તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પરિવાર પર જ હુમલો:અમદાવાદના મેઘાણીનગરમાં ભાઈએ દારૂ પકડાવી દેતા બુટલેગર કાકા ભત્રીજા-ભત્રીજીને હાથમાં છરી લઈ મારવા દોડ્યાં

અમદાવાદ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • યુવતી ભાઈ સાથે ઘર પાસે આવેલી એક ગલીમાં છુપાઇ અને મહિલા હેલ્પલાઈન 181ને જાણ કરી
  • હેલ્પલાઈનની ટીમે બંને ભાઈ બહેનને બચાવી અને પોલીસ પ્રોટેક્શનની ફરિયાદ કરાવી

શહેરમાં અનેક વિસ્તારોમાં દેશી-વિદેશી દારૂનું વેચાણ થઈ રહ્યું છે. દારૂના વેચાણ જેવી પ્રવૃત્તિ સામે સ્થાનિક લોકો હેરાન પરેશાન થઈ જાય છે. પરંતુ પોલીસના માનીતા માણસોના બુટલેગરો પર બે હાથ હોવાથી સામાન્ય પ્રજા પણ કશું કરી શકતી નથી છેવટે પ્રજાએ પોલીસ કંટ્રોલરૂમમાં જાણ કરવી પડે છે. દારૂ પકડાવનાર સામે બુટલેગરો હુમલા પણ કરતા હોવાના બનાવ છે. અમદાવાદના મેઘાણીનગર વિસ્તારમાં મોટા ભાઈએ નાના બુટલેગર ભાઈ દારૂ વેચતો હોવાની પોલીસને જાણ કરી દારૂ પકડાવ્યો હતો. જેથી બુટલેગરે તેના ભાઈના બંને દીકરા-દીકરીને માર મારી હાથમાં છરી લઈ મારી નાખવા તેના સાથીઓ સાથે દોડ્યાં હતા જો કે યુવતીએ મહિલા હેલ્પલાઈન 181ને ફોન કરતા સિવિલ લોકેશનની હેલ્પલાઈનની ટીમ તરત ત્યાં પહોંચી બંનેને સહીસલામત બચાવી પોલીસ પ્રોટેક્શન અપાવવા પોલીસ સ્ટેશનમાં મોકલ્યા હતા.

યુવતીના કાકા ઘરમાં દારૂનો ધંધો કરે છે
મેઘાણીનગરમાં 20 વર્ષીય યુવતી તેના માતા-પિતા અને કાકા એમ સંયુક્ત પરિવારમાં રહે છે. યુવતીના કાકા ઘરમાં દારૂનો ધંધો કરે છે. દારૂના વેચાણ સામે ઘરના તમામ લોકોનો વિરોધ હતો. શનિવારે યુવતીના પિતાએ મેઘાણીનગર પોલીસને જાણ કરી હતી કે તેનો ભાઈ દારૂ વેચે છે અને ઘરમાં દારૂ પડ્યો છે જેથી પોલીસ તેના ઘરે આવી દારૂ જપ્ત કરી યુવતીના પિતાને ફરિયાદ માટે પોલીસ સ્ટેશનમાં લઈ ગઈ હતી. જેથી ઉશ્કેરાયેલા બુટલેગર ભાઈએ ઘરમાં રહેલા મોટાભાઇના બંને સંતાનો પર હાથ ચાલકી કરી હતી. હાથમાં છરો લઈ મારવા આવ્યા હતા. જેથી બને ભાઈ બહેન ડરી ગયા હતા અને બચવા એક ગલીમાં છુપાઈ ગયા હતા.

બંને ભાઈ બહેન એક ગલીમાં છુપાઈને બેઠા હતા
યુવતીએ તેના ફોનમાંથી મહિલા હેલ્પલાઈન 181ને ફોન કરી ડરેલા અવાજમાં જાણ કરી હતી કે મારા કાકા હાથમાં છરી લઈ તેમના બીજા માણસો સાથે અમને મારી નાખવા આવે છે. જેથી મહિલા હેલ્પલાઈનની સિવિલ લોકેશનની ટીમ તાત્કાલિક જગ્યા પર પહોંચી હતી. બંને ભાઈ બહેન એક ગલીમાં છુપાઈને બેઠા હતા. તેઓને સુરક્ષિત હોવાની સાંત્વનાં આપી અને પૂછતાં તેઓએ સમગ્ર બાબત જણાવી હતી. ત્યાં તપાસ કરતા બુટલેગર કાકા તેના સાથીઓ સાથે ફરાર થઈ ગયા હતા. મહિલા હેલ્પલાઈનની ટીમે મેઘાણીનગર પોલીસને પણ બોલાવી લીધી હતી. એટલામાં યુવતીના પિતા સામેથી ચાલતા આવતાં હતાં. બાદમાં હેલ્પલાઈનની ટીમે પોલીસ પ્રોટેક્શન આપવાની સાથેની ફરિયાદ કરાવી અને મદદ કરી હતી.

અન્ય સમાચારો પણ છે...