ચાણક્યપુરીમાં રેલવે ટ્રેક પરથી મળી આવેલી રાજેન્દ્ર નવલના મૃતદેહની ઘટનામાં તેની હત્યા કરવામાં આવી હોવાનું પુરવાર થતા સોલા પોલીસે ખૂનનો ગુનો નોંધ્યો છે. આટલું જ નહીં રાજેન્દ્રની હત્યા કરનારા 5 આરોપીમાંથી 3 ની ધરપકડ કરી છે. જેમાં એ વાતનો ઘટસ્ફોટ થયો છે કે, રાજેન્દ્રને એક યુવતી સાથે પ્રેમ સબંધ હતો. જેની જાણ થતા યુવતીના પિત્તરાઈ ભાઈએ રૂ.50 હજારની સોપારી આપીને રાજેન્દ્રની હત્યા કરાવી હતી.
ચાણક્યપુરીમાં રહેતા રાજેન્દ્ર કાનારામ નવલ(25)નો મૃતદેહ મળ્યો તેનાથી 400 ફૂટ દૂરથી લોહી લુહાણ હાલતમાં રાજેન્દ્રનું જેકેટ, શર્ટ અને બંડી મળી આવ્યા હતા. જ્યારે રેલવે ટ્રેક સુધીના આખા રસ્તા પર પણ લોહીના નિશાન હતા.
જેથી સોલા પોલીસે રાજેન્દ્રના ભાઈ પ્રકાશની ફરિયાદના આધારે ખૂનનો ગુનો નોંધી રાજેન્દ્રની હત્યા થઇ તે પહેલા તેને લાકડી અને પથ્થરથી માર્યો હોવાના સીસીટીવી ફૂટેજ મેળવ્યા હતા. જેના આધારે વિજય પેથાભાઈ ભરવાડ, પ્રવિણ મહેશભાઈ પૂરબીયા અને અનમોલ રાજેશભાઈ યાદવની ધરપકડ કરી હતી. ત્રણેયની પૂછપરછમાં પોલીસને જાણવા મળ્યું હતુ કે, વિશાલ ખન્ના નામના યુવાનની પિતરાઈ બહેન સાથે રાજેન્દ્રને પ્રેમ સબંધ હતો.
જેની જાણ થતા વિશાલે રાજેન્દ્રને તેની બહેન સાથેના સબંધ તોડી દેવા કહ્યું હતુ. તેમ છતાં રાજેન્દ્ર માન્યો ન હતો અને તેણે યુવતી સાથેના સબંધ યથાવત રાખ્યા હતા. જેથી વિશાલે વિજય ભરવાડ અને વિજય ઠાકોરને રૂ.50 હજારની સોપારી આપીને રાજેન્દ્રની હત્યા કરાવી હતી. જો કે રાજેન્દ્રની હત્યાના કાવતરામાં હજુ વિશાલ ખન્ના અને વિજય ઠાકોર નાસતા ફરતા હોવાથી પોલીસે તેમની શોધખોળ શરૂ કરી છે.
સોપારી માત્ર હાથ-પગ તોડી નાખવા આપી હતી
પકડાયેલા ત્રણેય આરોપીની પૂછપરછમાં પોલીસને જાણવા મળ્યું હતું કે, વિશાલ ખન્નાએ રાજેન્દ્રને ધમકાવવા અને માત્ર હાથ-પગ તોડવાની સોપારી આપી હતી. પરંતુ વિશાલ ઠાકોર, વિશાલ ભરવાડ અને પ્રવીણે રાજેન્દ્રને એટલી હદે માર્યો હતો કે તેનું મૃત્યુ થયું હતું. જેથી પુરાવાનો નાશ કરવા તેમણે રાજેેન્દ્રનો મૃતદેહ રેલવે ટ્રેક ઉપર ફેંકી દીધો હતો.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.