• Gujarati News
  • Local
  • Gujarat
  • Ahmedabad
  • The Central Government Reduced Excise Duty On Petrol By Rs 5 And Diesel By Rs 10, Starting 5 New Flights From Ahmedabad To Surat And From Surat To Bhavnagar.

મોર્નિંગ ન્યૂઝ પોડકાસ્ટ:આજે દિવાળી, કેન્દ્ર સરકારે પેટ્રોલ પર 5 અને ડીઝલ પર 10 રૂપિયા એક્સાઈઝ ડ્યૂટી ઘટાડી, અમદાવાદથી સુરત અને સુરતથી ભાવનગર સહિત 5 નવી ફ્લાઈટ શરૂ થશે

એક મહિનો પહેલા

નમસ્કાર,
આજે ગુરુવાર છે, તારીખ 04 નવેમ્બર, અમાસ (દિવાળી)

આ મહત્વપૂર્ણ ઘટનાઓ પર રહેશે નજર

1) આજે દિવાળી, વેપારીઓ ચોપડાં પૂજન કરશે 2) આજથી પેટ્રોલ-ડીઝલના ભાવ ઘટશે 3) આજથી 7 નવેમ્બર સુધી તમામ બેંકો બંધ રહેશે

હવે જોઈએ ગઈકાલના ખાસ સમાચાર

* દિવાળીની ભેટ; કેન્દ્ર સરકારે પેટ્રોલ પર 5 અને ડીઝલ પર 10 રૂપિયા એક્સાઈઝ ડ્યૂટી ઘટાડી
પેટ્રોલ અને ડીઝલની આકાશને આંબતી કિંમતથી સામાન્ય લોકોને મોટી રાહત મળી છે. દિવાળીના એક દિવસ પહેલા કેન્દ્ર સરકારે પેટ્રોલ-ડીઝલની કિંમતમાં મોટી રાહત આપવાનો નિર્ણય કર્યો છે. સરકારે પેટ્રોલમાં 5 રૂપિયા અને ડીઝલમાં 10 રૂપિયા એક્સાઈઝ ડ્યૂટી ઘટાડવાની જાહેરાત કરી છે. નવી કિંમત દિવાળીથી એટલે કે આવતીકાલથી લાગુ થશે. પેટ્રોલ અને ડીઝલની કિંમત અત્યાર સુધીના ઉચ્ચત્તમ સ્તરે છે.

વાંચો સમાચાર વિગતવાર

* અમદાવાદથી સુરત અને સુરતથી ભાવનગર સહિતની 5 નવી ફ્લાઈટ શરૂ થશે, ટિકિટનો ભાવ મહત્તમ રૂ. 3500થી 5000 નક્કી કરાયો
રાજ્યના બે શહેર એવા અમદાવાદ અને સુરતથી પાંચ નવાઈ ફ્લાઈટ શરૂ કરવામાં આવશે. આ અંગે નાગરિક ઉડ્ડયન મંત્રી પૂર્ણેશ મોદીએ જણાવ્યુ છે કે, રાજ્યમાં ઉડ્ડયન અને પ્રવાસનને પ્રોત્સાહન આપવા માટે અને રાજ્યની અંદર સુવ્યવસ્થિત હવાઈ જોડાણ ઉપલબ્ધ કરાવવા માટે રાજ્ય સરકારે રાજ્યમાં આંતર પ્રાદેશિક હવાઈ સેવા પૂરી પાડવા રાજ્ય સરકારે મહત્વનું પગલું ભર્યું છે. રાજ્યમાં અમદાવાદ અને સુરતથી પાંચ નવી હવાઇ સેવાઓ શરૂ કરવાનો નિર્ણય કર્યો છે. તદઅનુસાર અમદાવાદ-ભુજ-અમદાવાદ, સુરત-ભાવનગર-સુરત, સુરત-અમરેલી-સુરત, સુરત-રાજકોટ-સુરત, સુરત-અમદાવાદ-સુરત માટે શરૂ થનાર હવાઇ સેવાઓ માટે મહત્તમ રૂા.3500 થી 5000 રૂા. ટીકીટનો દર નિયત કરાયો છે.

