ઠંડીનો ચમકારો:તાપમાનનો પારો આજે 10 ડિગ્રી આસપાસ પહોંચવાની વકી, આજે વર્ષની સૌથી લાંબી 13 કલાકની રાત રહેશે

અમદાવાદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
ફાઇલ તસવીર - Divya Bhaskar
ફાઇલ તસવીર

આગામી બે દિવસ અમદાવાદમાં ઠંડીનો પારો 10 ડિગ્રીની આસપાસ રહ્યા બાદ બુધવારથી ઠંડી ઘટવાની શક્યતા છે. સોમવારે સમગ્ર રાજ્યમાં 7.1 ડિગ્રી સાથે નલિયામાં સૌથી વધુ ઠંડી હતી. મંગળવારે શહેરમાં 13 કલાક 17 મિનિટની લાંબામાં લાંબી રાત્રિ અને ટૂંકામાં ટૂંકો દિવસ રહેશે.

સોમવારે પણ સવારથી બપોર સુધી શહેરમાં ઠંડા પવનો યથાવત રહ્યાં હતા. સોમવારે અમદાવાદનું મહત્તમ તાપમાન 27.5 ડિગ્રી અને લઘુતમ તાપમાન 11.1 ડિગ્રી નોંધાયું હતું. શહેરમાં ઠંડા પવનોનું જોર ઘટતાં આગામી 24થી 48 કલાક દરમિયાન અમદાવાદમાં ઠંડીનો પારો ગગડીને 10 ડિગ્રીની આસપાસ પહોંચવાની વકી હવામાન વિશેષજ્ઞે વ્યક્ત કરી છે.

કોલ્ડવેવની અસરથી રાજ્યના મોટાભાગના શહેરોમાં તાપમાન ગગડ્યું છે. સમગ્ર રાજ્યમાં કચ્છમાં ઠંડીનો પારો 7થી 13 ડિગ્રી વચ્ચે રહેતાં સૌથી વધુ ઠંડી નોંધાઇ હતી, જયારે રાજ્યના અન્ય શહેરોમાં ઠંડીનો પારો 13થી 19 ડિગ્રી વચ્ચે નોંધાયો હતો. કોલ્ડવેવની અસરથી આગામી બે દિવસ રાજ્યમાં ઠંડીનું જોર યથાવત રહેશે .

પવનની ગતિ ઘટી
શહેરમાં છેલ્લાં ત્રણ દિવસથી પવનની ઝડપ વધુ રહી હતી, જેને કારણે ઠંડીનો પારો વધુ ગગડ્યો ન હતો. પરંતુ, સોમવારે બપોર પછી ઠંડા પવનોનું જોર ઘટતાં મંગળ અને બુધવારે અમદાવાદમાં ઠંડીનો પારો 10 ડિગ્રીની આસપાસ રહેવાની શક્યતા છે. ત્રણ દિવસ તાપમાનમાં વધારો થતાં ઠંડીમાં ઘટાડો થશે. - અંકિત પટેલ, હવામાન વિશેષજ્ઞ

અન્ય સમાચારો પણ છે...