્યો હતો.

અરજદારને 7%ના વ્યાજ સાથે બાકીની રકમ મળશે
કન્ઝયુમર કોર્ટે આ કિસ્સામાં અરજદારને 16,574ની રકમ 7 %ના વ્યાજ સાથે ચુકવી આપવા હુકમ કર્યો છે. સાથે જ અરજદારને આ દરમિયાન હેરાનગતિ સંદર્ભે રૂપિયા 3 હજાર અને અરજીને ખર્ચ પટે રૂપિયા 2 હજાર ચૂકવવા પણ આદેશ કર્યો છે. આ મામલે અરજદારના વકીલ આનંદ પરખે જણાવ્યું કે, કન્ઝયુમર કોર્ટના અવલોકન પ્રમાણે અલગ-અલગ ડોક્ટરની કુશળતા અને તેના અનુભવો મુજબ સારવાર કરે છે જેથી તેને ચાર્જ વસુલ લઈ શકે છે પરંતુ તેમાં વીમા કંપની દખલગીરી ન કરી શકે. જેથી આ ચુકાદો પોલીસી ધારકો માટે મહત્વપૂર્ણ સાબિત થઈ શકે છે.

અન્ય સમાચારો પણ છે...