વાંચો સમાચાર વિગતવાર

* રૂ.10ના પોપ-પોપએ જીવ લીધો:સુરતમાં 3 વર્ષનું બાળક પોપ-પોપ ગળી ગયું, ભારે ઝાડા-ઊલટી બાદ હોસ્પિટલે લઈ ગયા તો મૃત જાહેર કરાયું
દિવાળીના તહેવારમાં ફટાકડા ફોડવાનું બાળકોમાં ઘેલું હોય છે. દરેક બાળકને મા-બાપ ફટાકડા પણ અપાવતા હોય છે, પરંતુ તેઓ એ ફટાકડાં સાથે શું કરે છે એ જોવાનું ચૂકી જતાં તમામ મા-બાપની આંખો ઉઘાડતો કિસ્સો સામે આવ્યો છે. સુરતના ડિંડોલીમાં 3 વર્ષના બાળક માટે તેના પિતા ફટાકડા લઈ આવેલાં. બાળક નાનું હોવાથી ફેંકે અને ફૂટે એવા પોપ-પોપ સુથારી કામ કરતા મૂળ બિહારના વતની એવા પિતા દુકાનથી લાવ્યા બાદ ઘરે મૂક્યા હતા. જોકે બાદમાં એ ફટાકડા ફોડવાની જગ્યાએ બાળક ગળી ગયું હોય એમ બીમાર પડ્યું અને દવા લીધા બાદ પણ સારું ન થયું, પરંતુ ઝાડા-ઊલટીમાં પોપ-પોપ ફટાકડા નીકળ્યા બાદ વધુ સારવાર માટે સિવિલ હોસ્પિટલ લવાયું હતું, જ્યાં તબીબોએ બાળકને મૃત જાહેર કર્યું હતું તેમજ ફટાકડાં બાળક ખાઈ જવા બાબતે આશ્ચર્ય વ્યક્ત કર્યું હતું, સાથે જ તબીબોએ તમામ વાલીઓએ દિવાળીના ફટાકડા ફોડતી વખતે જાગ્રત રહેવા અપીલ કરી હતી.

વાંચો સમાચાર વિગતવાર

* બદલાતી સૂરત:સી.આર.પાટીલનો દાવો હાલ સુરતનો ગોલ્ડન સમય, માગ્યા કરતાં પણ વધુ અને ઝડપથી મળે છે
સુરત ખાતે ભારતીય ડાક વિભાગના ‘આંતરરાષ્ટ્રીય વ્યવસાય કેન્દ્ર’નો શુભારંભ કેન્દ્રીય સંચારમંત્રી દેવુસિંહ ચૌહાણના હસ્તે થયું હતું. સુરત મહિધરપુરા પોસ્ટઓફિસ ખાતેથી ફોરેન પોસ્ટ ઓફિસનું સંચાલન થશે. આ પોસ્ટ ઓફિસ સેવાનો પ્રારંભ થતાં જ ડાયમંડ, ટેક્ષટાઈલ, સિલ્ક જેવા ઉદ્યોગોને આંતરરાષ્ટ્રીય સ્તરે મદદરૂપ બનશે. ફોરેન પોસ્ટ ઓફિસના ઉદઘાટન પ્રસંગે સરસાણા પ્લેટીનમ હોલ ખાતે યોજાયેલા સમારોહમાં નવસારી સાંસદ અને ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલે કહ્યું હતું કે, 'હાલ સુરતનો ગોલ્ડન સમય ચાલી રહ્યો છે. માગ્યા કરતાં પણ વધુ અને ઝડપથી મળે છે.'

વાંચો સમાચાર વિગતવાર

પાપી પિતા:સુરતમાં પત્નીના અફેરથી પતિને ગુસ્સો આવ્યો, દીકરાને સેલ્ફી લેવાના બહાને તાપી નદીમાં ધક્કો દઈને મારી નાખ્યો
સુરતના મક્કાઈપુલની પાળી પરથી 12 વર્ષીય પુત્રને બેસાડી સેલ્ફી લેવાની લાયમાં પુત્ર પાળી પરથી નદીમાં પટકાઈને મોતને ભેટ્યો હોવાનું જૂઠાણું ચલાવનાર પિતાના પાપની પોલ ખૂલી ગઈ છે. સમગ્ર કિસ્સામાં પોલીસે ઓનર કિલિંગનો કેસ દાખલ કરી પિતાની ધરપકડ કરી છે. પિતાએ માસૂમ પુત્રની હત્યા કરી હોવાની કબૂલાત કરતાં પોલીસ પણ ચોંકી ગઈ છે. ત્રણ વર્ષથી પિયર રહેતી પત્નીનું જેની સાથે કથિત રીતે અફેર હતું તેને અબ્બા કહેનાર પોતાનો પુત્ર નહિ હોવાના ગુસ્સામાં તેને નદીમાં ધક્કો મારી ફેંકી દીધો હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે.

