પાંચ જિલ્લાના પ્રિન્સિપલ જજ સહિત બે એડવોકેટની હાઇકોર્ટના જજ તરીકે નિમણૂક કરવા સુપ્રીમકોર્ટે કેન્દ્ર સરકારને ભલામણ કરી છે. જેમાં અમદાવાદ સિટી સિવિલ કોર્ટમાં પ્રેક્ટિસ કરતા દેવેન દેસાઇ, હાઇકોર્ટમાં પ્રેક્ટિસ કરતાં મોક્ષા ઠક્કર, જ્યુડિશિયલ સર્વિસમાંથી સુશેન પિન્ટો, હસમુખ સુથાર, જિતેન્દ્ર દોશી, મંગેશ મેગદેવ અને દિવ્યેશ જોશીનાં નામોની ભલામણ કેન્દ્ર સરકારને મોકલવામાં આવી છે.
હાલ ગુજરાત હાઇકોર્ટમાં 24 જજીસ કાર્યરત છે. હાઇકોર્ટમાં કુલ 54 જજીસની સ્ટ્રેન્થ છે. તાજેતરમાં જ ગુજરાત હાઇકોર્ટમાંથી ચીફ જસ્ટિસ સોનિયા ગોકાણી નિવૃત્ત થયાં છે. તેના પહેલાં જસ્ટિસ જે.બી. પારડીવાલા અને તત્કાલીન ચીફ જસ્ટિસ અરવિંદકુમારની સુપ્રીમકોર્ટમાં બઢતી થઇ છે. 3 જજીસના જવાથી કોર્ટમાં જજીસની સંખ્યામાં ઘટાડો થયો છે. તો બીજી તરફ ગુજરાત હાઇકોર્ટમાં હાલની તારીખે 1 લાખ 4 હજાર સિવિલ કેસ અને 56,933 ક્રિમિનલ કેસ પેન્ડિંગ છે. કેસોનો ભરાવો હળવો કરવા ગુજરાત હાઇકોર્ટમાં જજીસની સંખ્યા વધવી જરૂરી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.