સવા મહિનાનું બાળક ને હાર્ટબીટ 300:બાળક કોમામાં સરી પડ્યું, 48 કલાકમાં ત્રણવાર હૃદય બંધ થયું, 6 વાર હૃદય પર કરંટ આપ્યો, 18 દિવસે બાળક હસતુંરમતું થયું

અમદાવાદ24 દિવસ પહેલાલેખક: અનિરુદ્ધસિંહ મકવાણા
  • સવા મહિનાની ઉંમરે થયેલી ગંભીર બીમારી સામે હિયાન અડીખમ
  • હાલ તમામ દવાઓ બંધ થઈ ગઈ છે અને હિયાન એકદમ સ્વસ્થ છે

કહે છે કે જિંદગી હોય તો ગમે તેવી બીમારીને પણ માત આપી બેઠો થઈ જાય છે. ડોક્ટરને લોકો ભગવાનનું રૂપ માને છે અને જ્યારે દર્દીનો જીવ બચે છે ત્યારે પરિવારજનો ડોક્ટરને ક્યારેય ભૂલતા નથી. અમદાવાદમાં માત્ર સવા મહિનાના બાળકનું હૃદય ત્રણ-ત્રણ વાર બંધ થઈ ગયું હતું. હૃદયના ધબકારા 100ને બદલે 300થી વધુ હતા. ખેંચ, શ્વાસ લેવામાં તકલીફ જેવી સમસ્યાઓ સાથે બાળક કોમામાં સરી પડ્યું હતું.

સવા મહિનાના હિયાન શાહને મેમનગરની ડિવાઇન ચાઈલ્ડ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો. ડો. હાર્દિક પટેલ અને તેમની ટીમે બાળકને તાત્કાલિક વેન્ટિલેટર પર રાખી સારવાર ચાલુ કરી હતી. સવા મહિનાના બાળકને છ-છ વખત હૃદય પર કરંટ આપીને ધબકારા નિયમિત કરવામાં આવ્યા હતા. 18 દિવસની સારવાર બાદ બાળકને હસતારમતા ઘરે મોકલવામાં આવ્યું હતું.

એક વર્ષ સુધી બાળકની નિયમિતપણે ડોક્ટરોએ તપાસ કરી
હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ થયા બાદ પણ સતત એક વર્ષ સુધી બાળકની નિયમિતપણે ડોક્ટરો દ્વારા તપાસ કરવામાં આવતી હતી. હવે એક વર્ષ બાદ તેની તમામ દવાઓ બંધ કરી અને કોઈપણ પ્રકારની બીમારી વગર તે હાલમાં હસતુંરમતું થયું છે. હાલ સવા વર્ષનો હિયાન એકદમ સ્વસ્થ થઈ ચૂક્યો છે.

હિયાનને અચાનક દૂધ પીવામાં તકલીફ થઈ ને ભાન ગુમાવવા લાગ્યો
આ અંગે મેમનગરની ડિવાઇન ચાઇલ્ડ હોસ્પિટલના ડો. હાર્દિક પટેલે દિવ્ય ભાસ્કર સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે અમદાવાદમાં આવેલા સોલા વિસ્તારના રહેવાસી છે. તેમના સવા મહિનાના બાળકને એક રાત્રે અચાનક દૂધ પીવામાં તકલીફ પડવા લાગી, વધારે રડવા લાગ્યું, શ્વાસ લેવામાં ઘણી તકલીફ પડવા લાગી, બાળક ભાન ગુમાવવા લાગ્યું અને છેવટે કોમામાં સરી પડ્યું. આવી અતિગંભીર પરિસ્થિતિમાં બાળકને અમારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યું હતું.

બાળકના મગજ પર ખૂબ જ ગંભીર અસર થઈ
ડો. હાર્દિક પટેલે આગળ જણાવ્યું હતું કે બાળકના ધબકારા અતિશય વધારે હતા. એમાં તેનું હૃદય એક મિનિટમાં 300 વાર કરતાં પણ વધારે અતિઝડપથી ધબકતું હતું. સામાન્ય રીતે આટલી ઉંમરે બાળકના ધબકારા 100 જેટલા હોવા જોઈએ. એને કારણે શરીરમાં લોહીનું પરિભ્રમણ પણ એકદમ ઓછું થઈ ગયું હતું, એને કારણે બાળકના મગજ પર ખૂબ જ ગંભીર અસર થઇ હતી. ધબકારા સતત અનિયમિત થઈ રહ્યા હતા તેમજ બ્લડપ્રેશર એટલું ઓછું થઈ ગયું હતું કે માપવું પણ અશક્ય હતું.

