ગુજરાત યુનિવર્સિટીમાં પ્રવેશ પ્રક્રિયા શરુ કરવામાં આવી છે. પરંતુ પ્રવેશ સમિતિ રચવામાં ના આવતા વિદ્યાર્થીઓની મુશ્કેલીઓને ધ્યાનમાં રાખીને ABVP દ્વારા આંદોલન કરવામાં આવ્યું હતું અને બીજી તરફ યુનિવર્સીટીના નવા સીન્ડીકેટ મેમ્બર દ્વારા પણ પ્રવેશ સમિતિ મામલે નારાજગી વ્યક્ત કરવામાં આવી હતી. ત્યારે અંતે યુનિવર્સિટી દ્વારા કુલપતિની ગેરહાજરીમાં પ્રવેશ સમિતિ રચવામાં આવી છે.
ABVPના વિરોધ બાદ ગુજરાત યુનિ.એ પ્રવેશ સમિતિ જાહેર કરી
ગુજરાત યુનિવર્સીટી દ્વારા ABVPના કાર્યકરો ૩ વાગ્યાથી સતત થાળી અને ચમચી વગાડીને વિરોધ પ્રદર્શન કરી રહ્યા હતા. ત્યારે બીજી તરફ સીન્ડીકેટ સભ્યો અને યુનિવર્સીટીની બેઠક મળી હતી. જેમાં બેઠકમાં સિન્ડીકેટ સભ્યોએ નારાજગી વ્યક્ત કરી હતી. જે બાદ ગુજરાત યુનિવર્સીટી ખાતે સીન્ડીકેટ સભ્યો, ઉપકુલપતિ ,અલગ અલગ વિભાગના ડીન વચ્ચે બેઠક મળી હતી. બેઠક બાદ કુલપતિની હાજરી વિના જ પ્રવેશ માટે સમિતિ બનાવવામાં આવી છે.
બેઠક બોલાવી કુલપતિ જ ગેરહાજર રહ્યા
બેઠક શરુ થઇ છતાં કુલપતિ હિમાંશુ પંડ્યા આવ્યા નહોતા જેથી બેઠકમાં હોબાળો થયો હતો અને સિન્ડીકેટ સભ્યોએ નારાજગી વ્યક્ત કરી હતી. સિન્ડીકેટ સભ્ય શ્વેતલ સુતરીયાએ જણાવ્યું હતું કે, અમને બોલાવી કુલપતિ ખુદ ગેરહાજર છે. આ સિન્ડીકેટ સભ્યોનું અપમાન છે. આવતીકાલથી કોમર્સ માટે પ્રવેશ પ્રક્રિયા શરુ થઇ રહી છે અને હજુ સુધી પ્રવેશ માટેની કમિટી બની નથી. અમને કોઈ મુદ્દાની જાણ કર્યા વિના મીટીંગમાં બોલાવવામાં આવ્યા છે. અમારો સમય બગડ્યો છે. આજની બેઠકમાં અમારી મજાક બની હોય તેવું લાગે છે.
18 સભ્યોની પ્રવેશ સમિતિની રચના
ABVPના વિરોધ બાદ પ્રવેશ માટેની સમિતિ બનાવવામાં આવી છે. તેમાં 8 સિન્ડીકેટ સભ્યો, 5 અલગ અલગ વિભાગના ડીન, 3 ટેકનીકલ સપોર્ટના સભ્યો, વહીવટી કામગીરીના સભ્ય અને એક એકેડમિક સભ્ય એમ કુલ માંડીને 18 સભ્યોની સમિતિ બનાવવામાં આવી છે. આ સમિતિ અલગ અલગ વિભાગના એડમિશન પ્રક્રિયા પર ધ્યાન રાખશે અને વિદ્યાર્થીઓની મદદ કરશે.
Copyright © 2023-24 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.