હાલ અમદાવાદમાં વરસાદની ગેરહાજરીથી ગરમીનું પ્રમાણ વધ્યું છે. પરંતુ આગામી ચાર દિવસ બાદ શહેરના વાતાવરણમાં પલટો આવશે તેમ જ 20થી 22 ઓગસ્ટ વચ્ચે 1થી 3 ઇંચ વરસાદની વકી હવામાન વિશેષજ્ઞે વ્યક્ત કરી છે. હવામાન વિભાગના આંકડાઓ મુજબ, શુક્રવારે અમદાવાદનું મહત્તમ તાપમાન 34.0 ડિગ્રી નોંધાયું હતું, પરંતુ શનિવારે ગરમી 1.3 ડિગ્રી વધીને 35.3 ડિગ્રી અને લઘુતમ તાપમાન 26.4 ડિગ્રી નોંધાયું હતું. તેથી બપોરના 12થી સાંજના 5 વાગ્યા દરમિયાન લોકોએ બફારાનો અનુભવ કર્યો હતો.
આગામી ચાર દિવસ દરમિયાન શહેરમાં ગરમીનો પારો 35થી 36 ડિગ્રીની આસપાસ રહેવાની શક્યતા છે, પરંતુ બંગાળની ખાડીમાં સક્રિય થનારા લો-પ્રેશરની અસરોથી 19 ઓગસ્ટે વાતાવરણમાં પલટો આવતા 20થી 22 ઓગસ્ટ વચ્ચે હળવાથી મધ્યમ વરસાદની વકી હવામાન વિશેષજ્ઞે વ્યક્ત કરી છે. હવામાન વિશેષજ્ઞ અંકિત પટેલે જણાવ્યું કે 16 ઓગસ્ટે બંગાળની ખાડીમાં લો-પ્રેશર સર્જાશેે, જે આગળ વધીને 19થી 20 ઓગસ્ટે ગુજરાતની નજીક પહોંચવાની શક્યતા છે, જેથી અમદાવાદના વિવિધ વિસ્તારોમાં વરસાદની ગતિવિધિ વધશે અને 20થી 22 ઓગસ્ટ વચ્ચે 1થી 3 ઇંચ વરસાદ પડવાની શક્યતા છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.