ડોક્ટર હાર્દિક પટેલ અને ડોક્ટર દેવાંગ સોલંકીના જણાવ્યા મુજબ, આવાં બાળકોના કેસ જવલ્લે જ જોવા મળે છે અને એમાંથી મોટા ભાગનાં બાળકો સારવાર દરમિયાન જ મૃત્યુ પામે છે અને જો કોઈ બાળક કદાચ બચી જાય તો મોટા ભાગે શારીરિક અને માનસિક ખોડખાપણ રહી જતી હોય છે.

સતત દવાઓ અને ઇન્જેક્શન આપ્યાં
ડિવાઇન હોસ્પિટલના ડોક્ટરોની ટીમ દ્વારા આ અતિગંભીર એવા બાળકની સારવાર ચાલુ કરવામાં આવી. બાળકને તરત જ વેન્ટિલેટર સપોર્ટ પૂરો પાડવામાં આવ્યો હતો. હૃદયનું પમ્પિંગ મજબૂત કરવા માટે 4 અલગ અલગ પ્રકારનાં ઇન્જેક્શન સતત ચાલુ કરવામાં આવ્યાં હતાં. બાળકને આવતી ખેંચો બંધ કરવા 3 અલગ અલગ પ્રકારની દવાઓ ચાલુ કરવામાં આવી તથા બાળકનાં લિવર અને કિડની જેવાં મહત્ત્વનાં અંગોને સપોર્ટ કરવા માટેની દવાઓ પણ ચાલુ કરવામાં આવી હતી.

હૃદયના ધબકારા નિયમિત કરવા સૌથી મોટો પડકાર
હૃદયના ધબકારા છ-છ વખત અનિયમિત થયા હતા, જેને પગલે બાળકને છ-છ વખત હૃદય પર કરંટ આપીને ધબકારા નિયમિત કરવામાં આવ્યા, એને મેડિકલ ભાષામાં સિંક્રોનાઈઝ્ડ કાર્ડિયોવર્ઝન (synchronised cardioversion) કહેવામાં આવે છે. હૃદયના ધબકારા નિયમિત રાખવા માટે 4 પ્રકારનાં ઇન્જેક્શન સતત ચાલુ કરવામાં આવ્યાં, જે આ કેસનો સૌથી મોટો ચેલેન્જિંગ પોઈન્ટ હતો.

7 દિવસે રિકવરી આવવા લાગી
સાત દિવસની સતત અને સખત મહેનતના અંતે બાળકમાં ઘણીખરી રિકવરી આવવા લાગી હતી. શરીરના નુકસાન થયેલાં અંગો ધીરે-ધીરે સારી પરિસ્થિતિમાં આવવા લાગ્યાં અને બાળકને વેન્ટિલેટર પરથી લઈ લેવામાં આવ્યું તેમજ ધીરે ધીરે અંગો માટેના સપોર્ટની દવાઓ ઓછી કરવામાં આવી. છેવટે 18 દિવસના અંતે બાળકને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી અને એક વર્ષ સુધી સતત તેની દવાઓ ચાલુ રાખવામાં આવી હતી. હવે બાળક સંપૂર્ણપણે સ્વસ્થ છે અને તેનાં બધાં જ અંગો નોર્મલ પરિસ્થિતિમાં છે.

ડોક્ટરોએ મારા દીકરાને નવજીવન આપ્યું: બાળકની માતા
બાળકની માતા ક્રિમા શાહે દિવ્ય ભાસ્કર સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે મારા બાળકને રાતના સમયે અચાનક જ તકલીફ થઈ હતી. દૂધ પીવાનું બંધ કરી દીધું હતું અને એકદમ જ હૃદયના ધબકારા વધી ગયા હતા, એને પગલે અમે પહેલા નજીકમાં બાળકોના ડોક્ટર પાસે લઈ ગયા હતા અને બાદમાં તેને મેમનગરમાં આવેલી ડિવાઇન ચાઇલ્ડ હોસ્પિટલમાં ડોક્ટર હાર્દિક પટેલના ત્યાં સારવાર માટે દાખલ કર્યો. ડોક્ટર હાર્દિક પટેલ અને તેમની ટીમે સતત 18 દિવસ સુધી તેમની સારવાર કરી અને મારા બાળકને નવજીવન આપ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...