અમદાવાદના કાપડના વેપારી પાસેથી દલાલ મારફતે અન્ય 2 વેપારીઓએ લાખો રૂપિયા માલની ખરીદી કરી હતી. માલ ખરીદ્યા બાદ દલાલ અને અન્ય 2 વેપારીઓએ માલના પૈસા ચૂકવ્યા નહોતા જે મામલે વેપારીએ ત્રણ લોકો સામે 24.59 લાખની છેતરપિંડીની ફરિયાદ નોંધાવી છે. પોલીસે ફરિયાદના આધારે તપાસ હાથ ધરી છે.
આંધ્રપ્રદેશના વેપારીએ ટુકડે ટુકડે 4.16 લાખ આપ્યા
ખોખરામાં કાપડનો વેપાર કરતા રાજેશ નાહટાએ અમરાઈવાડી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે કે, તેમને મે મહિનામાં પવન છીમ્પા નામના દલાલનો સંપર્ક થયો હતો. જે બાદ પવન છીમ્પાએ આંધ્રપ્રદેશના મહેન્દ્ર બાઠીયાને રાજેશભાઈ પાસેથી 30,34,248 રૂપિયાનો માલ મોકલાવ્યો હતો અને બેંગલુરુની કિંજલ ફેબ નામની કંપનીમાં 5,08,227 રૂપિયાનો માલ મોકલાવ્યો હતો. આંધ્રપ્રદેશના વેપારીએ 4.16 લાખ રૂપિયા ટુકડે ટુકડે આપ્યા હતા. જ્યારે બાકીના રૂપિયા લેવાના બાકી હતા જેથી શંકા જતા ટ્રાન્સપોર્ટમાં 7,67,335 રૂપિયાનો માલ પરત મંગાવ્યો હતો તેમ છતાં 18,50,913 રૂપિયા લેવાના બાકી હતા.
24.59 લાખની છેતરપિંડીની ફરિયાદ
બંને કંપનીના ભેગા થઈ 23,59,140 રૂપિયા માલના પરત નહોતા આપ્યા, જેથી રાજેશભાઈએ દલાલ પવન અને બંને કંપનીના વેપારીઓનો સંપર્ક કર્યો હતો. પરંતુ બાકીના પૈસા પરત આપ્યા નહોતા જેથી રાજેશભાઈએ સમગ્ર મામલે અમરાઈવાડી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. અમરાઈવાડી પોલીસે બે વેપારી અને એક દલાલ એમ ત્રણ લોકો સામે 23.59 લાખની છેતરપિંડીની ફરિયાદ નોંધીને તપાસ હાથ ધરી છે.
23 કિલો ગાંજા સાથે 2 આરોપીની ધરપકડ
અમદાવાદમાં SOG ક્રાઈમ બ્રાન્ચ દ્વારા NDPSના અનેક ગુના દાખલ કરવામાં આવી રહ્યા છે. ત્યારે અમદાવાદમાંથી 23 કિલો ગાંજા સાથે 2 આરોપીની ધરપકડ કરી છે. આરોપીઓ પાસેથી ગાંજા સહિત 3,16,000નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે. પકડાયેલ આરોપીઓની ઉંમર પણ 20 અને 21 વર્ષની જ છે. સમગ્ર મામલે આરોપીઓ વિરુદ્ધ NDPS એક્ટ હેઠળ ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.
આરોપીઓ વિરુદ્ધ NDPS એક્ટ હેઠળ ગુનો દાખલ
SOGની ટીમે બાતમીના આધારે સીટીએમ ઓવર બ્રિજ પાસેથી 2 શખ્સ ગાંજો લઈને આવી રહ્યા છે. જેથી તપાસ કરતા મહેબૂબહુસેન અંસારી અને આસિફ અબ્બાસી નામના આરોપીઓની ધરપકડ કરી છે. બંને આરોપીઓ ગોમતિપૂરના રહેવાસી છે અને બંનેની ઉંમર પણ 20-21 વર્ષ છે. બંને આરોપીઓ વિરુદ્ધ NDPS એક્ટ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. આરોપી ગાંજો ક્યાંથી લાવ્યા હતા અને કોને આપવાના હતા તે દિશામાં SOGએ તપાસ હાથ ધરી છે.
આંગડિયા પેઢીમાં 54 લાખની લૂંટ
અમદાવાદ ક્રાઈમ બ્રાંચે ઓઢવમાં આંગડિયા પેઢીમાં 54 લાખની લૂંટ કરનાર તથા બે બાઈક ચોરીના ગુનામાં ફરાર આરોપીની ધરપકડ કરી છે. અગાઉ આંગડિયા લૂંટ મામલે ક્રાઈમ બ્રાંચે ચાર આરોપીની ધરપકડ કરી હતી. જ્યારે એક આરોપી નાસ્તો ફરતો હતો જેની ધરપકડ કરવામાં આવી છે.
બાઇક ચોરીના આરોપીને ક્રાઈમ બ્રાંચે ઝડપ્યો
અમદાવાદ ક્રાઈમ બ્રાંચે બાતમીના આધારે સુરેન્દ્રસિંહ ચૌહાણની નરોડા પાટિયા ખાતેથી ધરપકડ કરી છે. આરોપી પી.એમ આંગડિયામાં 54 લાખની લૂંટ કર્યા બાદ ફરાર થઈ ગયો હતો. અગાઉ લૂંટ મામલે ચાર આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી. પકડાયેલ આરોપી વિરોધમાં લૂંટ અને આમ સેટ હેઠળ ગુનો નોંધાયેલો હતો. આરોપી લૂંટ બાદ છ મહિના સુધી પોલીસ પકડથી દૂર રહ્યો હતો. આરોપી અગાઉ રાજસ્થાનના ઝાલોરમાં ચોરીના કેસમાં પકડાયો હતો.
50 મોબાઈલ ફોનનું પાર્સલ જ ગાયબ
અમદાવાદના ગીતામંદિર પાસે આવેલા નંદન કુરિયરમાં સુરતથી પાર્સલ આવ્યા હતા. પાર્સલ કુરિયર કંપનીના ગોડાઉનમાં મુક્યા હતા. સુરતથી 2 પાર્સલ પણ આવ્યા હતા જે ગોડાઉનમાં મુકવામાં આવ્યા હતા. 18 ઓક્ટોબરે પાર્સલ લેવા ભાવેશ શેઠ આવ્યા હતા. જ્યારે પાર્સલ માટે કર્મચારીને ગોડાઉનમાં મોકલવામાં આવ્યો ત્યારે ગોડાઉનમાં માત્ર એક પાર્સલ હતું જે ભાવિન શેઠને આપવામાં આવ્યું હતું. એક પાર્સલ મળ્યું નહોતું જેમાં 50 મોબાઈલ હતા. કુલ 3,27,000ના મોબાઈલ વાળું પાર્સલ ગાયબ હતું.
પોલીસે ફરિયાદ નોંધીને વધુ તપાસ હાથ ધરી
બીજુ પાર્સલ થોડા દિવસમાં આપવાનું કહીને કંપનીના તમામ લોકોએ ઓફિસ અને ગોડાઉનમાં પાર્સલ શોધ્યું હતું પરંતુ પાર્સલ મળ્યું નહોતું. આમ બે મહિના જેટલો સમય થયો છતાં પાર્સલ ના મળતા કંપનીમાં કામ કરતા આસિસ્ટન્ટ મેનેજરે પાર્સલની ચોરી અંગે કાગદાપીઠ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે ફરિયાદ નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.