સુરેન્દ્રનગરના તત્કાલીન કલેક્ટર અને હાલ ગાંધીનગરના વહીવટી સચિવ કે. રાજેશ અને વચેટિયાએ લાંચપેટે લીધેલા 4 લાખના કેસમાં પકડાયેલા આરોપી રફીક મેમણના વધુ 10 દિવસના રિમાન્ડની અરજી સીબીઆઈ જજ સી. કે. ચૌહાણે નામંજૂર કરી જેલમાં મોકલવાનો આદેશ કર્યો છે.
સીબીઆઈ પીઆઈ રાજબીરસિંઘે આરોપી રફીક મેમણના 1 દિવસના રિમાન્ડ પૂરા થતાં શનિવારે સાંજે સીબીઆઈ કોર્ટમાં રજૂ કરી વધુ 10 દિવસના રિમાન્ડ માગ્યા હતા, જેમાં સીબીઆઈના સરકારી વકીલે રજૂઆત કરી હતી કે, કે.રાજેશ અને સુરતના મેસર્સ જિન્સ કોર્નરના પ્રોપરાઇટર રફીક મેમણ અને અન્ય વ્યક્તિ વિરુદ્ધ લાંચ લેવાનો કેસ છે. પકડાયેલો આરોપી રફીક મેમણ તપાસમાં સહકાર આપતો નથી. લાંચ કેસના રૂપિયા તેમ જ અન્ય આરોપીઓ અંગે સાચી હકીકતો જણાવતો નથી. આરોપીને મુખ્ય આરોપી અને અન્ય આરોપી સામે બેસાડી પૂછપરછ કરવાની છે. આ કેસના સજ્જડ પુરાવા એકત્ર કરવાના હોવાથી વધુ 10 દિવસના રિમાન્ડ મંજૂર કરવા જોઈએ.
બીજી તરફ આરોપીના એડવોકેટ એ. એ. અન્સારીએ રિમાન્ડ અરજીનો વિરોધ કરતા દલીલ કરી હતી કે, રિમાન્ડ અરજીમાં કોઈ નવાં કારણો નથી તેમ જ રિમાન્ડ અરજીમાં બતાવેલા મુખ્ય આરોપી કે.રાજેશ સહિતના સહ આરોપીઓની સામે બેસાડી પૂછપરછ કરવાની છે. સીબીઆઈએ આરોપી રફીક મેમણ સિવાય કે. રાજેશ અને અન્ય આરોપીની ધરપકડ કરી છે કે નહિ.
આ રજૂઆત સાંભળી કોર્ટે તપાસ અધિકારી અને સરકારી વકીલને પૂછ્યું હતું કે, મુખ્ય આરોપી કે અન્ય આરોપી તમારી કસ્ટડીમાં છે? કોર્ટનો સવાલ સાંભળી તપાસ અધિકારીએ મુખ્ય આરોપી કે. રાજેશ કે અન્ય આરોપી અમારી કસ્ટડીમાં નથી તેમ જણાવ્યું હતું. આથી કોર્ટે કહ્યું કે, તમે અન્ય કોઈ આરોપીને પકડ્યા નથી તો પછી આરોપી રફીક મેમણને કોની સામે બેસાડી પૂછપરછનું અરજીમાં જણાવ્યું છે. કોર્ટના સવાલથી તપાસ અધિકારી અને સરકારી વકીલ ભોંઠા પડી ગયા હતા.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.