હાર્દિકનું પૂતળું લટકાવીને વિરોધ:‘હાર્દિક સામેના કેસ તો પાછા ખેંચાઈ જશે, પણ અમારા છોકરા કોણ પાછા આપશે?’

અમદાવાદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પાટીદાર આંદોલનમાં મૃત્યુ પામનારા યુવકોનાં સ્વજનોએ કહ્યું, હાર્દિકે અંગત સ્વાર્થ માટે પક્ષ બદલ્યો
  • ઉ. ગુજરાત સહિતના વિસ્તારોમાં 'પાસ’ના નેતા, ભાજપના એક જૂથે હાર્દિકના ભાજપ પ્રવેશનો વિરોધ કર્યો

હાર્દિક પટેલના ભાજપ પ્રવેશ સાથે જ પાટીદાર આંદોલનમાં મૃત્યુ પામેલા યુવકોના પરિવારના સભ્યોએ સવાલ કર્યો હતો કે પક્ષ બદલતાની સાથે હાર્દિક સામેના કેસ તો પાછા ખેંચાઈ જશે પણ અમારા છોકરાં કોણ પાછા આપશે ? ઉતર ગુજરાતના પાટીદાર અનામત આંદોલન સમિતિના નેતાઓની સાથે સાથે ભાજપના એક જૂથે પણ હાર્દિકને ભાજપમાં પ્રવેશ આપવા સામે ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો.

સરકાર સામે હાર્દિકનો ખભે ખભો મિલાવી આંદોલન ચલાવનારા પાસના અગ્રણીઓએ દાવો કર્યો છે કે, અમારો એક પણ કાર્યકર ભાજપમાં જોડાયો નથી. તેમણે હાર્દિકને આરએસએસનું મહોરું ગણાવ્યો હતો. મહેસાણામાં પાટીદાર નેતાઓ અને યુવકોએ પ્રતિક્રિયા આપતા કહ્યું કે, આંદોલન માત્ર કહેવા પૂરતું જ હતું. હાર્દિક પટેલે અંગત સ્વાર્થ માટે પાટીદાર સમાજનો ઉપયોગ કર્યો છે. કદી ભાજપમાં નહીં જવાનું કહેનારા હાર્દિક પટેલે રાતોરાત પક્ષ બદલતા હવે તેના પર વિશ્વાસ નહીં મુકવાની ટકોર પણ થઈ હતી.

વસ્ત્રાલમાં હાર્દિક પટેલનું પૂતળું લટકાવીને વિરોધ પ્રદર્શિત કરવામાં આવ્યો.
વસ્ત્રાલમાં હાર્દિક પટેલનું પૂતળું લટકાવીને વિરોધ પ્રદર્શિત કરવામાં આવ્યો.

હાર્દિક સાથે એકપણ પાસ કન્વીનર કે કાર્યકર જોડાયો નહીં
14 પાટીદાર યુવકની હત્યા માટે જવાબદાર ભાજપમાં હાર્દિક પોતાના વ્યક્તિગત સ્વાર્થ ખાતર જોડાયો છે. સમાજ તેનો આ ગુનો ક્યારેય માફ કરશે નહીં અને PAASના આંદોલનકારી હાર્દિકથી નારાજ છે > દર્શન પટેલ, ગુજરાત પાસ લીગલ કન્વીનર

કોંગ્રેસ વગર પણ સમાજસેવા કરી શકાય છે
હાર્દિકને કોંગ્રેસ ન ગમતી હોય તો તેણે પાર્ટી છોડીને સામાજિક સેવા કરી શકાય છે. ભાજપમાં જોડાતા હાર્દિકની વિશ્વસનીયતામાં ઘટાડો આવ્યો છે > સતીશ પટેલ, પાસ કન્વીનર મહેસાણા

