ગુજરાત વિધાનસભાની ચૂંટણીના બીજા તબક્કાના મતદાનમાં અમદાવાદ શહેરની 16 બેઠકો પર મતદાન થશે. રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ જે બેઠક પરથી ચૂંટણી લડવાના છે, એવી ઘાટલોડિયા વિધાનસભા બેઠક પરથી આજે મુખ્યમંત્રીએ કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહની હાજરીમાં ફોર્મ ભર્યું હતું. ઉમેદવારી પત્ર ભરવા જતા પહેલા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ઘાટલોડિયાના પ્રભાત ચોકથી સોલા ભાગવત પાસે મધ્યસ્થ કાર્યાલય સુધી કેન્દ્રીય ગૃહમંત્રી સાથે રોડ શો કર્યો હતો. જે રૂટ ઉપરથી અને જે વિસ્તારમાંથી આ મહા કેસરિયા રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું, તે મોટાભાગનો મતવિસ્તાર માલધારી સમાજના મતોનો વિસ્તાર છે. આ મત વિસ્તારમાંથી આજે જ્યારે રેલી નીકળી હતી. ત્યારે મોટી સંખ્યામાં માલધારી સમાજના લોકો રોડ પર આવ્યા હતા અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તેમજ કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહનું સ્વાગત કર્યું હતું.
માલધારી સમાજના વિસ્તારમાં રોડ શો યોજાયો
છેલ્લા કેટલાય સમયથી માલધારી સમાજ ભાજપથી નારાજ છે. ટિકિટ વહેંચણીને લઈને હોય કે પછી રખડતા પશુઓ મુદ્દે માલધારી સમાજ ભાજપ પક્ષથી ખૂબ જ નારાજ જણાયો છે. જોકે સૂત્રોમાંથી એવી જાણકારી મળી છે કે, માલધારી સમાજના લોકો ભાજપની સાથે છે અને માલધારી સમાજ આજે પણ ભાજપના જ સાથે રહેવાનો છે તેવા મેસેજ આપવાની સાથે મુખ્યમંત્રી ફોર્મ ભરવા માટે જ્યારે રેલી ઘાટલોડિયાના માલધારી સમાજના મતવિસ્તારમાંથી યોજવામાં આવે અને તેમાં મોટી સંખ્યામાં માલધારીઓ હાજર રહે તે તે આયોજન કરવામાં આવ્યું હતું.
માલધારીઓને લાવવાની જવાબદારી પૂર્વ કોર્પોરેટરને સોંપાઈ હતી
આજે યોજાયેલી રેલીમાં મોટી સંખ્યામાં માલધારી સમાજના લોકો હાજર રહ્યા હતા. ચાણક્યપુરી બ્રિજ ઉતરતાની સાથે જ માલધારી સમાજનો બહોળો વર્ગ જ્યાં રહે છે. અંદાજે 18થી 20,000 જેટલા મતો માલધારી સમાજના મળે છે તે માટે ચાણક્યપુરી સેક્ટરમાંથી આજે રેલી યોજવામાં આવી હતી. આ માટેની જવાબદારી પૂર્વ કોર્પોરેટર દિનેશ દેસાઈને આપવામાં આવી હતી. ચાણક્યપુરી સેક્ટરથી લઇ અને એન એમ ઝાલા કોલેજ સુધી માલધારી સમાજના મતવિસ્તારમાં મોટી સંખ્યામાં માલધારીઓએ કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને આવકાર આપ્યો હતો અને તેઓનું સ્વાગત પણ કર્યું હતું.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.