વાંચો સમાચાર વિગતવાર

* છ મહિના બાદ 'ઈમરજન્સી મંજૂરી':વિશ્વ સ્વાસ્થ્ય સંગઠને કોવેક્સિનના ઈમરજન્સી ઊપયોગની મંજૂરી આપી, હવે દુનિયાભરમાં આપણી વેક્સિન લગાવી શકાશે
વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન (WHO)એ સ્વદેશી વેક્સિન કોવેક્સિનને ઈમરજન્સી ઉપયોગની મંજૂરી આપી દીધી છે. દિવાળીના એક દિવસ પહેલા WHOએ 18 વર્ષથી વધુ વયના લોકોને કોવેક્સિન લગાવવાની મંજૂરી આપી દીધી છે. કોવાક્સિન ભારતમાં જ વિકસાવવામાં આવી છે. તેને હૈદરાબાદના ICMR અને ભારત બાયોટેક દ્વારા બનાવવામાં આવી છે. એક નિવેદનમાં WHOએ જણાવ્યું હતું કે, વિશ્વભરના નિષ્ણાતોની બનેલી અમારી ટીમે નિર્ણય લીધો છે કે કોવેક્સિન કોરોનાથી રક્ષણ માટે WHOના ધોરણોને પૂર્ણ કરે છે. વેક્સિનનો લાભ તેના જોખમ કરતા વધુ છે. આ વેક્સિન દુનિયા માટે ઉપયોગી સાબિત થઈ શકે છે. કોવેક્સિનની સમિક્ષા WHOના સ્ટ્રેટેજિક એડવાઈઝરી ગ્રુપ ઓફ એક્સપર્ટ્સ ઓન ઈમ્યૂનાઈઝેશન (SAGE)એ કરી હતી.
વાંચો સમાચાર વિગતવાર

* વેક્સિનેશન પર મોદીનું મંથન:તહેવારોની સિઝનમાં મોદીનો મંત્ર- કોરોનાનો બીજો ડોઝ બિલકુલ ચૂકશો નહીં; મોદીએ કહ્યું- રોગ અને શત્રુને ક્યારેય ઓછો ન આંકવો જોઈએ
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બુધવારે 48 જિલ્લાના જિલ્લાના ડીએમ સાથે બેઠક યોજી હતી જેઓ વેક્સિનેશનમાં પાછળ છે. આ બેઠકમાં અનેક રાજ્યોના મુખ્યમંત્રીઓએ પણ ભાગ લીધો હતો. દેશમાં જે જિલ્લાઓમાં ઓછું વેક્સિનેશન થયું છે તેવા જિલ્લાઓના ડીએમ સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદી બેઠક કરી હતી. સરકારી સૂત્રો મુજબ આવા જિલ્લાઓની સંખ્યા 48 છે. બુધવારે બપોરે વેક્સિનેશન અંગે સમીક્ષા બેઠક મળી. બેઠકમાં પીએમ મોદી (વર્ચ્યુઅલી) 48 જિલ્લાના જિલ્લા જિલ્લાધિકારીઓ સાથે વાત ચર્ચા કરી હતી. જ્યાં કોરોના વેક્સિનેશનનું કવરેજ ઘટ્યું છે. તેમાં ઝારખંડ, મણિપુર, નાગાલેંડ, અરુણાચલ પ્રદેશ, મહારાષ્ટ્ર, મેઘાલય, અને અન્ય રાજયોના જિલ્લાના ડીએમ ઉપસ્થિત રહ્યા હતા.

