સુરક્ષા ગાર્ડ-રિક્ષાચાલકો વચ્ચે માથાકૂટ:એરપોર્ટ પર પ્રીપેઇડ સેવા સિવાયના રિક્ષાચાલકો અટકાવાતાં હોબાળો, પોલીસ વચ્ચે પડ્યા બાદ મામલો થાળે પડ્યો

અમદાવાદ15 દિવસ પહેલા
  • કૉપી લિંક
રિક્ષા ચાલકો અને  સિક્યોરિટી વચ્ચે માથાકૂટ બાદ પોલીસ બોલાવવી પડી - Divya Bhaskar
રિક્ષા ચાલકો અને સિક્યોરિટી વચ્ચે માથાકૂટ બાદ પોલીસ બોલાવવી પડી

અમદાવાદ એરપોર્ટ પર આવતા પેસેન્જરોને લઈ જવા માટે રિક્ષાચાલકો અરાઈવલ ગેટની સામે ઊભા રહી પેસેન્જરો પાસેથી વધુ ભાડા વસૂલતા હતા, જેના પગલે પેસેન્જરોને લૂંટતા બચાવવા એરપોર્ટ મેનેજમેન્ટ દ્વારા પ્રીપેઈડ રિક્ષા સેવા શરૂ કરવામાં આવી છે, જેમાં રિક્ષા ચાલકોનું રજિસ્ટ્રેશન કરવાની સાથે તેમને ક્રમબદ્ધ પેસેન્જરો લઈ જવા દેવામાં આવે છે, તેમ છતાં શુક્રવારે બપોરે કેટલાક રજિસ્ટ્રેશન નહીં કરાવનાર રિક્ષાચાલકો પેસેન્જર લેવા ટર્મિનલ સુધી પહોંચી ગયા હતા. આ બાબતે સિક્યોરિટી ગાર્ડે અને રિક્ષાચાલકો વચ્ચે વિવાદ થતાં પોલીસ બોલાવવી પડી હતી.

આ ઘટના અંગે એરપોર્ટ મેનેજમેન્ટેના પ્રવક્તાએ જણાવ્યું હતું કે, એરપોર્ટ પર આવતા પ્રવાસીઓ સાથે અવારનવાર રજિસ્ટ્રેશન નહીં કરાવનાર રિક્ષાચાલકો સાથે બિનજરૂરી વિવાદમાં ઊતરવું પડે છે. પ્રવાસીઓની સલામતી અને સુરક્ષા અમારી પ્રાથમિકતા છે. રિક્ષાચાલકોને પોતાને પ્રીપેઈડ રિક્ષા સર્વિસ પ્રોવાઇડર તરીકે નામ રજિસ્ટર્ડ કરાવે તેવી અપીલ કરવામાં આવી છે. જોકે કેટલાક રિક્ષાચાલકો પ્રીપેઈડ રિક્ષા પ્રોવાઇડર તરીકે નામ નોંધણી માટે જરૂરી દસ્તાવેજો રજૂ કરવામાં અને તેમની ઓળખ સ્થાપિત કરવામાં નિષ્ફળ રહ્યા છે. વધુમાં આવા રિક્ષાચાલકોએ એરપોર્ટ પર પેસેન્જરોની સતામણી કરવાનું ચાલુ રાખી છે. આ સતામણીનો અંત લાવવા પોલીસની મદદ માંગવામાં આવી રહી છે.

અન્ય સમાચારો પણ છે...