ડ્રગ્સ મુદ્દે કેજરીવાલના પ્રહાર:ગુજરાતમાં તંત્રની મિલીભગત અને મિત્રોને ફાયદો પહોંચાડવા દેશના યુવાધનને દાવ પર મૂક્યો છે- દિલ્હીના CM

અમદાવાદ20 દિવસ પહેલા

આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ બે દિવસ ગુજરાત પ્રવાસે રવિવારે રાત્રે અમદાવાદ પહોંચ્યા હતા. એરપોર્ટ પર કેજરીવાલે ડ્રગ્સ મામલે જણાવ્યું હતું કે, ગુજરાતમાં પ્રશાસનની મિલીભગત અને મિત્રોને ફાયદો પહોંચાડવા યુવાઘનને દાવ પર છે. ગુજરાતમાં એક પોર્ટ ઉપર હજારો કરોડનું ડ્રગ્સ આવે છે અને ગુજરાતમાંથી પંજાબ અને દેશની વિવિધ જગ્યાઓ પર જાય છે. પ્રશાસનની મિલીભગતના કારણે આવું થાય છે. અરવિંદ કેજરીવાલ બે દિવસ ગુજરાતમાં રિક્ષાચાલકો, વેપારીઓ, વકીલો, અને સફાઈ કર્મચારીઓ સાથે સંવાદ અને ગેરંટી આપવાના છે.

ગુજરાત પોલીસે AAPના પ્રદેશ કાર્યાલયે રેડ કરી
અરવિંદ કેજરીવાલ અમદાવાદ એરપોર્ટ પહોંચ્યા ત્યારે ગુજરાત પોલીસ દ્વારા આમ આદમી પાર્ટીની નવરંગપુરા પ્રદેશ કાર્યાલય ખાતે દરોડા પાડ્યા હતા. બે કલાક સુધી વિવિધ તપાસ કરી હતી. જો કે તપાસ દરમ્યાન કઈ વસ્તુ મળી આવી ન હતી. ક્યાં કારણોસર તપાસ કરાઈ તે જાણવા નથી મળ્યું. આ મામલે અરવિંદ કેજરીવાલે ટ્વીટ કરી જણાવ્યું હતું કે, ગુજરાતની જનતાના મળી રહેલા અપાર પ્રેમથી ભાજપ બોખલાઈ ગયું છે. આપ પાર્ટીની ગુજરાતમાં આંધી ચાલી રહી છે. દિલ્લી પછી ગુજરાતમાં પણ રેડ કરવાનું શરૂ કરી દીધું. દિલ્લીમાં પણ કઈ ન મળ્યું. ગુજરાતમાં પણ કઈ નહિ મળે. અમે કટ્ટર અને ઈમાનદાર દેશભક્ત છીએ.

ગુજરાતમાં કરોડોનું ડ્રગ્સ છેલ્લા કેટલાક મહિનામાં પકડાયું
અરવિંદ કેજરીવાલે અમદાવાદ એરપોર્ટ ખાતે પત્રકારો સાથેની વાતચીતમાં ગુજરાતમાં આવતા ડ્રગ્સ મામલે જણાવ્યું હતું કે, ગુજરાતમાં એક પોર્ટ ઉપર હજારો કરોડનું ડ્રગ્સ આવે છે અને ગુજરાતમાંથી પંજાબ અને દેશની વિવિધ જગ્યાઓ પર જાય છે. પ્રશાસનની મિલીભગતના કારણે આવું થાય છે કરોડો રૂપિયાનું ડ્રગ્સ છેલ્લા કેટલાય મહિનામાં અહીંયા આવ્યું છે. જે પકડાયું હોવાનું જાહેર થયું છે. જે નથી પકડાયું તે કેટલું હશે ?

ગુજરાત અને પંજાબ પોલીસ કેટલીકવાર સાથે ડ્રગ્સ પકડે છે
મોટા પ્રમાણમાં ડ્રગ્સ ગુજરાતમાં આવે છે, જેને રોકવામાં પ્રશાસન નિષ્ફળ છે. ભ્રષ્ટાચાર અને તેમના કેટલાક મિત્રોને ફાયદો પહોંચાડવા માટે યુવાનોને દાવ પર રાખ્યા છે. ગુજરાતમાં ડ્રગ્સ છે અને અહીંયાથી આખા દેશમાં સપ્લાય થાય છે, એટલે દેશ અને ગુજરાતના યુવાનો તેને લે છે. ગુજરાતમાંથી ડ્રગ્સ પંજાબ અને અન્ય રાજ્યોમાં જાય છે તે બંધ થવું જોઈએ. ડ્રગ્સ ગુજરાતમાંથી પંજાબમાં જાય છે અને ઘણી વખત ગુજરાત અને પંજાબ પોલીસ સાથે મળી અને આ ડ્રગ્સ પકડે છે.

ગુજરાતમાં અમારી સરકાર બની તો ભ્રષ્ટાચાર મુક્ત શાસન આપશે
વધુમાં તેમણે જણાવ્યું હતું કે, તેઓ ગુજરાતમાં આમ આદમી પાર્ટીની સરકાર બનશે તો ભ્રષ્ટાચાર મુક્ત શાસન આપશે. જેની ગેરંટી આપવા માટે આવ્યા છે. ગુજરાતમાં જેટલો પણ ભ્રષ્ટાચાર થયો છે, જેટલા પણ પેપરો ફૂટ્યા છે તે તમામની અમે તપાસ કરાવીશું. કોઈપણ ધારાસભ્ય, મંત્રી કવ મુખ્યમંત્રી ભ્રષ્ટાચાર નહીં કરે. દોષીતોને કડક સજા અપાવીશું. ભ્રષ્ટાચાર નહીં થાય તેના કારણે જે પણ પૈસા બચશે તેને પ્રજાના કામો માટે વાપરવામાં આવશે અત્યારે જે પૈસા બેંકમાં ગયા છે તે પ્રજાના કામમાં ઉપયોગમાં લેવાશે.

અન્ય સમાચારો પણ છે...