વાંચો સમાચાર વિગતવાર

* મોટા ખેલાડીની જગ્યાએ યુવાઓને તક આપો:BCCIને કપિલ દેવની સલાહ, ટીમને યંગ બ્લડની જરુરત
ટી-20 વર્લ્ડકપમાં ટીમ ઈન્ડિયાનું પ્રદર્શન અત્યાર સુધી ખૂબ જ કંગાળ રહ્યું છે. ભારતીય ટીમ અત્યાર સુધી બે મેચ રમી ચૂકી છે અને બંને મેચ હારી ગઈ છે. આ કારણે ટીમની ઘણી ટીકા થઈ રહી છે.ટીમના પ્રદર્શનથી ઘણા દિગ્ગજો પણ ખૂબ નિરાશ છે. ટીમ ઇન્ડિયાના ખરાબ પ્રદર્શનને કારણે પૂર્વ કેપ્ટન કપિલ દેવે મોટું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે જો ટીમના મોટા ખેલાડીઓ સારું પ્રદર્શન નથી કરી રહ્યા તો તેમને ટીમમાંથી બહાર કરી દો અને યુવાનોને તક આપો.હવે ટીમ ઈન્ડિયાએ પોતાની ત્રણેય મેચ જીતવી પડશે અને સેમિ ફાઈનલમાં પ્રવેશવા માટે અન્ય ટીમોના પરિણામો પર આધાર રાખવો પડશે.

વાંચો સમાચાર વિગતવાર

* અયોધ્યામાં 5મો દીપોત્સવ:9.51 લાખ દીવડા પ્રગટાવવાનો બન્યો રેકોર્ડ, લેઝર શો-હોલોગ્રાફિક્સ રામાયણ થઈ; CM બોલ્યા- હવે કારસેવા થઈ તો ગોળી નહીં પુષ્પવર્ષા થશે
અયોધ્યા આજે રામમય છે. બુધવારે 5માં દીપોત્સવ પર આજે સરકારે પોતાનો જૂનો રેકોર્ડ તોડ્યો છે. સવારે શ્રીરામે અયોધ્યા આગમનને પ્રતીકાત્મક રીતે દર્શાવત ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી હતી. બપોરે ભગવાન રામ, માતા સીતા અને લક્ષ્મણ પુષ્પક વિમાન (હેલીકોપ્ટર)માં અયોધ્યા પહોંચ્યા. CM યોગી આદિત્યનાથે હેલીપેડથી તમામનું સ્વાગત કર્યું. જે બાદ પ્રભુ રામને રામકથા પાર્ક સુધી રથમાં લાવવામાં આવ્યા. જ્યાં ભગવાને રામનો રાજ્યભિષેક થયો. CM યોગીએ રામનું રાજતિકલ કર્યું. આ દરમિયાન CM યોગીએ કહ્યું, 31 વર્ષ પહેલા અયોધ્યાં શું થતું હતું. 30 ઓક્ટોબર અને 2 નવેમ્બર 1990નાં રોજ રામભક્તો પર બર્બરતાથી ગોળીઓ ચલાવી હતી. તમે જોશો કે જો આગામી કારસેવા થશે તો ગોળી નહીં ચાલે. રામભક્તો અને કૃષ્ણભક્તો પર પુષ્પવર્ષા થશે.દીવડા પ્રગાટવવાની પ્રક્રિયા શરૂ થઈ. સરયૂના કિનારે રામની પૈડી સાથે સંલગ્ન 32 ઘાટ પર લગભગ 9.51 લાખ દીપ પ્રગટાવવામાં આવ્યા. તો સમગ્ર અયોધ્યામાં 12 લાખ દીવડાં પ્રગટાવવાનો વર્લ્ડ રેકોર્ડ બન્યો.

