તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વિવાદ:કદાવર કોંગી નેતાની બે પત્નીનાં સંતાનો યુથ કોંગ્રેસની ચૂંટણીમાં મેદાને ઊતરતાં આખરે એકને સમજાવવો પડ્યો

અમદાવાદ17 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • બીજી પત્નીના પુત્રે ફોર્મ ભર્યું, પહેલી પત્નીના પુત્રને ફોર્મ રદ થયું હોવાનું કારણ અપાયું

કોંગ્રેસમાં સામાન્ય રીતે રાજકીય વારસદાર જે તે નેતાના સંતાનોનો મજબૂત દાવો હોય છે. જોકે કેટલાક કિસ્સામાં જ્યાં બે પત્ની હોય ત્યાં આ રાજકીય વિવાદ વકરે છે. આવા જ એક કિસ્સામાં રાજ્યની યુથ કોંગ્રેસની ચૂંટણીમાં એક નેતાની પહેલી પત્ની અને બીજી પત્નીના સંતાનોએ સામસામે લડવાનો મનસુબો વ્યક્ત કરતાં મામલો પેચીદો બન્યો હતો. આખરે હિંમતવાન મનાતા નેતાએ પણ પોતાના પુત્રને સમજાવવા માટે અન્ય એક નેતાની મદદ લેવી પડી અને પહેલી પત્નીના સંતાનને સમજાવીને ફોર્મ રજૂ કરવા નહીં દેતા પારિવારિક વિવાદ પણ ઉભો થયો છે.

કોંગ્રેસના વર્તુળોમાં ચાલેલી ભારે ચર્ચા પ્રમાણે કોંગ્રેસના નેતાના બે પત્નીથી તેમને 6 સંતાનો છે. તાજેતરમાં યુથ કોંગ્રેસની ચૂંટણી માટે ઉમેદવારી ફોર્મ મંગાવવામાં આવ્યા હતા. જેમાં કદાવર નેતાની બીજી પત્નીના પુત્રએ ઉમેદવારી ફોર્મ ભર્યું હતું. હવે જ્યાં રાજકીય વારસાની વાત આવી ત્યારે પ્રથમ પત્નીના પુત્રએ પણ ઉમેદવારી નોંધાવવા માટે પિતાને કહ્યું કે, હું પણ યુથ કોંગ્રેસમાં ઉમેદવારી કરીશ. પોતાનું ફોર્મ ભરીને નેતા પુત્ર કોંગ્રેસ ઓફિસે પહોંચ્યો, જોકે ફોર્મ ભરવાનું હજુ ચાલુ છે અને થોડી રાહ જુઓ તેમ કહી એક અન્ય નેતાએ તેમને રોકી લીધા હતાં. બાદમાં તેમનું ફોર્મ રદ થયું હોવાનું કારણ આપી તેને રવાના કરી દીધો હતો. જેથી રાજકીય વારસ માટે બે પત્નીના બે સંતાનો વચ્ચે ચાલી રહેલા ગજગ્રાહ બાબત કોંગ્રેસમાં ચર્ચાની એરણે ચઢી છે.

પ્રથમ પત્નીના પુત્રને શાંત પાડવા સ્થાનિક નેતાની મદદ લેવી પડી
દિલ્હી ખાતે કામથી ગયેલા નેતાને જ્યારે પારિવારિક વિવાદની જાણ થતાં તેમણે દિલ્હીથી જ એક સ્થાનિક નેતાની મદદ લેવા ફોન કર્યો હતો. તેમજ તેમને આ પારિવારિક બાબતમાં સહાય કરી પ્રથમ પત્નીના પુત્રને શાંત કરવા માટે રાજકીય કુનેહથી કામ કરી આપવા મદદ માગી હતી. જે તેને સમજાવવામાં સફળ રહ્યા હતા.

યુથ પ્રદેશ પ્રમુખપદ માટે 10 ફોર્મ ભરાયા
2009થી કોંગ્રેસમાં યુવાનોનું નેતૃત્વ વધે તે માટે યુથ કોંગ્રેસની પણ ચૂંટણી યોજવામાં આવી હતી. જેમાં જેટલા યુવાનો નવા યુવાનોને કોંગ્રેસમાં જોડે તેમનો દાવો વધુ મજબૂત માનવામાં આવતો હોય છે. હાલ યુથ પ્રદેશ પ્રમુખપદ માટે 10 ફોર્મ તથા મહામંત્રી સહિતના પદ માટે 64 ફોર્મ આવ્યા છે. ત્યારે અમદાવાદ શહેર માટે પણ 24 જેટલા ફોર્મ ભરાયા હોવાનું જાણવા મળે છે. આ ચૂંટણીમાં 18થી 35 વર્ષની ઉંમરના કાર્યકરો મતદાન કરી શકે છે.

અન્ય સમાચારો પણ છે...