પાટીદારો પર ગોળીઓ કોણે ચલાવી તેની તપાસ નથી થઈ
ઊંઝાના પાસ કન્વીનર ધનજી પાટીદારે પોતાનો રોષ ઠાલવતા જણાવ્યું હતું કે તમે જેની સામે લડતા હતા ને જ પાર્ટીમાં જોડાઈ ગયા, પરંતુ શહીદ પાટીદારોને બંદૂકની ગોળીઓ મારવામાં આવી તે કોના ઇશારે મારવામાં આવી તેની હજી સુધી કોઈ તપાસ કરવામાં આવી નથી > ધનજી પાટીદાર, પાસ કન્વીનર ઊંઝા

મહેસાણાના પાટીદાર યુવાનોમાં ભારે રોષ
મહેસાણાના પાટીદાર યુવાનોમાં ભારે રોષ છે. સુરતની સીડી અને તેની ઉપર લગાવેલ રાષ્ટ્રદ્રોહનો કેસ સહિતની મહત્વની નસો દબાવતા આ ભાઈ મજબૂરીમાં ભાજપમાં ગયા છે. ઉત્તર ગુજરાતમાંથી એક પણ પાટીદાર કન્વીનર કે આગેવાન હાર્દિકની સાથે જોડાયો નથી > નરેન્દ્ર પટેલ, ઉત્તર ગુજરાત પાસ કન્વીનર

હાર્દિકની જૂની સોશિયલ મીડિયા પોસ્ટ ફરતી થઈ

  • જો સવારનો દેશદ્રોહી સાંજે ભાજપમાં જોડાય જાય છે તો તેને દેશભક્ત કહેવામાં આવે છે!’
  • જનતા દ્વારા ચૂંટાયેલા પ્રતિનિધિ જનતા સાથે વિશ્વાસઘાત કરીને પોતાના સ્વાર્થ માટે પાર્ટી બદલે છે ત્યારે આવા સ્વાર્થી નેતાઓને ચારરસ્તા પર ઊભા રાખીને ચપ્પલથી માર મારવો જોઈએ.
  • હાર-જીતને કારણે પાર્ટી વેપારી બદલે છે વિચારધારા કે અનુયાયી નહીં. લડીશ, જીતીશ અને મરતા દમ સુધી કોંગ્રેસમાં રહીશ.

એક મૃત યુવકની માતાએ કહ્યું, ‘હાર્દિક રોજ બાપુનગર આવી પાટીદારોને ઉશ્કેરતો અને પોલીસનો માર અમારાં સંતાન ખાતા’
પાટીદાર આંદોલનમાં શહીદ થયેલા બાપુનગરના શ્વેતાંગ પટેલની કેન્સર પિડીત માતાએ કહ્યું, હાર્દિકે મારા એકના એક દિકરાનું ખૂન કર્યુ છે. મારા જેવા 14 લોકોને પોતાના સ્વાર્થ ખાતર હત્યા કરાવી છે. 7 વર્ષમાં એક ફોન પણ કર્યો નથી. કોગ્રેંસમાં ગયો ત્યારે અમારા નામે કહેતો હતો કે તમને ન્યાય અપાવીશ. હવે ભાજપમાં જઇને શું કરવાનો છે? હાર્દિકના એક અવાજે અમારા ભણેલા છોકરાં તેના માટે દોડતા હતા. આજે એ 15 છોકરાંના મા-બાપ નોંધારા થઇ ગયા છે.

બાપુનગરની માતૃશકિત સોસાયટીમાં રહેતા પ્રભાબહેન પટેલે પાટીદાર આંદોલન વખતે તેમના દીકરા શ્વેતાંગ વિશે વાત કરતા જણાવ્યું હતું કે, પોલીસ અધિકારીઓએ મારા દીકરાને ક્રૂરતાપૂર્વક માર્યો હતો. હાર્દિક રોજે બાપુનગર આવીને સભાઓમાં પાટીદારોના છોકરાઓને ઉશ્કેરતો હતો અને પોલીસ આંદોલનને વિખેરવા આવે ત્યારે અમારા છોકરાઓ માર ખાતા હતા. પોલીસે પણ તેમના દીકરાને નિર્દયતાથી માર્યો હોવાના પુરાવાનો નાશ કર્યો છે. હવે આના માટે કોઈ લડાઈ કરશે?