વાંચો સમાચાર વિગતવાર

* ગુરુગ્રામમાં ખુલ્લામાં નમાઝ અદા કરવા પર પ્રતિબંધ:વિવાદ પછી પ્રશાસને આપેલી 8 જગ્યાની પરવાનગી રદ કરી, હવે સમિતિ નમાઝનું સ્થાન નક્કી કરશે
સાયબર સિટી ગુરુગ્રામમાં ખુલ્લામાં નમાઝ અદા કરવા બાબતે વિરોધ થતાં જિલ્લા પ્રશાસને 8 જગ્યા પર આપેલી પરવાનગીને રદ કરી દીધી છે. હવે કોઈએ પણ સાર્વજનિક જગ્યા અને ખુલ્લી જગ્યા પર નમાઝ માટે પ્રશાસન પાસે અનુમતિ લેવી જરૂરી હશે. બીજી તરફ, DCએ એક સમિતિની રચના કરી છે, જે ખુલ્લામાં નમાઝ અદા કરવા માટેની જગ્યાઓની ઓળખ કરશે. હિન્દુ સંગઠન અને સ્થાનિક લોકો ખુલ્લામાં નમાઝ અદા કરવાનો ઘણા સમયથી વિરોધ કરી રહ્યા હતા. નાગરિક એકતા મંચના પદાધિકારીઓનું કહેવું છે કે જે જગ્યાએ શુક્રવારની નમાઝ અદા કરવામાં આવે છે ત્યાં એને કારણે કોઈ પણ પ્રકારની મુશ્કેલી સર્જાતી નથી. બંધારણમાં શાંતિથી કોઈપણ ધર્મના લોકોને પોતાની ધાર્મિક ગતિવિધિઓને ચાલુ રાખવાનો અધિકાર છે. જોકે ભાઈચારો કાયમ રહે એ માટે તે પરવાનગી પછી નમાઝ અદા કરે છે.

વાંચો સમાચાર વિગતવાર

મહત્ત્વપૂર્ણ સમાચારો માત્ર હેડલાઈનમાં

1) ગુજરાતની જેલોમાં રહેલા 61 મહિલા કેદી સહિત 60થી વધુ વર્ષના 120 પુરૂષ કેદીઓને ઘરે દિવાળી ઉજવવા 15 દિવસના પેરોલ મળશે 2) પ્રવેશ પ્રક્રિયા બંધ:સ્કૂલોમાં પ્રથમ સત્ર પૂર્ણ થઈ ગયું હોવાથી હવે ધોરણ 9થી 12ના નવા વિદ્યાર્થીઓને એડમિશન નહીં મળે 3) અમદાવાદમાં દિવાળી ટાણે જ વાઈરલ ફીવર, શરદી,ખાંસીએ માથુ ઉંચક્યું, એક મહિનામાં ડેન્ગ્યુના 775, ચીકનગુનીયાના 399 કેસ નોંધાયા 4) પુત્રએ જ પિતાની હત્યા કરી:ગોંડલના મોવિયામાં સગીરે દારૂ પીવાની ટેવ ધરાવતા પિતાને મામા સાથે મળી પથ્થરના ઘા મારી પતાવી દીધા 5) બંગાળની ચારેય સીટ પર TMCનો કબજો, પરિણામથી હિમાચલ અને કર્ણાટકના CMની મુશ્કેલી વધી 6) સ્કોટલેન્ડની બેટિંગે ફેન્સના દિલ જીત્યા, 173નો ટાર્ગેટ ચેઝ કરતા 20 ઓવરમાં 156 રન કર્યા; બોલ્ટ-સોઢીએ 2-2 વિકેટ લીધી 7) ચીનમાં ખાદ્ય કટોકટી બાદ મોલમાં કતારો, શી જિનપિંગના જિદ્દી વલણથી વધ્યું વીજ સંકટ; Yahooએ પોતાનો બિઝનેસ સમેટી લીધો 8) સાઉદીમાં બની રહ્યું છે 3 લેયરવાળું શહેર; 5 મિનિટના અંતરે સ્કૂલ-રેસ્ટોરાં-દુકાનો, એર ટેક્સી ચાલશે; કાયદા પણ અલગ હશે

આજનો ઈતિહાસ ​​​​​​​​​​​​​​બરાક ઓબામા 2008માં આફ્રિકી મૂળના અમેરિકાના પહેલા રાષ્ટ્રપતિ બન્યા હતા​​​​​​​

અને આજનો સુવિચાર
માણસની આંખ જીભ કરતાં અનેક વાર વધુ કહી આપે છે; અને સાચું કહી દે છે. એના સંદેશ વાંચતા શીખીએ

તમારો દિવસ શુભ રહે, કાલે ફરી મળીશું..

અન્ય સમાચારો પણ છે...